શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લા માહિતી કચેરીએ આદર્યું ‘સ્વચ્છતા અભિયાન’
ડાંગ, આહવા: ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત ઠેર ઠેર યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત, ડાંગ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ,
પોતાના કાર્ય સ્થળને સ્વચ્છ બનાવવા સાથે કર્મચારીઓને તેમની ફરજના સ્થળે સ્વચ્છ, સુઘડ, અને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તેવા આશય સાથે છેલ્લા એક બે માસથી હાથ ધરાયેલા કચેરી સફાઈના આ અભિયાન બાદ, સ્થાનિક માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અહીં કર્મચારીઓની અલાયદી બેઠક વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.
દરમિયાન અહીં આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવા સાથે, કર્મચારીઓએ જુના રદ્દી, પસ્તી, બિન ઉપયોગી ડેડસ્ટોક આઈટમ, જુના રેકર્ડની જાળવણી જેવા કાર્યો પણ હાથ ધર્યા હતા.
દક્ષિણ ગુજરાતના પ્રાદેશિક વડા એવા સંયુક્ત માહિતી નિયામક શ્રી આર.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા માહિતી કચેરી ઉપરાંત ગિરિમથક સાપુતારા સ્થિત કાયમી પ્રદર્શન કેન્દ્ર ખાતે પણ આ પ્રકારની કામગીરી હાથ ધરી, કર્મચારીઓમા સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ કેળવવામા આવી હતી.