શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા
દેડીયાપાડાના તાબદા ગામની માધ્યમિક શાળામાં મતદાન જાગૃતિ રંગોળી સ્પર્ધા યોજાઇ :
રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને લોકોને વધુમાં વધુ અને અચૂક મતદાન કરવા શાળાના વિદ્યાર્થીઓએ કરી અપીલ;
એકતાના પ્રતિક એવા આપણા ભારત દેશે વિશ્વ ફલક પર પણ પોતાની એકતાનું પરિચય કરાવ્યો છે. દેશમાં વિવિધ તહેવારોની ઉજવણી ધર્મ-જાતિ-ભેદભાવ-ઉંચનીચની ભાવનાથી ઉપર પ્રેમ અને એકતાની ભાવના સાથે થાય છે. આ તમામ તહેવારો તો ખરા જ પરંતુ એક તહેવાર છે લોકશાહીનો. લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી શ્રેષ્ઠ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉમદા આશય સાથે દેડીયાપાડાની તાબદા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટીવીટીના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભૂસારાની રાહબરી હેઠળ મતદાન જાગૃતિના યોજાઇ રહેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત શાળાના આચાર્ય રામસિંહભાઈ એ. વાઢેળની અધ્યક્ષતામાં અને શાળાના શિક્ષકોના આયોજન હેઠળ તા. ૨૨ નવેમ્બર,૨૦૨૨ ને મંગળવારના રોજ “મતદાન જાગૃતિ” વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લોકોમાં લોકશાહીના પર્વ એવા વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ માં વધુમાં વધુ મતદાન કરે તે માટે પોતાના કૌશલ્યોથી વિવિધ રંગોળી દ્વારા લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરી લોકશાહીના મૂલ્યો સમજાવે એવી સુંદર રંગોળીઓ બનાવી હતી. આ સાથે SVEEP-VOTER AWARENESS (અવસર લોકશાહીનો) વિષય પર સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ PROUD VOTER સેલ્ફી પડાવી “હું વોટ કરીશ જ.” ની પ્રતિજ્ઞા કરી અન્ય લોકોને જાગૃત કરવાનો પણ સંકલ્પ લીધો હતો.