શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા ખાતે કલેકટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતા હેઠળ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરાઇ:
……………
લોકાભિમુખ શાસન બનાવી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા આહવાન:
……………
કલેક્ટર વઢવાણિયાએ તાપી જિલ્લાએ સાધેલી પ્રગતિનો ચિતાર રજુ કર્યો.
……….
વ્યારા-તાપી : ૭૫માં સ્વાતંત્ર્ય પર્વના આજના દિવસે માં ભારતીને હ્રદયપૂર્વક વંદન કરી કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે વીરશહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ઈન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક નામી-અનામી વીર સપૂતોનું સ્મરણ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવવાનું આ પર્વ છે. સાથે ઉપસ્થિત સૌ નાગરિકોને લોકાભિમુખ શાસન બનાવી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા આહવાન કર્યુ હતું.
આઝાદ ભારતના ખુલ્લા આકાશમાં આપણે વિકાસના મીઠાં ફળ ચાખી રહ્યા છીએ. ત્યારે દિવ્ય ભારતના નિર્માણ માટે સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે મહિલાઓ, બાળકો, કિસાનો સહિત તમામ નાગરિકો માટે સરકારની વિકાસલક્ષી વિવિધ યોજનાઓ અવિરતપણે ચાલી રહી છે. તેમ જણાવી ગુજરાતીઓ અને દેશવાસીઓએ કોરોના મહામારીનો મક્કમતાથી સામનો કર્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિકોએ દુનિયાને રાહ ચીંધી ભારતમાં સ્વદેશી બે રસીઓનો આવિષ્કાર કરીને આત્મનિર્ભર ભારત તરફ પ્રયાણ કર્યું છે. આપણા સૌની મહેનતને વર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, સુપ્રિમ કોર્ટ, એઈમ્સના ડાયરેકટર, આઈઆઈએમ અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ બિરદાવી છે.
તાપી જિલ્લાની પ્રગતિનો ચિતાર રજુ કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લામાં કુલ ૬૬૦૨ વ્યક્તિગત શૌચાલયોના બાંધકામ પુર્ણ કરી રૂ. ૭.૯૨ કરોડ પ્રોત્સાહક સહાયની રકમ લાભાર્થીઓને ચુકવવામાં આવેલ છે. “મિશન મંગલમ યોજના” હેઠળ હાલ ૪૮૨૦ સ્વસહાય જુથો એક્ટીવ છે. “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” હેઠળ ૨૦૦૧ જુથોની રચના થયેલ છે. તે પૈકી ૫૫૭ અરજીને લોન પ્રક્રિયામાં સામેલ કરી ૭૭ અરજી મંજુર થયેલ છે. જિલ્લામાં “પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)” અંતર્ગત વર્ષ ૨૦૨૦–૨૧ પૈકી રાજય કક્ષાએથી કુલ ૪૫૯૯ આવાસોનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ જે પૈકી ૪૨૦૫ આવાસોને વહિવટી મંજૂરી આપી દેવામાં આવેલ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રૂપિયા ૧૧૫૫૩.૩૭ લાખના ખર્ચે ૮૩.૨૯ કિ.મીના ૦૬ રસ્તા અને ૮ મકાનો, ૦૫ બ્રિજના કામો મળી કુલ-૧૯ કામો પુરા કરાયા છે. જ્યારે ૯૭ કરોડના કામો પ્રગતિમાં છે. વિકાસશીલ તાલુકામાં ૪૭ વિકાસના કામોની મંજૂરી મળી છે. “કિસાન સૂર્યોદય યોજના”ના ફેઝ ૨ ના શુભારંભ સમયે ૩૦ ગામોનો સમાવેશ તથા ફેઝ ૩ના શુભારંભ સમયે ૫૨ ગામોનો સમાવેશ કરી કુલ ૮૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાપી જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૬ જેટલા નવીન ૬૬ કેવી સબ સ્ટેશન કાર્યરત કરી નવી વીજ લાઈનો નાખી લો-વોલ્ટેજ અને અનિયમિત વીજળીની મુશ્કેલી દુર કરી છે. નવીન કાર્યરત ૬૬ કેવી સબ સ્ટેશનમાં ઉચામાળા, જેસીંગપુરા, વાઘનેરા, ટોકરવા, ટાપરવાડા, કેળકુઈનો સમાવેશ થાય છે. અને અન્ય બીજા આઠ ૬૬ કેવી સબસ્ટેશનોની કામગીરી ચાલુ છે.
વર્ષ ૨૦૨૦-૨૧ માં કુલ ૨૫૭૭ જેટલા ખેતીવાડી વીજ જોડાણો રૂ. ૫૧૩૯ લાખના ખર્ચે આપવામાં આવેલ છે, “કુટીર જ્યોતિ યોજના” હેઠળ કુલ ૨૯૭૬ જેટલા ઘરવપરાશ BPL લાભાર્થીઓને વીજ જોડાણો રૂ. ૧૦૪.૧૬ લાખના ખર્ચે આપવામાં આવ્યા. નલ સે જલ યોજના અંતર્ગત ૧૮૩ યોજનાઓ અંદાજીત રૂપિયા ૪૭૫૨.૩૨ લાખ મંજુર અને કુલ ૮૬૧૫ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યા છે. તાપી વન વિભાગ દ્વારા ૩,૦૩૬ હેકટર વિસ્તારમાં કુલ ૧૯.૦૨ લાખ રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. આંબાપાણી તથા પદમડુંગરી ઈકો ટુરીઝમ તૈયાર કરાયું છે. તેમજ ફોર્ટ સોનગઢ કિલ્લાના વિકાસની કામગીરી ચાલુ છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત રૂ.૩.૮૫ કરોડના ખર્ચે ૫૮ જેટલા ચેકડેમ રિપેરીંગ અને ડીસીલ્ટીંગની કામગીરી કરવામાં આવેલ છે. ખેડૂતો માટે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અમલી છે.
‘સાત પગલાં ખેડુત ક્લ્યાણ” અંતર્ગત સાત યોજનાઓ, પી.એમ કિસાન યોજના, ફસલ વીમા યોજના જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે. આ યોજનાનો લાભ લઇ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી સમગ્ર ખેડૂતવર્ગ આર્થિક રીતે સક્ષમ બને તથા તેમનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે કટીબધ્ધ છે. પશુપાલન શાખા જિલ્લા પંચાયત તાપી હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં ૧,૨૦,૭૯૦ પશુઓને સારવાર આપવામાં આવી., ૩,૯૫,૬૯૩ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું, ૧૦૮ પશુ આરોગ્ય મેળા યોજવામાં આવ્યા. શહેરી વિકાસ યોજના હેઠળ વ્યારા અને સોનગઢ નગરપાલિકામાં અંદાજિત ૩૩.૭૧ કરોડના માળખાગત સુવિધાઓના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. સેવાસેતુ હેઠળ ૧૮૧૬૩ અરજીઓ પૈકી ૧૮૧૧૬ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે.
વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં સવારે ૯ વાગ્યાના ટકોરે કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ ત્રિરંગો લહેરાવીને સલામી આપી હતી. ત્યાર બાદ ખુલ્લી જીપમાં સવાર થઈ પરેડ નિરિક્ષણ કરી પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ વેળા તેમની સાથે જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર પણ જોડાયા હતાં.
આ પ્રસંગે વતનપ્રેમ યોજના હેઠળ રૂ. ૨૧ લાખ પોતાના ગામના વિકાસ માટે અર્પણ કરનાર જિલ્લાના વ્યક્તિ વિશેષ દિલિપભાઈ રઘુનાથ પાટીલનું શાલ ઓઢાડી બહુમાન કરવા ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સ કર્મયોગીઓનું મહાનુભાવો હસ્તે સન્માન કરાયું હતુ. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું.
‘આઝાદીના અમૃત મહોત્સવ’ થીમ આધારિત રાષ્ટ્રના ૭૫ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયા, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, અધિક કલેક્ટર આર.જે.વલવી, પ્રાંત અધિકારી હિતેશ જોષી, કાર્યપાલક ઇજનેર મનીષ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ. ડોડિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ, મામલતદાર બી.બી.ભાવસાર સહિત તમામ વિભાગોના પદાધિકારી/અધિકારી/કર્મચારીઓ કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ઉપસ્થિત રહયાં હતાં.
સાંપ્રત કોવિડ પરિસ્થિતિ ધ્યાને લઈ સમગ્ર તાપી જિલ્લામાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સાદગીપૂર્વક પણ આન, બાન અને શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની સરકારી કચેરીઓ, નગર પાલિકા, ગ્રામ પંચાયતો, શાળા-કોલેજો, સહકારી/સ્વૈચ્છિક સંસ્થાઓમાં ત્રિરંગો લહેરાવી સલામી આપી આઝાદી માટે લડત ચલાવી પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલિ અપાઈ હતી.