
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા ખાતે તા.૨૪ મી ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે: પ્રભારી મંત્રીશ્રી રહેશે ઉપસ્થિત;
પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ સાધન સહાય એનાયત કરાશે :
લાભાર્થીઓની ડેટા એન્ટ્રી સહિત કિટની ખરીદી જેવી બાબતે કલેકટરશ્રીએ આપ્યુ ઉપયોગી માર્ગદર્શન :
ડાંગ, આહવા: રાજ્યના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ગરીબ કલ્યાણ મેળાનો ૧૨મો તબક્કો આગામી તા.૨૪, ૨૫ અને ૨૬મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના તમામ જિલ્લા મથકોએ યોજાઇ રહયો છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૪/૨/૨૦૨૨ ના રોજ આયોજિત કરાયો છે.
ડાંગના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને ગરીબ કલ્યાણ મેળાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓની પસંદગી સહિત તેમને અપાનારા સાધન સહાય, અને ટુલ કિટ્સની યોગ્ય ગુણવત્તા જાળવવાની હિમાયત કરતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ, લાભાર્થીઓની ડેટા એન્ટ્રીની કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેક્ટરશ્રીએ ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામા પ્રભારી મંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ સહિત મેળા સંબંધિત આનુષંગિક કામગીરી સુપેરે પાર પાડવા બાબતે અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ.
આહવા સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાની આ બેઠકની કાર્યવાહી નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગાવિતે સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે, તા.૨૪/૨/૨૦૨૨ ના રોજ આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે સવારે ૯ વાગ્યાથી ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળો શરૂ થશે.
બેઠકમા જિલ્લાના જુદા જુદા વિભાગ/કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.