શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગુજરાત પોલીસના ગ્રેડ પે તેમજ વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું;
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ગુજરાત પોલીસના ગ્રેડ પે તેમજ અન્ય વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી રજુઆત સાથે આમ આદમી પાર્ટી ડેડીયાપાડા દ્વારા રાજયપાલ તેમજ ગુજરાતના ગૃહમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
તહેવાર હોય કે સામાજિક પ્રસંગ હોય પોલીસ જવાન હંમેશા ડ્યુટી ઉપર રહીને જનસેવા કરનાર પોલીસ દળનાં વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. હથિયારી-બિન હથિયારી પોલીસ, એસઆરપી, જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનોનાં હાલના પગાર ભથ્થામાં સુધારો કરી તેમજ નવા ગ્રેડ-પે સાથે અદ્યતન પગાર -ભથ્થા લાગુ કરવામાં આવે. અન્ય સરકારી કર્મચારીઓની જેમ પોલીસ તંત્રમાં પણ દરરોજ નોકરીના કલાકો નક્કી કરવામાં આવે. કોન્સ્ટેબલ થી પીએસઆઈ સુધીના વર્ગ-૩ની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરવામાં આવે તેમજ બદલી પ્રક્રિયામાં પારદર્શક્તા અને ઝડપ આવે તે માટે રાજ્ય કક્ષાએ “પોલીસ બદલી કમિટી”ની રચના કરવી.
બીનજરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ ઉપર માનસિક તણાવ ઉત્પન્ન થાય છે માટે પોલીસ સ્ટેશનોમાં અટકાયતી પગલા, પ્રોહીબીશન એક્ટ, એમ.વી એક્ટ તેમજ માસ્ક દંડ કે અન્ય બાબતે ટાર્ગેટ આપવાની પ્રથા તાત્કાલિક બંધ કરવી જોઈએ.પોલીસની સમસ્યાઓનાં નિવારણ માટે તેમજ પોલીસ વિભાગ દ્વારા સામુહિક રીતે સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવો ઉજવી શકાય તેવા ઉદ્દેશ્યથી “પોલીસ યુનિયન”ની માન્યતા આપવી.