ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ, રામુભાઈ મહાલા
ભારતની પ્રાચિનતમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના આશય સાથે ભાવિ પેઢીને પણ મળી રહે તે માટે જ્ઞાનનું આદાન પ્રદાન જરૂરી – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
ડાંગના વૈધરાજોને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનુ આધારભૂત દસ્તાવેજીકરણ કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રી :
ગિરિમથકની ગોદમાં આવેલા “આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર” ની મુલાકાત સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ ડાંગના વૈધરાજો સાથે સાધ્યો “સંવાદ”
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ ગિરિમથક સાપુતારા ખાતે, ભારતની પ્રાચિનતમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના આશય સાથે ભાવિ પેઢીને પણ મળી રહે તે માટે જ્ઞાનનું આદાન પ્રદાન જરૂરી છે તેમ જણાવ્યું હતું.
સાંપ્રત સમયમા વિશ્વ જ્યારે ભારતની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ તરફ આશા ની મીટ માંડી રહ્યું છે ત્યારે ડાંગના વૈધરાજોએ પણ તેમના જ્ઞાનની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા વધે તેવા પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવી રાજ્યપાલશ્રીએ વૈદ્યકીય જ્ઞાનમા જેમની ભક્તિ રહેલી છે તેવા ભગતજનોની સેવાભાવનાને બિરદાવી હતી.
ડાંગ જિલ્લામા જરૂરિયાતમંદોની સેવા કરતા વૈધરાજોને સમયાંતરે પરસ્પર તેમના જ્ઞાનનું આદાન પ્રદાન કરતા રહીને, ચિકિત્સા પદ્ધતિનુ આધારભૂત દસ્તાવેજીકરણ કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો.
“કોરોના” ના કપરા કાળમાં ડાંગ જિલ્લાના ગામે ગામ વૈધરાજોના સહયોગથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરીને, ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના કારણે, ડાંગ જિલ્લામાં “કોરોના” ના સંક્રમણને મહદઅંશે રોકી શકાયું છે. તંત્રના આ પ્રયાસોની સરાહના કરતા રાજયપાલશ્રીએ ડાંગના સ્થાનિક ખેડૂતો માટે વન ઔષધિઓની ખેતી ફાયદાકારક બની શકે છે તેમ જણાવ્યું હતું.
દંડકારણ્ય ની પાવન ભૂમિ અને અંજનિપુત્ર હનુમાનજીના જન્મ સ્થળ એવા ડાંગ જિલ્લાના ભગતો ને વારસામાં મળેલા પૂર્વજોના અમૂલ્ય જ્ઞાનનો ખજાનો વધુ લોકભોગ્ય બને તેવા પ્રયાસોની હિમાયત કરતા રાજ્યપાલશ્રીએ વિદ્યા વહેંચતા વધે છે તેમ જણાવી માનવજાતની ઉત્તમ સેવા કરવાની મળેલી સ્વર્ણિમ તકનો પ્રજાકલ્યાણના કાર્યમાં ઉપયોગ કરવાની પણ વૈધરાજોને અપીલ કરી હતી.
ગિરિમથકની ગોદમાં આવેલા “આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર” ની મુલાકાત સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ ડાંગના વૈધરાજો સાથે સંવાદ સાધી, કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી.
રાજ્યપાલશ્રીની આ મુલાકાત વેળા તેમની સાથે લેડી ગવર્નરશ્રી પણ જોડાયા હતા.
મુલાકાત વેળા ડાંગ કલેકટર એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ પૂરક વિગતો રજૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતના સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.
–