
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર
તાપી જિલ્લામાં સંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કોમ્યુનીટી લીડર અને પંચાયતી રાજ સભ્યો માટે ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો
તાપી : તાપી જિલ્લામાં કોમ્યુનીટી એક્શન ફોર હેલ્થ અંતર્ગત કોમ્યુનીટી લીડર અને પંચાયતી રાજ સભ્યો માટે ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયતી રાજના સભ્યો આરોગ્ય વિભાગની કામગીરી અને વિવિધ કાર્યક્રમો યોજી લોકોને યોજનાઓથી માહિતગાર કરી અને ગ્રામ્યકક્ષા સુધી લાભાર્થીઓને લાભ અપાવવામાં મદદગાર થાય તે હેતુસર ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ વર્કશોપમાં જીલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણી, ૧૭૦-મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા તથા જિલ્લા કલેક્ટર આર.જે.હલાણી, જીલ્લા પંચાયતના સભ્યો, આરોગ્ય વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, બાળસખા-૩ યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, અટલ સ્નેહ યોજના, દિકરી યોજના, મિશન ઈન્દ્રધનુષ, શાળા આરોગ્ય કાર્યક્રમ, ન્યુટ્રીશન, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, ક્ષય નિયંત્રણ કામગીરી, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મલન કાર્યક્રમ, રોગચાળા નિયંત્રણ કામગીરી, સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી અને છેવાડાના તમામ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે તથા જરૂરિયાતમંદ તમામને લાભ મળે તે માટે સહકારની અપીલ કરી હતી. વધુમાં તેમણે “વેક્સિન લો, સુરક્ષિત રહો”ના સૂત્રોચ્ચાર કરીને લોકોને વેક્સિનના ફાયદાઓ વિશે સમજણ પૂરી પાડી હતી. આજરોજ યોજાયેલ વર્કશોપ દરમિયાન પણ ડો.હર્ષદ પટેલે હાલમાં ચાલી રહેલ કોવિડ વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત લોકોને જાગૃત કર્યા તથા નાગરિકોને ફરીવાર અફવાઓથી દુર રહેવા અને વધુમાં વધુ લોકો વેક્સિનેશન કરાવે તે માટે સહ્યોગ આપવા સૂચનો કર્યા હતા.