
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કુકરમુંડા ખાતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના વરદ્ હસ્તે શ્રેણીબધ્ધ રસ્તાઓનું લોકાર્પણ, ભૂમિપૂંજન કરાયું:
સ્ટેટ અને પંચાયત વિભાગના ૧૯ રસ્તાઓ રૂા.૨૦.૧૬ કરોડ, પંચાયત વિભાગના ૭ કામોનું ભૂમિપૂંજન રૂા.૮.૯ કરોડ અને રૂા.૯૪.૭૨ લાખના ખર્ચે કુકરમુંડા રેસ્ટ હાઉસ મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો:
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજની ચિંતા કરી છે:- મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણને વરેલી ગુજરાત રાજ્યની સરકારે કરોડોના વિકાસ કામોની ભેટ આપી છે:- જીલ્લા પ્રમુખ સુરજ વસાવા
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના નવનિર્મિત રેસ્ટ હાઉસ મકાન, ઇટવાઇ-વડપાડા-બોરીકુવા-ફુલવાડી રોડ, ઉચ્છલ તાલુકા કરોડ-મોહિની ટાવલી રોડ, તેમજ નિઝર તાલુકાના લુપ રોડનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના વરદ હસ્તે, જિ.પં.પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા, કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીપૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજની ચિંતા કરી છે. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ડોકટર, એન્જીનિયર, પાયલોટ બને તે માટે ડાંગ જિલ્લામાંથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારે ડ્રોપઆઉટ રેશિયો ૫૦ ટકા હતો. આજે તે ઘટીને ૨ ટકા જેટલો થઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોઈપણ જિલ્લો વિકાસથી વંચિત ન રહી જાય તે માટે સતત તકેદારી રાખવામાં આવે છે. અમારૂ લક્ષ્ય પિડિત, શોષિત તમામ લોકોનો વિકાસ થાય, આરોગ્ય જળવાય તથા લોકો સુખી સંપન્ન થાય તે છે. આજના જમાનામાં શિક્ષણ ન હોય તો રોજી-રોટીની કલ્પના અશક્ય છે. શિક્ષણ માટે ભગિરથ બજેટ તૈયાર થયું છે. હવે વિદ્યાર્થીઓને ભણવા માટે ફ્રી પાસની સુવિધા કરવામાં આવી છે. ગરીબોની ચિંતા કરી નિરામય ગુજરાત હેઠળ આરોગ્યની સુખાકારી માટે વ્યવસ્થા કરી છે. દરેક ખેડૂતના ખાતામાં રૂા.૬ હજાર જમા કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવી લોકોને પોતાની આવકમાં વધારો કરવા આહવાન કર્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી ચાલી રહી છે ત્યારે દેશના આઝાદીના ઈતિહાસમાં અનેક આદિવાસી સમાજના યોગદાનને મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ બિરદાવ્યું હતું. આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજના હેઠળ દરેકને પાણી મળી રહે તેમજ દરેક ગામમાં વિજળી હોય, ડીજીટલ ઈન્ડિયા અંતર્ગત ગ્રામ પંચાયતમાં જ ૭/૧૨ ની નકલ મળી રહે અને નેટવર્ક કનેકટીવીટી માટે ૫૦૦ ટાવર ગુજરાતમાં ઉભા કરાશે.
નર્મદા, ડાંગ અને તાપી જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટિ સાથે સાંકળી લઈ જંગલ ટુરિઝમ એડવેન્ચર વિકસાવી પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવામાં આવશે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ કહયું હતું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણને વરેલી રાજ્ય સરકાર કરોડોના વિકાસ કામોની ભેટ આપી છે. જે આપણાં સૌના માટે આનંદની વાત છે. કૃષિ, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, યુવાનોને રોજગારી વિગેરે વિકાસ કામો આ સરકારે કર્યા છે. આમ ગુજરાત સરકાર જે કહે છે તે કરે છે. આ વિસ્તારના ખેડૂતો માટે રૂા.૯૬૨ કરોડની ઉદ્વવહન સિંચાઈની યોજના પ્રગતિમાં છે. જેનાથી લોકો સમૃધ્ધ થશે.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વણથંભી વિકાસ યાત્રા શરૂ થઈ છે. કુકરમુંડા-નિઝર તાલુકામાં રૂા.૨૦.૧૬ કરોડના ખર્ચે ૫૪ કિ.મી.રસ્તાઓ લોકાર્પણ અને ૭ કામોનું ભૂમિપૂંજન કરવામાં આવ્યું છે. તેમજ ૯૪.૭૨ લાખના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ૧-વી.વી.આઈ.પી. રૂમ, ૨-સ્યુટ રૂમ, ૨ -જનરલ રૂમ, ૧- કીચન, ૧- ડાઈનીંગ રૂમ અને ૧૨ બેઠકો સાથે ૧- રૂમની સુવિધા ઉપલબ્ધ છે. કુકરમુંડા તાલુકામાં બહારગામથી આવનાર મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ માટે ખુબ જ આશિર્વાદરૂપ બની રહેશે તેમજ વિકાસને બળ મળી રહેશે.
ઉચ્છલ તાલુકાના રીસરફેસીંગ ઓફ કરોડ મોહિની–ટાવલી રોડ બનતા કુલ – ૧૪ ગામોની ૮૪૧૩ વસ્તીને સીધો લાભ મળશે. તાપી જિલ્લાના ઉચ્છલ તેમજ નિઝર તાલુકા ખાતે બનેલ રસ્તાઓમાં ઉચ્છલ તાલુકાના રીસરફેસીંગ ઓફ કરોડ મોહિની–ટાવલી રોડ કિ.મી. ૦/૦ થી ૨૩/૦ (વ.સે. ૧૨/૦ થી ૧૬/૦), રસ્તો મુખ્ય જિલ્લા માર્ગ કક્ષાનો છે. આ રસ્તો ઉચ્છલ તાલુકા મથકને જોડતો રસ્તો તેમજ ઉચ્છલનિઝર એસ.એચ. ને જોડતો મહત્વનો રસ્તો છે. આ રસ્તો આસપાસનાં ઘણાં ગામોને અવરજવર માટે રાહતરૂપ થાય તેમ છે. તેમજ ખેત પેદાશો જેવી કે, શેરડી, ડાંગર, ઘઉં નાં વહન માટે ખૂબ ઉપયોગી થાય તેમ છે. આ રસ્તા પર આવતાં કુલ – ૧૪ ગામોની ૮૪૧૩ વસ્તીને સીધો લાભ મળશે.
નિઝર તાલુકાના સ્ટ્રેન્થનીંગ ઓફ લુપ રોડ જોઈનીંગ ઉચ્છલ-નિઝર રોડ ટુ બસ સ્ટેન્ડ ટુ રેસ્ટ હાઉસ એટ નિઝર, તા.નિઝર, જિ.તાપી, કિ.મી. ૦/૦ થી ૧/૦,૨સ્તો રાજય માર્ગ કક્ષાનો છે. આ રસ્તો નિઝર ગામમાંથી પસાર થતો અગત્યનો રસ્તો છે. આ રસ્તાથી ગ્રામજનોને વિવિધ સરકારી કચેરીઓ, બસ સ્ટેન્ડ તેમજ રેસ્ટ હાઉસ અવર–જવર માટે રાહતરૂપ થાય તેમ છે, તેમજ ઉચ્છલ-નિઝર એસ.એચ. ને જોડતો રસ્તો હોય નિઝર તાલુકા મથકની કુલ ૭૪૧૬ વસ્તીને સીધો લાભ મળશે.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા ખાતે બનેલ રસ્તો બનતા કુલ-૧૪ ગામોની ૨૦૮૧૦ વસ્તીને સીધો લાભ મળશે:
કુકરમુંડા તાલુકા ખાતે બનેલ રસ્તારીસરફેસીંગ ઓફ ઈટવાઈ – વડપાડા – બોરીકુવા – ફુલવાડી રોડ, કુકરમુંડા – વેલ્દા રાજય ધોરી માર્ગને જોડતો મુખ્ય જીલ્લા માર્ગ કક્ષાનો રસ્તો છે. આ રસ્તો કુકરમુંડા તાલુકા મથકને જોડતો તેમજ મહારાષ્ટ્ર રાજયને જોડતો અગત્યનો રસ્તો છે. જે મહારાષ્ટ્ર રાજયના અકકલકુવા થઈ ઔદ્યોગિક વિસ્તારથી સંકળાયેલ અંકલેશ્વર–બુરહાનપુર રાષ્ટ્રીય ધોરી માર્ગને જોડતો રસ્તો પણ છે. આ રસ્તો આસપાસના ઘણા ગામોને અવર-જવર માટે રાહતરૂપ થાય તેમ છે. તેમજ ખેત પેદાશો જેવી કે શેરડી,ડાંગર,ઘઉં,જુવાર,કપાસ જેવા ધાન્યો તેમજ લીલા શાકભાજીને ગામથી માર્કેટ સુધી લઈ જવા માટે ખેડુતોને ખુબ ઉપયોગી થાય તેમ છે. તથા તાલુકા મથકે અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ તેમજ એક ગામથી બીજા ગામ તેમજ અન્ય તાલુકા મથકે રોજગારી અર્થે જતાં કામદારો માટે પણ ઘણો ઉપયોગી રસ્તો છે. આ રસ્તા પર આવતા કુલ-૧૪ ગામોની ૨૦૮૧૦ વસ્તીને સીધો લાભ મળશે.
લોકાર્પણના આ પ્રસંગે પ્રા.શાળા કુકરમુંડાની બાલિકાઓએ પ્રાર્થના, સ્વાગત ગીત રજુ કર્યું હતું.વાઝરડા,વાઘનેરાના આદિવાસી બહેનોએ પારંપારિક નૃત્યથી મહાનુભાવોનુ; સ્વાગત કર્યું હતું.
એકલવ્ય રેસી.સ્કુલ ખોડદાના બાળકોએ શૌર્ય ગીત રજુ કર્યું હતું. પ્રા.શાળા પાટીની બાલિકાઓએ ગરબો રજુ કર્યો હતો. જ્યારે સાગબારાના યુવાનોએ હોળી નૃત્ય કરી દર્શકોને ડોલાવ્યા હતા. આભારદર્શન અધિક્ષક ઈજનેર એ.જી.વસાવાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે સંગઠન પ્રમુખ ડો.જયરામભાઈ ગામીત,મહામંત્રી વિક્રમભાઈ તરસાડિયા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણી,બાંધકામ અધ્યક્ષ નીતિનભાઈ ગામીત, કુકરમુંડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ મનિષાબેન પાડવી, નિઝર પ્રમુખ શ્રીમતિ દક્ષાબેન વસાવા, ઉચ્છલ તાલુકા પ્રમુખ યાકુબભાઇ ગામીત, સુરત વર્તુળના અધિક્ષક ઈજનેરશ્રી જી.એ.પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.એમ.જાડેજા, માર્ગ મકાનના કા.ઈ. મનિષ પટેલ, પંચાયત માર્ગ અને મકાન કા.ઈ.એસ.એમ.બારોટ, સુભાષભાઈ પાડવી, આરોગ્ય સમિતિ અધ્યક્ષ સોનલબેન પાડવી,શિક્ષણ સમિતિ અધ્યક્ષ સરિતાબેન વસાવા,જી.પં. સદસ્ય વર્ષાબેન,મહેન્દ્રભાઈ વાકાવાલા સહિત ઉચ્ચ અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.