દક્ષિણ ગુજરાત

ગુજરાત સરકારનું “ડાયલ ૧૮૧” મહિલા અભયમ સુરક્ષાનું અભયવચન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીન ચૌધરી

વિતેલા વર્ષ ૨૦૨૦ દરમિયાન અભયમને શહેર-જિલ્લામાં ઘરેલુ હિંસાના ૩૪૮૦, મોબાઇલથી હેરાનગતિના ૨૫૧, વ્યસનીઓ દ્વારા હિંસા સહિત કુલ ૪૭૬૬ કોલ મળ્યા.

“અભયમ હેલ્પલાઇન’ કોવિડ મહામારી દરમિયાન મહિલાઓ માટે બની હમદર્દ, વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૦ દરમિયાન કુલ ૨૬,૦૫૩ પીડિત મહિલાઓએ સુરત અભયમની મદદ માંગી

સુરત: મહિલાઓને અભય વચન આપતી ‘અભયમ ૧૮૧ હેલ્પલાઇન’ પર આવતા દરેક ફોનમાં કોઇ ને કોઇ મહિલાની તકલીફ છુપાયેલી હોય છે. કોઈ પણ પીડિત મહિલા સાથે થતી હિંસા (શારીરિક,જાતીય, માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી) લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હેરાનગતિ કે છેડતી અને રેપ કેસ, જાતીય તેમજ બાળજન્મને લગતી બાબતો માટે મહિલાઓ ૨૪ કલાક મદદ માંગી શકે છે, સાથે મહિલા અભયમ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી પણ આપે છે. એટલે જ અભયમ દરેક જરૂરિયાતમંદ મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે.
સુરત ૧૮૧ મહિલા અભયમને વિતેલા વર્ષ ૨૦૨૦ દરમિયાન સુરત શહેર-જિલ્લામાં મળેલા કોલની વિગત જોઇએ તો ઘરેલુ હિંસાના ૩૪૮૦, પાડોશી સાથેના ઝઘડાના ૫૧૧, ટેલીફોનિક/મોબાઇલ દ્વારા હેરાનગતિના ૨૫૧, વ્યસન આલ્કોહોલ, ડ્રગ્સના વ્યસનીઓ દ્વારા હિંસા અને હેરાનગતિના ૫૨૧ અને બાળલગ્ન બાબતના ૦૩ કેસ મળી કુલ ૪૭૬૬ કોલ મળ્યા હોવાનું ૧૮૧ અભયમ દ્વારા જણાવાયું છે.
 સુરત જીલ્લા  મહિલા અભયમને વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૦ દરમિયાન કુલ ઘરેલુ હિંસાના ૧૮૪૪૦, પાડોશી સાથેના ઝઘડાના ૨૪૬૧, ટેલીફોનિક/મોબાઇલ દ્વારા હેરાનગતિના ૨૦૦૦, વ્યસન આલ્કોહોલ, ડ્રગ્સના વ્યસનીઓ દ્વારા હિંસા અને હેરાનગતિના ૩૧૧૮ અને બાળલગ્ન બાબતના ૩૪ કેસ મળી આ પાંચ વર્ષ દરમિયાન કુલ ૨૬,૦૫૩ કોલ મળ્યા છે. જેમાં મહિલાને મદદ મળે તેવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અભયમ હેલ્પલાઇનને દિનપ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. GVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્સી સેન્ટર દ્વારા સંચાલન થઈ રહ્યું છે. કોઈ પણ પીડિત કે મુશ્કેલીઓનો સામનો કરી રહેલી મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવની સુવિધા મળી છે. જેથી મહિલાઓ આજે “અભયમ” ને એક હમદર્દ તેમજ ‘સહેલી’ તરીકે પોતાની આપવિતી જણાવી મદદ મેળવી રહી છે.
સામાન્ય સમયમાં ઘરેલુ હિંસાના કોલ ૨૪ થી ૨૬ ટકા જેટલા રહેતા હતા, જે કોવિડ ૧૯ ના સમયગાળા દરમિયાન ૪૨ થી ૪૪ ટકા જેટલું પ્રમાણ રહેવા પામ્યું હતું. લોકડાઉનના સમયમાં પણ ઈમરજન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે ૨૪ કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાઓને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરી છે. મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર અભયમે કોરોનાકાળમાં પણ કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી છે. પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખમાં ભાગ લઈ હિંમત અને સધિયારો આપી ઝિંદાદીલીથી જીવવાનો અને મુશ્કેલીનો સામનો કરી કુટુંબ ભાવના કેળવવા પ્રેરિત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है