શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભરૂચની ઝાડેશ્વર ખાતેની આત્મિય ગ્રીન સ્કુલના શ્રી પ્રવિણભાઈ કાછડિયા તરફથી નર્મદા જિલ્લાના ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારો માટે ફુડ પેકેટ પુરા પડાયાં:
રાજપીપલા નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના અસરગ્રસ્ત પરિવારોને કરાયું ફુડ પેકેટનું વિતરણ
જિલ્લા વહિવટીતંત્ર વતી આત્મિય ગ્રીન સ્કુલના સંચાલકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ
રાજપીપલા: નર્મદા જિલ્લામાં ગઈકાલે ભારેથી અતિભારે વરસાદની સર્જાયેલી પરિસ્થિતિમાં આગમચેતીના ભાગરૂપે જિલ્લામાં અંદાજે ૮૯૭૫ જેટલા લોકોના સલામત સ્થળાંતર અને જિલ્લા પ્રસાશન દ્વારા કરાયેલી ભોજન – ફુડ પેકેટ વગેરે જેવી વ્યવસ્થાની પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયા મારફત જાણકારી મેળવી ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ચોકડી પાસેની આત્મિય ગ્રીન સ્કુલના મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રવિણભાઈ કાછડિયાએ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહનો તુરંત જ ટેલિફોનિક સંપર્ક સાધીને નર્મદા જિલ્લાના સ્થળાંતરિત અને અસરગ્રસ્ત પરિવારો માટે ફુડ પેકેટ પોતાની શાળા પરિવાર તરફથી તૈયાર કરીને પુરા પાડવાની સામેથી આ તત્પરતા દર્શાવી હતી. અને તેના અનુસંધાને આજે બપોરે એક હજાર જેટલા ફુડ પેકેટ તેમના તરફથી તૈયાર કરીને રાજપીપલા ખાતે મોકલી આપ્યા હતા. આ ફુડ પેકેટનું આજે રાજપીપલા નગરપાલિકાની ટીમો દ્વારા આજે શહેરના વિવિધ અસરગ્રસ્ત પરિવારોમાં ઘેર-ઘેર પહોંચીને તેનુ વિતરણ કરાયું હતું.
આ ફુડ પેકેટમાં પરિવારની બે વ્યક્તિઓ ભોજન લઈ શકે તે રીતની ખાદ્યસામગ્રી પેક કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે આત્મિય ગ્રીન સ્કુલના પરિવારના મોભી શ્રી પ્રવિણભાઈ કાછડિયા અને તેમની સંસ્થા પ્રત્યે જિલ્લા વહિવટીતંત્ર વતી આભારની લાગણી વ્યક્ત કરી, આ માનવીય સંવેદનાસભર સેવાઓને બિરદાવી હતી.