
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા આહવા દ્વારા જનરલ ઈડીપી તાલીમનો સમાપન સમારોહ યોજાયો
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ડાંગ-આહવા ખાતે જનરલ ઈડીપી તાલીમનો સમાપન સમારોહ યોજાયો. ગુજરાત માટીકામ કલાકારી અને ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ (ગુજરાત સરકાર ) અમલીકૃત, માનવ કલ્યાણ યોજના અંતર્ગત આયોજિત છ દિવસીય ધંધા-રોજગાર માટે ઉદ્યોગ સાહસિકતા, માર્કેટિંગ, ઓનલાઇન પેમેન્ટ અને સોફ્ટ સ્કીલ અંગેની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૧૮ તાલીમાર્થીઓએ તાલીમ મેળવી છે.
તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને બેંકના કાર્યો, લોન, વીમા અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી, ધંધા-રોજગારમાં આવતી આફતોને સમજવા માટે ટાવર ગેમ, રિંગટોસ ગેમ અને હોડી ગેમની રમતો રમાડી પ્રવૃતિમય ધંધા-રોજગાર અંગેનો શિક્ષણ આપવામાં આવેલ હતું. અને RSETIના ઉદ્યમશીલ વ્યક્તિની ૧૫ ક્ષમતાઓ વિશે ઝીણવટતાથી તાલીમાર્થીઓને સમજ આપવામાં આવી હતી.
ગ્રાહકોના વર્તન વ્યવહારની સમજ અને ગ્રાહકો જોડે કોમ્યુનિકેશન સ્કીલ પ્રવૃત્તિ સાથે શિખાવવામાં આવી હતી. કુટીર ઉદ્યોગ ડાંગ-આહવા દ્વારા અમલ થતી યોજના જેવી કે, શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના, વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ અને પીએમ વિશ્વકર્મા યોજના જેવી મહત્વની સરકારની યોજના વિશે માહિતી કુટિર ઉદ્યોગ ડાંગ-આહવાના મદદનીશ નિયામક (ટ્રાઇબલ) કચેરીના અધિકારી શ્રી દેવીદાસ સાહેબે માહિતી આપતાં વધુમાં વધુ નાગરિકોને યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. જિલ્લામાં સહાય આપતી વિવિધ કચેરીઓ વિશે પણ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
જનરલ ઈડીપી તાલીમના પુર્ણાહુતિ સમારોહ પ્રસંગે અને પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં રોજગાર કચેરી ડાંગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, RSETIના તાલીમ આપનાર સષી સર અને તેમનો સ્ટાફ હાજર રહ્યા હતા