શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડિયાપાડા તાલુકાના નિંઘટ અને નિવાલ્દા ગામે સંકલ્પયાત્રામાં નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા:
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ગત તારીખ 15મી નવેમ્બરથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ગામે ગામ ભ્રમણ કરી રહી છે. દેડિયાપાડા તાલુકામાં આજે નિંઘટ અને નિવાલ્દા ગામે આ યાત્રા આવી પહોંચી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી ફ્લેગશીપ યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડી ૧૦૦ ટકા લક્ષ્યાંકને હાંસલ કરવાના આશય સાથે આ યાત્રા આગળ વધી રહી છે.
નિંઘટ અને નિવાલ્દા ગામના સરપંચશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પંચાયતના સભ્યો, આગેવાનો સહિત ગ્રામજનો પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જાગૃત છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી ગ્રામજનોને આયુષ્માન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)નો લાભ, ધિરાણ-સહાય, આરોગ્ય કેમ્પ, આંગણવાડી પોષણ કેમ્પ ઊભા કરીને ગ્રામજનોને યોજનાકીય લાભ અને માહિતી આપી હતી. ઉપરાંત પેમ્પલેટ્સ, બેનર જેવી આઈઈસી પ્રવૃત્તિ દ્વારા લોકજાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં આ યાત્રા કુલ ૫૬૨ ગામોને આવરી લઈને નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ કરવાની સાથે નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે.
કાર્યક્રમ સ્થળે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ યાત્રામાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા