
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આહવા ખાતે યોજાયો પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનો રી-ઓરિએંટેશન વર્કશોપ :
ડાંગ, આહવા: ડાંગ જિલ્લાના આદિવાસી સમાજમા જ્યારે છોકરા/છોકરીઓમા કોઈ ખાસ ભેદભાવ રાખવાની પ્રથા ન હોય ત્યારે, ખાસ કરીને જિલ્લાની સરહદને અડીને આવેલા અન્ય રાજ્ય કે જિલ્લાના પ્રજાજનો ગર્ભ પરીક્ષણ જેવા કૃત્ય માટે ડાંગ જિલ્લામા પ્રવેશી ન જાય તેની તકેદારી રાખવાની અપીલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામીતે કરી છે.
ગર્ભ પરીક્ષણ માટે વપરાતા સોનોગ્રાફી મશીન સંબંધિત કાર્યપ્રણાલીનો ખ્યાલ આપતા ડો. ગામીતે જિલ્લાના રજિસ્ટર્ડ તબીબોને આર.બી.એસ.કે. કાર્યક્રમ સહિત કોરોના વેક્સિનેશન, કોરોના ટેસ્ટિંગ ઉપરાંત જિલ્લામા માથુ ઊચકતા રોગચાળા સંબંધિત જાણકારીની પરસ્પર આપ-લે બાબતે સહયોગ આપવાની અપીલ કરી હતી.
ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામા યોજાયેલા ‘ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪’ વિષયક રી-ઓરિએંટેશન વર્કશોપમા જિલ્લાના તબીબોને માર્ગદર્શન આપતા ડો. હિમાંશુ ગામીતે આ કાયદાને લગતી સૂક્ષ્મ વિગતો રજૂ કરી હતી. જિલ્લામા સ્ત્રી/પુરુષના જન્મદર બાબતે આરોગ્ય વિભાગે સતત જાગૃત રહીને ઓનલાઇન ફોર્મ ફિલઅપ કરવાની કાર્ય પદ્ધતિ, અને એક્ટના અમલીકરણ બાબતે વિશેષ તકેદારી દાખવવાની હિમાયત કરી હતી.
વર્કશોપનુ સંચાલન કરતા આહવાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.અનુરાધા ગામીતે એક્ટની વિસ્તૃત છણાવટ કરીએ P.P.T.ના માધ્યમથી સૂક્ષ્મ જાણકારી સાથે જિલ્લાનુ સમગ્રતયા ચિત્ર રજૂ કર્યું હતુ.
બેઠકમા કમિટી મેમ્બર સહિત ડાંગ જિલ્લાના રજિસ્ટર્ડ ડોક્ટરો, પી.એચ.સી./સી.એચ.સી.ના તબીબો, સંબંધિત આરોગ્ય અધિકારીઓ/કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.