શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા ખાતે યોજાશે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’
ડાંગ: આહવા: તા: ૭: આગામી તા.૮મી માર્ચે રાજ્ય સમસ્તની જેમ, ડાંગ જિલ્લામા પણ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ઉજવણી કરાશે.
ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમના સુચારુ આયોજન વ્યવસ્થા અર્થે, ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમા જિલ્લાના જુદા જુદા ક્ષેત્રે નામના મેળવનાર મહિલા પ્રતિભાઓના સન્માન, અભિવાદન સહિત, કાર્યક્રમની આનુષંગિક વ્યવસ્થાઓ બાબતે ચર્ચા હાથ ધરાઈ હતી.
જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમા, સવારે ૯:૩૦ વાગ્યાથી શરૂ થનારા કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, મહિલા-બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સારૂબેન વળવી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટિના ચેરમેન શ્રીમતી હંસાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સમિતિઓની રચના કરી તેમની જવાબદારીઓ સુનિશ્ચિત કરતા કલેકટર શ્રી ભાવિન પંડ્યા, તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ, અમલીકરણ અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
બેઠકમા નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી સહિતના ઉચ્ચાધિકારીઓએ ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. બેઠકનુ સંચાલન મહિલા અને બાળ અધિકારી શ્રી સુનિલ સોરઠીયાએ કર્યુ હતુ.