દક્ષિણ ગુજરાત

ડાંગ નાં વિવિધ પડતર પ્રશ્નો બાબતે ડાંગ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજાયું:

10 જેટલા મુદ્દાઓ પર ધ્યાન દોરી ત્વરિત નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરને કરાઈ અરજ :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  રામુભાઇ માહલા 

આજરોજ તારીખ 4/09/2023 નાં રોજ ડાંગ નાં વિવિધ પડતર પ્રશ્નો માટે ડાંગ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અંતે 10 જેટલી માંગો ત્વરિત પૂર્ણ કરવાં કરાઈ હતી માંગ..  જેમાં ડાંગ જિલ્લા માંથી અનેક સામાજિક આગેવાન સહીત મુકેશભાઈ પટેલ, ગામજુભાઈ ચૌધરી, ગમનભાઈ ભોંયે, મનીષભાઈ મારકણા, તેમજ વાંસદા, ચીખલીનાં ધારાસભ્ય અને આદિવાસી યુવા નેતા અનંતભાઈ પટેલ તેમજ અપક્ષ તાલુકા સદસ્ય ધરમપુર કલ્પેશભાઈ પટેલ રૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા બેરોજગાર યુવાનો દ્વારા જ્ઞાન સહાયક ભરતીના વિરોધ માં નિલેશભાઈ ગાવિત, ગાવિત રાહીતબેન, બાગુલ રાકેશભાઈ, હરેશભાઇ ચૌધરી નિલેશભાઈ ભીવસન તેમજ મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી વિરોધ નોંધાવ્યો હતો.

જે નીચે મુજબનાં મુદ્દાઓ પર ધ્યાન દોરી ત્વરિત નિવારણ લાવવા આપ જિલ્લા કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવી.

મુદ્દા-૧, સિવિલ હોસ્પીટલ આહવા તેમજ ડાંગ જિલ્લાની તમામ સી.એચ.સી./પી.એચ.સી.ખાતે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સહિત તમામ મહેકમ ની ભરતી કરવા તેમજ પુર્ણ કક્ષાની તમામ સારવાર મળી રહે જેથી દરદીને રિફર ના કરવા પડે તે બાબત.

ડાંગ જિલ્લો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે જેમાં મોટા ભાગે વરસાદી ખેતી આધારિત ખેડૂતો છે અને પોણા ભાગની વસ્તી બહારના જિલ્લાઓ કે રાજ્યોમાં મજૂરી કરી જીવન ગુજારો કરે એવા ગરીબ આદીવાસીઓ રહે છે જ્યા રોજગાર માટે કોઈ ઉદ્યોગો કે એકમો નથી, જેના કારણે કૌટુંબિક આવક મર્યાદિત છે, જેમને આરોગ્ય વિષયક જરૂરિયાત ઊભી થાય ત્યારે જિલ્લાની એક માત્ર મોટી સિવિલ હોસ્પિટલ આહવા ખાતે આવેલ છે જેના ઉપર સૌ ડાંગીજનોની આશા મંડરાયેલી રહે છે, જેનું મકાન પણ અદ્યતન બનાવવામાં આવેલ છે, સારી સુવિધાઓ ઉભી કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવેલ છે પણ તેનો લાભ ડાંગીજનોને મળી શકતો નથી કારણકે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓની કમી છે, ઘણા સમયથી મહેકમ મુજબની જગ્યાઓ ખાલી છે તેના કારણે, મહિલાઓને ડિલિવરી માટે, સર્પદંશનાં કિસ્સાઓમાં, અકસ્માતના કિસ્સાઓમાં ઇમરજન્સી સારવાર માટે વલસાડ કે સુરત રેફર કરવા પડે છે જેનું અંતર ૧૫૦ કિલોમીટર ની આસપાસ થાય છે જે દર્દીઓને પહોંચાડવા માટે ઘણો સમય જાય છે, જે કારણવશ સમયસર સારવાર નાં મળવાના કારણે દર્દીઓનો જીવ ગુમાવવાનો વારો આવે છે, તથા વલસાડ કે સુરત જેવા શહેર ની મોટી હોસ્પિટલોમાં અમારા આદિવાસીઓ, આર્થિક મુશ્કેલીના કારણે,શહેરમાં ટેવાયેલા નાં હોવાથી અસહજતા અનુભવે છે એટલે જવા માટે પણ આના કાની કરે છે,જેથી દર્દીઓ ઘણા કિસ્સાઓમાં સારવારથી વંચિત રહી જાય છે. માટે અમારા ગરીબ આદિવાસીઓ અને ડાંગીજનોને ઘર આંગણે જ પૂર્ણકક્ષાની સારવાર મળે અને બહારની હોસ્પિટલોમાં રિફર નાં થવું પડે તે માટે, જરૂરિયાત મુજબનો મહેકમ મુજબની જગાઓ મંજુર કરી મેડિકલ સ્ટાફ,પેરા મેડિકલ સ્ટાફ અને ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી તાત્કાલિક ધોરણે કરવા વિનંતી.

મુદ્દા-૨, સરકારી બ્લડ બેંકની સ્થાપના કરવી જેથી અન્ય જગ્યાએ બ્લડ લેવા ના જવું પડે તે બાબતે.

ડાંગ જિલ્લો ભૌગોલિક રીતે વિષમ હોવાના કારણે તેમજ એકમાત્ર સુવિધા યુક્ત હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે છે ત્યા સારવાર માટે દૂર દૂરના વિસ્તાર માંથી લોકો આવે છે, જેમાં ડિલિવરી નાં કિસ્સામાં, અકસ્માત ના કિસ્સામાં તેમજ ડાયાલિસિસ કરાવવા માટે ઇમરજન્સી માં લોહીની જરૂર પડે છે જે મેળવવા માટે આશરે ૧૦૦ થી ૧૫૦ કિલોમીટર દૂર વલસાડ કે વ્યારા જવું પડે છે જેમાં સમયનો ખૂબ વ્યય થાય છે અને સમયસર નાં મળવાના કારણે દર્દીઓએ જાનથી હાથ ધોવાનો વખત આવે છે,  આહવા ખાતે બ્લડ બેંક આવેલ છે પણ તે માત્ર કલેક્શન સેન્ટર જ છે જેમાં લોહી મળતું નથી  માટે સ્થાનિક સ્તરે લોહી મળી રહે અને બહારના શહેરોમાં લોહી મેળવવા જવું નાં પડે તે મુજબની વ્યવસ્થા ગોઠવવા વિનંતી.

મુદ્દા-૩, સાપુતારા ખાતે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેમજ તંત્ર દ્વારા સ્થાનિક લોકો પર થતા અત્યાચાર બંધ કરવા બાબતે.

ડાંગ જિલ્લામાં સ્થાનિકોને રોજગારી મળી શકે તે માટે કોઈ ઉદ્યોગો કે એકમો નથી, અહીંના યુવાનો રોજગારી મેળવવા બહારના જિલ્લાઓમાં તથા રાજ્યોમાં ભટકે છે, રાજ્ય સરકાર અહીંના સ્થાનિકોને રોજગારી મળે અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે, મોન્સુન ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ જેવા મેળાઓ કરોડો રૂપિયા ખર્ચીને યોજે છે જેનો સ્થાનિકો ને કોઈ લાભ મળતો નથી, ડાંગના નામે કરોડો રૂપિયા માત્ર હોટલ ઉધોગોને માટે જ ખર્ચવામાં આવે છે, સ્થાનિકોને રોજગારી મેળવવા માટે હેરાન કરવામાં આવે છે, પાર્કિંગ માટે હેરાન કરવામાં આવે છે, સાપુતારા ખાતે સ્થાનિકોને રોજગારી મળે તે માટે સ્થાનિકોને રોજગારી માટે કરવામાં આવતી હેરાનગિત બંધ કરવામાં આવે, સ્થાનિકોને પાર્કિંગ માટે કરવામાં આવતી હેરાનગતિ બંધ કરવામાં આવે,તથા સ્થાનિક આદિવાસીઓને સાપુતારામાં દુકાન માટે,હોટલ ખોલવા માટે કે પ્રવાસન ને લગતી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરી રોજગારી મેળવી શકે તે માટે,પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવા બાબતની વ્યવસ્થા કરવા વિનંતી.

મુદ્દા: ૪. સાપુતારા આદિવાસી સમાજને બિભત્સ રીતે રજુ કરીને આદિવાસી સમાજની લાગણી દુભાવવા વાળા આયોજકો અને કલાકારો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે.

દુનિયાની સારા માં સારી સંસ્કૃતિઓ માં ગણના થાય એવી આદિવાસી સંસ્કૃતિ છે, મોટાભાગના આદિવાસી સમાજ નો ઈતિહાસ લેખિત સ્વરૂપે જોવા મળતો નથી પરંતુ આદિવાસી સમાજનો ઇતિહાસ નૃત્ય સ્વરૂપે, વાજિંત્રો સ્વરૂપે, રીત રૂઢીનાં સ્વરૂપે, બોલ ચાલ અને પ્રાકૃતિક પરંપરાગત તહેવારોના સ્વરૂપે છે જેના નૃત્યો,અને વાજિંત્રો, એ આખા દેશ અને દુનિયામાં આગવી ઓળખ ઊભી કરી આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે,જેને નિહાળવા દુરસુદૂર થી પ્રવાસીઓ સાપુતારા ખાતે યોજાતા વખતો વખતના ફેસ્ટીવલોમાં આવે છે જેના ભાગરૂપે હાલમાં ચાલી રહેલ મેઘમલ્હાર મોન્સુન ફેસ્ટિવલ સાપુતારામાં ગત દિવસોમાં અર્ધ નગ્ન અવસ્થામાં ડાંગ બહારના કલાકારોએ ડાંગી નૃત્ય રજૂ કરેલ જે આદિવાસીઓને બીભત્સ રીતે રજૂ કરી સમગ્ર આદિવાસી સમાજને તેમજ આદિવાસી ઇતિહાસને પણ વિકૃત રીતે દર્શાવ્યા સમાન છે જેથી સમગ્ર આદિવાસી સમાજની લાગણીઓને ઠેશ પહોંચી છે અને આદિવાસી સમાજનું અપમાન થયેલા ની લાગણી અનુભવી રહેલ છે.જે  આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે આ બીભત્સ રીતે ડાંગી નૃત્ય રજૂ કરવાવાળા કલાકારો અને આયોજકો સામે સખત માં સખત કાર્યવાહી કરવા વિનંતી તેમજ ડાંગી નૃત્ય ખાસ રીતે કરવામાં આવે છે, જે સાંસ્કૃતિક આસ્થાના રૂપે રજૂ કરવામાં આવે છે જે બાબતની જાણકારી બહારના કલાકારોને હોતી નથી અને અહી સ્થાનિક ઘણા મંડળો તેમજ ગ્રુપો છે જે બહારના રાજ્યોમાં અને વિદેશોમાં પણ સફળ રીતે કાર્યક્રમો કરી રહ્યા છે તેવા ગૃપોને શા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાટે ની તક આપવામાં નાં આવી ? તથા સાપુતારાની શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે મૂકે છે જે બીજા દિવસે આયોજકોએ એકલવ્ય મોડેલ રેશિડનસિયલ સ્કુલ ની બાળકીઓને મોન્સુન ફેસ્ટિવલ માં રાત્રે નૃત્ય કરાવ્યું જેમાં ઘણા દર્શકો સિટીઓ મારતા, અશભ્ય ચેન ચાળા કરતા દેખાયા જે અત્યંત ધૃણાસ્પદ છે,  આ ફેસ્ટિવલ વ્યવસાયિક હેતુ માટે નો છે જ્યાં શાળાની બાળકીઓને આવી રીતે રજૂ કરી એમની માનસિકતા સાથે રમત રમવામાં આવી જે અત્યંત નિંદનીય છે .તે પણ ક્યારે કે જ્યારે પ્રવાસન ઉદ્યોગ થકી સ્થાનિકોને રોજગારી મળશે એ તર્જ પર માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેનો આયોજકોએ છેદ ઉડાડી દઈ, સ્થાનિક આદિવાસીઓને રોજગારની વંચિત રાખી, બહારના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય વિકૃત રીતે રજૂ કરી સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરેલ છે અને શાળામાં ભણતી બાળાઓને આવા વ્યાવસાયિક પ્લેટફોર્મ પર રાત્રીના સમયે રજુ કરવામાં આવી જ્યા અમુક દારૂ પીધેલાઓ દ્વારા સિટી મારી, અસભ્ય ચાળાઓ કરી અપમાન જનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેની તપાસ કરી સખત માં સખત કાર્યવાહી કરવા વિનંતી.

મુદ્દા-૫ વઘઈ ખાતે આવેલ સરકારી ખેતીવાડી હાઈસ્કુલનું બાંધકામ ત્વરિત ચાલુ કરવા બાબત.

વઘઈ તાલુકામાં આવેલ સરકારી હાઈસ્કુલનું બાંધકામ લગભગ ઘણા વર્ષથી બંધ હાલતમાં છે . જેનાં પર તંત્રની નજર પડતી નથી અમારા આદિવાસી બાળકો આવી શાળામાં અભ્યાસ કરતા હોય છે. જે હાલ તાલુકા શાળામાં પાળી પદ્ધતિથી અભ્યાસ ચાલે છે. જેમાં બાળકો તેમજ શિક્ષકો યોગ્ય ટાઈમ આપી નથી શકતા જેના કારણે બાળકોનાં અભ્યાસ પર ખુબજ અસર પહોંચે છે. આ બાબતે યોગ્ય તપાસ કરી સત્વરે બાંધકામ ચાલુ થાય અને અમારા બાળકો સારો એવો અભ્યાસ કરી શકે એવી આપને અરજ છે.

મુદ્દા-૬ આહવા, સુબીર, વઘઈ એમ ત્રણે તાલુકા મથકે લાઈબ્રેરી બનાવવા બાબત.

ડાંગ જિલ્લાનાં ત્રણે તાલુકામાં અધતન સુવિધા વાળી લાયબ્રેરી બનાવવા માટે સરકારશ્રી તરફથી ગ્રાંન્ટ ફાળવવા છતાં હજી સુધી લાયબ્રેરી બનાવવામાં આવેલ નથી. આદિવાસી વિસ્તારનાં બાળકો વાંચવા માટે હાલ કાર્યરત લાઈબ્રેરીમાં વાંચવા માટે જાય છે. પરંતુ અસુવિધાનાં કારણે તેમને ક્યારેક બેસવા જગ્યા નથી મળતી તો ક્યારેક યોગ્ય પુસ્તક મળી નથી રહેતુ જેના કારણે તે અભ્યાસ કરી શકતો નથી .આવા સમયે ત્રણે તાલુકામાં સારી અઘ્યતન સુવિધાઓ વાળી લાયબ્રેરી બનાવી આપવા અમારી માંગણી છે.

મુદ્દા-૭ પ્રાથમિક શાળાનાં તોડી પડાયેલ ઓરડાઓ તાત્કાલિક બાંધકામ કરવા બાબત.

ડાંગ જિલ્લાની ઘણી એવી શાળાઓ છે જેમાં ધોરણ-૧ થી ૮ સુધીનાં વર્ગો આવેલા છે. અને આવા સમયે શાળાનાં ઓરડાઓ તોડી પાડવાથી બાળકોને એકજ કલાસ રૂમમાં બેસાડવાની નોબત આવતી હોય છે. અને બાળકો સારી રીતે અભ્યાસ કરી શકતા નથી જે બાબતે તાત્કાલિક યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા વિનંતી.

મુદ્દા-૮ ડાંગ જિલ્લામાંથી પસાર થનારા સ્ટેટ હાઈવે અને જિલ્લાનાં આંતરિક રસ્તાનાં ખાડાઓ તથા પુલની મરામત કરવું.

ડાંગ જિલ્લાનાં બે પુલોને ભયજનક જાહેર કરવામાં આવેલ છે.આવા સમયે અકસ્માત ને નિવારવા માટે ત્યાં હોમગાર્ડ તેનાત કરવામાં આવે અને રસ્તામાં પડેલ ખાડાનું સત્વરે સમાર કામ કરવામાં આવે જેથી કોઈ મોટા અકસ્માત થતા અટકાવી શકાય જે બાબતે યોગ્ય પગલા લેવા વિનંતી.

મુદ્દા-૯ યોજનાકીય કામગીરી કે પ્રોજેક્ટો મંજૂર કરતા પહેલા સંલગ્ન ગામોની રૂઢીગત ગામ સભાઓની સંમતિ લેવા બાબતે .

ડાંગ જિલ્લો ભારતના બંધારણના અનુસૂચિ -૫ હેઠળનો વિસ્તાર છે જેમાં કલમ-૨૪૪(૧) ભારતનાં બંધારણ ૧૯૩૫ અનુચ્છેદ ૧૩/૩/ક મુજબ રૂઢીગત પરંપરા અને તકરારની પતાવટ તથા ગામનો વહીવટ કરવાનો અધિકાર રૂઢીગત ગામસભાને છે,તે અંતર્ગત ગામમાં કોઈપણ કામગીરી યોજનાકીય કામગીરીમાં રૂઢીગત ગામસભા ની મંજુરી જરૂરી છે અને નામદાર સુપ્રીમ કોર્ટના વેદાંતા જજર્મેટ ૨૦૧૩ મુજબ ગામસભા જ સર્વોપરી છે, તે અંતર્ગત ડાંગ જિલ્લામાં કોઈપણ કામગીરી,યોજનાકીય કામગીરી કે પ્રોજેક્ટો મંજૂર કરતા પહેલા સંલગ્ન ગામોની રૂઢીગત ગામ સભાઓની સંમતિ લેવા સરકારશ્રી ના તમામ વિભાગોને સૂચના આપવા વિનંતી.

મુદ્દા-૧૦ જિલ્લા કક્ષાએ મદદનીશ ચેરીટી કમિશ્નરની કચેરી /ઓફિસ ફાળવવા બાબત.

હાલ મદદનીશ ચેરીટી કમિશનરની વિભાગીય ઓફિસ વલસાડ ખાતે કાર્યરત છે. જેને લઈ ડાંગ જિલ્લાનાં અરજદારોને વલસાડ સુધી ધરમ ના ધક્કા ખાવા પડે છે. ડાંગ જિલ્લાનાં આશરે ૫૦૦ જેટલા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. અને ઓફિસ ના કામાર્થે વારંવાર વલસાડ સુધી દોડવુ પડે છે. જો ડાંગ જિલ્લા કક્ષાએ ઓફિસ ફાળવવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય છે. જે બાબતે ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है