
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
રાજપીપલા :- નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા કેન્દ્ર સરકાર પુરસ્કૃત સંકટ મોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ સરકારની ઘણી ખરી યોજનાઓનાં જાણકારીના અભાવે તેનો લાભ લેવાથી લોકો વંચીત રહી જાય છે!
આવીજ એક સરકારની યોજના છે, સંકટ મોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજના હેઠળ જે તે પરિવારની મુખ્ય કમાનાર વ્યકિતનું કુદરતી સંજોગોમાં અથવા અકુદરતી કે અકસ્માતમાં મૃત્યુ થાય અને મરણ થનારની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોય તથા આ પરિવાર ગરીબી રેખા હેઠળ ( ૦ થી ૨૦ ના ગુણાંક) માં હોય તેવા સંજોગોમાં પરિવારને ઉચ્ચક કેન્દ્રીય સહાય રૂા. ૨૦ હજારની મર્યાદામાં મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભાર્થી પરિવારે મુખ્ય કમાનાર વ્યક્તિના અવસાન થયાના ૨ (બે) વર્ષમાં અરજી કરવી આવશ્યક છે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે જે-તે મામલતદાર કચેરીની સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક કરવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજપીપલા જિ. નર્મદા તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.