
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ, આહવા: ડાંગના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીતની અધ્યક્ષતામા તાજેતરમા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે જિલ્લા નિરીક્ષણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજવામા આવી હતી.
આ દરમિયાન અગાઉની બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઇ સર્વ સંમતિથી તેને બહાલી આપી, જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ની કલમ-૫૪ મુજબ, જુવેનાઇલ જસ્ટીસ એકટ રૂલ્સના નિયમ-૪૨(૩) અને ૪૨ (૧૦) (I) અનુસાર સસ્થાનુ નિરીક્ષણ હાથ ધરી, તમામ સુવિધાઓ અને રજીસ્ટરોની ચકાસણી કરી, નિરીક્ષણ ફોર્મની માહિતી પણ તૈયાર કરવામા આવી હતી.
સંસ્થામા રહેતા કુલ-૨૭ જેટલા અંતેવાસી બાળકોની અધ્યક્ષ અને સભ્યો દ્વારા રૂબરૂ મુલાકાત લઈ, તેમના શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, સહિત ઉપલબ્ધ સુવિધાઓની જાત માહિતી મેળવવામા આવી હતી.
આ વેળા સંસ્થા દ્વારા અંતેવાસી બાળકો માટે સંસ્થાની આસપાસ આવેલા અન્ય વિભાગના સરકારી મકાનો સંસ્થાના ઉપયોગર્થે ફાળવવાની પણ રજુઆત કરવામા આવી હતી.
બેઠક દરમિયાન અધ્યક્ષ સ્થાને કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને રાખીને સંસ્થામા પ્રવેશપાત્ર અંતેવાસી બાળકોને, સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ પાલન કરાવવા તથા સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાનુ સૂચન કરાયુ હતુ. જ્યારે સંસ્થાના અંતેવાસી બાળકોની રસ-રૂચી પ્રમાણેના રમત-ગમતના સાધનોનો ઉપયોગ કરાવી, રમત વિશેનુ જરૂરી માર્ગદર્શન આપી, બાળકોમા રહેલી સૃષુપ્ત શકિતઓને ખિલવવા માટેના પ્રયત્નો હાથ ધરવા પણ જણાવાયુ હતુ.
બેઠકમા પ્રાંત અધિકારી સુશ્રી કે.વી.ગામીત સહિત,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એમ.ગામીત, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એમ. ચૌધરી, માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંત ડો.અંકિત રાઠોડ, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય શ્રી કોળઘુભાઇ એસ.ગાવિત, બાળ કલ્યાણ ક્ષેત્રના સામાજિક કાર્યકર શ્રી સંજયભાઇ શર્મા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સી.એમ.જોષી, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના અધિક્ષક શ્રી ડી.જી.ગામીત, આમંત્રિત સભ્ય શ્રી દિવ્યેશ એમ. વણકર સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.