
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં ૨૨ ડિસેમ્બરે યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ–૩ની પરીક્ષાના કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર પ્રતિબંધ:
પરીક્ષા સમયે બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા તા. ૨૨ ડીસેમ્બર ૨૦૨૪ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦થી બપોરે ૧-૦૦ કલાક દરમિયાન કુલ ૦૬ પરીક્ષા કેન્દ્રો ખાતે રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ – ૩ (જાહેરાત ક્રમાંક: ૨૮/૨૦૨૪-૨૫) ની ભરતી માટેની પ્રાથમિક પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન ઉમેદવારો નિર્ભયપણે અને મુક્ત વાતાવરણમાં આપી શકે અને કાયદો અને વ્યવ્થા જળવાઇ રહે તે માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ ની કલમ -૧૬૩ મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.બી.ચૌધરી કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
ડાંગ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ૧) સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા-૦૧, ૨) સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા-૦૨, ૩) પીએમશ્રી એકલવ્ય મોડલ રેસિડેન્સીય શાળા આહવા, ૪) દિપ દર્શન હાઈસ્કૂલ- આહવા, ૫) પીએમશ્રી એકલવ્ય મોડલ રેસિડેન્સીય શાળા સાપુતારા, ૬) રૂતુભંરા કન્યા વિધ્યાલય મંદિર સાપુતારા, ખાતે સવારે ૧૧-૦૦થી બપોરે ૧-૦૦ કલાક દરમિયાન પરીક્ષા યોજાશે.
૧ ) ઉપર મુજબનાં જણાવેલ પરીક્ષા કેન્દ્રોનાં ચારે તરફ ૧૦૦ મીટરનાં વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વઘારે લોકોએ એકઠા થવું નહી. મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડ-બાજા વિગેરે ધ્વનિવર્ધક સાઘનોનો ઉપયોગ કરવો નહી કે કોઈ પણ પ્રકારના સુત્રોચ્ચાર કરવા નહી.
૨) પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપી રાઈટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઇંગ મશીન દ્વારા કોઇએ કોપી કરવી નહી.
૩) પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર-જનતા કે ફરજ ઉપરના તમામ પ્રકારના સરકારી સ્ટાફએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યોની આપ-લે કરીને/કરાવીને ત્રાસ, ખલેલ કે ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહી.
૪) ઇલેક્ટ્રોનિક ઉપકરણ/મશીન જેવા કે મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, કેમેરા, લેપટોપ વિગેરે તેમજ પુસ્તક, અન્ય સાહિત્ય પરીક્ષા સ્થળ પર લઇ જવા નહી કે વહન કરવું નહી કે કરવા મદદગારી કરવી નહી અને તેવી કોઇ પણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહી.
૫) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહી.
૬) પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ અન્ય કોઈ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને/કરાવીને/કરવામાં મદદ કરીને અથવા ચોરી ગણાય તેવા કોઇ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ, ખલેલ કે ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહી.
વધુમાં ઉપર જણાવેલ પ્રતિબંધો આવશ્યક સેવા તથા પરીક્ષામાં ફરજની કામગીરીમાં રોકાયેલા હશે તેમને તેમજ પ્રતિબંધિત વિસ્તારમાંથી સ્મશાન યાત્રામાં જતાં ઇસમોને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ- ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાનો ભંગ બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓ તથા પરીક્ષાના સંચાલન સાથે સંકળાયેલ અધિકારીશ્રી/કર્મચારીશ્રીને અધિકૃત કરવામાં આવેલ છે.