
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તાર ની પેટા ચૂંટણીમા ૧ લાખ ૭૮ હજાર ૧૫૭ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે :
“કોરોના કાળ” મા યોજાઈ રહેલી ચૂંટણી માટે ડાંગનુ ચૂંટણી તંત્ર સજ્જ :
૩૫૭ મતદાન મથકો ઉપર “મતનુ દાન પણ, અને સ્વાસ્થ્યનુ ધ્યાન પણ” રખાશે :
આહવા: તા: ૧: ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તાર ની પેટા ચૂંટણીમા ૧ લાખ ૭૮ હજાર ૧૫૭ મતદારો તા.૩/૧૧/૨૦૨૦ના રોજ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ ગોઠવાયેલા ચૂંટણી તંત્રે મતદાન માટેની તમામ કામગીરીઓને આખરી ઓપ આપી દીધો છે. ટીમ ડાંગ દ્વારા આ વેળાની ચૂંટણી માટે ૩૫૭ મતદાન મથકો ઉભા કરવામા આવ્યા છે. જ્યા સાંપ્રત “કોરોના કાળ” ને ધ્યાને લઈને “મતનુ દાન પણ, અને સ્વાસ્થ્યનુ ધ્યાન પણ” રાખવા માટે આરોગ્ય વિભાગને સજ્જ કરાયુ છે.
ડાંગ જિલ્લામા આ અગાઉ યોજાયેલી ચૂંટણીઓના પરિણામો ઉપર નજર કરીએ તો અહીં સને ૨૦૧૪ના લોકસભા ચુનાવમા ૮૧.૩૩ ટકા, સને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમા ૭૨.૬૪ ટકા, અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમા ૮૧.૨૩ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.
ડાંગ જિલ્લાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે ચાલે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જુદી જુદી ૨૨ સમિતિઓ રચીને વરિષ્ઠ અધિકારીઓને “નોડલ ઓફિસરો” તરીકે જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત જિલ્લાના ૩૧૧ ગામોમા તૈયાર કરાયેલા ૩૫૭ મતદાન મથકો સાથે સુચારૂ સંપર્ક સૂત્ર જાળવી શકાય તે માટે ઝોનલ/રૂટ ઓફિસરોની નિયુક્તિ કરવામા આવી છે. તો મતદાન મથકની ટીમ માટે જિલ્લામા પોલિંગ અને પ્રિસાઈડિંગ ઓફિસરો સહિતની ટીમને ચૂંટણી ફરજ સોંપવામા આવી છે.
૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૦ માટે કુલ ૯ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણી જંગ માટે ૧ ચૂંટણી અધિકારી, ૩ મદદનીશ ચૂંટણી અધિકારીને પણ પ્રમુખ જ્વાબદારી સોંપવામા આવી છે.
ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારી, અધિકારીઓને નિયત તાલીમ આપીને આ અગત્યની જવાબદારી માટે સજ્જ કરી દેવામા આવ્યા છે. તો આરોગ્ય વિભાગ દ્વારા પણ ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાના આરોગ્યકર્મીઓને આ કપરી કામગીરીને પાર પાડવા માટે સુસજ્જ કરી દેવામા આવ્યા છે.
જ્યારે ચૂંટણી સંબંધિત કામગીરી માટે આહવા સ્થિત સરકારી કોલેજ ખાતે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર કાર્યરત કરવામા આવ્યું છે.
આમ, ડાંગના તમામ વિભાગો, કચેરીઓના અધિકારી, કર્મચારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરના વડપણ હેઠળ હમ સાથ સાથ હે ની ભાવના સાથે લોકશાહીના જતન સંવર્ધન માટેના આ યજ્ઞકાર્યમા ખભે ખભા મિલાવીને ફરજ ઉપર તૈનાત થઈ ગયા છે.