શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ: સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ, સરભાણ રોડ, આમોદ ખાતે, ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક ” કિસાન સૂર્યોદય યોજના ” ના બીજા તબક્કામાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ૨૭ ગામોમાં આ યોજનાનું ગુજરાત રાજ્યના માનનીય રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જે રીતે જ્યોતિગ્રામ યોજના થકી લોકોને 24 કલાક ઘર વપરાશ માટે વીજળી આપવામાં આવે છે, તેવી જ ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી ખેડૂતોની માંગણીને સંતોષવા ખેડૂતોને સવારે ૦૫ થી રાત્રિના ૦૯ વાગ્યા સુધી દિવસે વીજળી પૂરી પાડવા ” કિસાન સૂર્યોદય યોજના ” અંતર્ગત કૃષિ ક્ષેત્રે દિવસે વીજ પુરવઠો આપવામાં આવશે. જેથી ખેડૂતોને દિવસે વિજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમને માટે મુક્તિ મળશે.
આ પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી.મનસુખભાઇ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મારુતિ સિંહ અટોદરિયા, કલેકટરશ્રી, ભરૂચ, નાહીયેર સ્વામિનારાયણ ગુરુકુળના પરમ પૂજ્ય શ્રી ડી. કે.સ્વામી, પૂર્વ. મંત્રીશ્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તથા ડી.જી.વી.સી.એલ. પદાધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.