
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
સોનગઢ: આદર્શ આશ્રમશાળાની મહિલા આચાર્ય દમયંતિબેન 20 હજારની લાંચ લેતા ઝડપાઈ આદર્શ આશ્રમશાળાની મહિલા આચાર્ય આજરોજ વ્યારા-ઉનાઇ રોડ પર આવેલ પાણીની ટાંકી સામે રૂપિયા 20 હજારની લાંચ સ્વીકારતા તાપી એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ છે, જેને લઈ લાંચીયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર ફરીયાદીશ્રીના સાતમાં અને પાંચમાં પગાર પંચના સ્ટીકરો મેળવી અને ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ તૈયાર કરવા તેમજ સર્વિસ બુક સ્કેન કરવા માટે શ્રીમતી દમયંતિબેન માનજીભાઇ ચૌહાણ, આચાર્ય,વર્ગ-૩, આદર્શ આશ્રમશાળા, બોરકુવા, તા.સોનગઢ જી.તાપી રહે, સાંઇનગર-2-14 તા.વ્યારા જી.તાપી નાએ રૂપિયા 20 હજાર લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આજરોજ તાપી એ.સી.બી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી મહિલા દમયંતિબેન ચૌહાણ નાઓએ ફરીયાદી પાસે રૂપિયા 20 હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ વ્યારા-ઉનાઇ રોડ પર આવેલ પાણીની ટાંકી સામે, જાહેર રોડ ઉપર સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગઈ હતી, હાલ આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, અધિકારીશ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક એ.સી.બી.સુરત એકમ, સુરત નાઓનો સુપર વિઝન હેઠળ ટ્રેપીંગ અધિકારી શ્રી એસ.એચ.ચૌધરી, પો.ઇન્સ,તાપી એસીબી પોલીસ સ્ટેશન અને એસીબી સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરી હતી.