શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
• વૈશ્વિક પર્યાવરણની જાળવણી એ સામુહિક ચિંતાનો વિષય છે,
• આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક છે, ત્યારે પ્રકૃતિને નુકશાન ન થાય તે જોવાની જવાબદારી આપના સૌની છે,
• રાજ્યમાં સહભાગી વન વ્યવસ્થાને કારણે વન અને વન વિસ્તારમાં વધારો થયો છે,
• ડાંગ એ ગુજરાતનું કાશ્મીર છે, તેના જતન અને સંવર્ધનની ચિંતા કરીએ,
• “કોરોના”ના કાળમાં વનૌષધિએ તેની મહત્તા સાબિત કરી છે જેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઈ રહી છે.(વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા)
ડાંગ જિલ્લામાં વન મહોત્સવ દરમિયાન ૬ લાખ રોપાઓના વાવેતર સાથે માલિકી યોજનાના ખાતેદારોને રૂ.૫૧ લાખથી વધુના ચેકો અર્પણ કરાયા:
;
વર્ષ દરમિયાન વન વિભાગ દ્વારા ૨૧૧૮ હેક્ટર વિસ્તારમાં ૨૬ લાખ બાળવૃક્ષોનું વાવેતર કરાયું ;
ડાંગ જિલ્લામાં ૭૧માં વન મહોત્સવનો પ્રારંભ કરાવતા વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા ;
આહવા; તા; ૮; વૈશ્વિક પર્યાવરણની જાળવણી એ સામુહિક ચિંતનનો વિષય છે તેમ જણાવતા રાજ્યના વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ સમગ્ર સૃષ્ટી અને માનવજાતના અસ્તિત્વ માટે વૃક્ષ, અને વન જ એકમાત્ર તરણોપાય છે તેમ આહવા ખાતે જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાના ૭૧માં વન મહોત્સવનો પ્રારંભ કરાવતા શ્રી વસાવાએ આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે, ત્યારે પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય તે જોવાની આપણી જવાબદારી છે તેમ જણાવતા, ડાંગ જિલ્લો ગુજરાતનું કાશ્મીર છે તેની ગરિમા જાળવી તેના જતન અને સંવર્ધન બાબતે જાગૃત રહેવાની અપીલ કરી હતી.
આહવાના સનસેટ પોઈન્ટ ઉપર આયોજિત કાર્યક્રમમાં પ્રજાજોગ સંદેશો આપતા વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ સહભાગી વન વ્યવસ્થાને કારણે રાજ્યમાં વન અને વન વિસ્તારમાં વધારો નોંધાયો છે, તેમ જણાવી આ વ્યવસ્થામાં ૬.૫૦ લાખથી વધુ આદિવાસી પ્રજાજનોનો સહયોગ સાંપડ્યો છે તેમ જણાવ્યું હતું.
અંબાજીથી ઉમરગામ સુધીના વન વિસ્તારમાં વસતા આદિવાસી પ્રજાજનોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે વિષેશ લક્ષ કેન્દ્રિત કર્યું છે તેમ જણાવતા તેમણે ૩૩ જિલ્લાઓ, ૮ મહાનગરપાલિકાઓ, ૨૫૦ તાલુકાઓ, અને ૫૦૦૦ ગામડાઓમાં વન મહોત્સવ આયોજિત કરીને, રાજ્ય સરકારે વન, વન વિસ્તાર અને વનવાસી બાંધવોના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આદિવાસી સમાજની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અને વનૌષધિને કારણે “કોરોના”ના કાળમાં પ્રજાજનોનું જાહેર સ્વાસ્થ્ય જાળવવામાં મહ્દઅંશે સફળતા મળી છે, જેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઈ રહી છે તેમ જણાવતા વનમંત્રીશ્રીએ, ગુજરાતના સમૃદ્ધ વનોમાં વધતી વનીલ પશુપક્ષીઓ અને સરીસૃપોની વસ્તીનું જતન સંવર્ધન એ પણ આપણી સહિયારી જવાબદારી છે તેમ જણાવ્યું હતું.
૫૦૦ વર્ષ જુના રામ જન્મભૂમિના વિવાદનો હલ થતા આ ક્ષણને યાદગાર બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ આ વરસના સાંસ્કૃતિક વન નિર્માણની થીમ હેઠળ રાજકોટ ખાતે “રામ વન”નું નિર્માણ કરીને આસ્થા કેન્દ્ર એવા અયોધ્યાના આ ઈતિહાસને અમરત્વ પ્રદાન કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
ભારતભરમાં વન મહોત્સવનો પ્રારંભ કરનારા ગુજરાતના સપુત એવા તત્કાલીન કૃષિ પ્રધાન શ્રી કનૈયાલાલ મુનશીને યાદ કરી વનમંત્રીશ્રીએ સરદાર પટેલને “સોમનાથ” અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઈતિહાસ “અયોધ્યા” માટે યાદ કરશે તેમ જણાવ્યું હતું. “ગ્રીન ગુજરાત-ક્લીન ગુજરાત”ના મંત્ર સાથે વન મહોત્વસવની ઉજવણીને જીલ્લા કક્ષાએ લઈ જઈને તેમાં વ્યાપક લોકભાગીદારીને જોડીને, રાજ્ય સરકારે ધાર્મિક/ઐતિહાસિક સ્થળોએ સાંસ્કૃતિક વન નિર્માણની નવી પરમ્પરા શરુ કરી છે, જેને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાના વન વિસ્તારમાં ૩૧ જેટલા માર્ગો માટે તાજેતરમાં જ રાજ્ય સરકારે ૩૦ કરોડની રાશી મંજુર કરી છે, જેનો લાભ ૧૫૦ થી વધુ ગામોના લોકોને થશે તેમ જણાવતા આદિજાતિ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાના જાગૃત પદાધિકારીઓના પ્રયાસને કારણે ડાંગ જીલ્લાનો સર્વાંગીણ વિકાસ થઇ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં બોર્ડર વિલેજ અને કોટવાળીયા વિકાસ માટે આદિજાતિ વિકાસ વિભાગમાંથી બીજા ૧૦ કરોડના કાર્યોની મંજુરી મળી રહી છે તેમ જણાવ્યું હતું.
જંગલ એ ડાંગની સંપતિ છે ત્યારે તેનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે તેમ જણાવતા ડાંગ જીલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી બીબીબેન ચૌધરીએ માલિકી યોજનાથી ડાંગ જિલ્લાના પરિવારોનો વિકાસ થયો છે, અને વન ઉપજથી સમગ્ર જીલ્લાનો વિકાસ થયો છે તેમ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું.
વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલે ડાંગ જિલ્લાના ૭૧માં વન મહોત્સવને શુભેચ્છા પાઠવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
માજી સંસદીય સચિવ અને સુરતના ધારાસભ્ય શ્રી પુર્ણેશ મોદીએ “કોવિદ-૧૯” એ ફેફસાને અસર કરતો રોગ છે ત્યારે વન વિસ્તારમાંથી મળતો ઓક્શીજન, પ્રાણવાયું એ મનુષ્યને જીવન બક્ષે છે. જે આજના “કોરોના”કાળમાં સૌને સમજાયું છે ત્યારે વૈશ્વિક સ્તરે પર્યાવરણની પોલીસી અમલી બનાવવાનો સમય હવે પાકી ગયો છે, જેનું નેતૃત્વ ભારત કરી શકે છે તેમ જણાવ્યું હતું.
રાજ્યમાં ૩૩ ટકા વન વિસ્તારની જરૂરિયાત સામે ૧૫ ટકા વન વિસ્તાર સુધી આપણે પહોંચી શક્યા છે તેમ જણાવી વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજાએ ગુજરાતમાં પ્રતિ એક નાગરિક સામે છ વૃક્ષો છે, જેની સંખ્યામાં વધારા સાથે વન વિસ્તારના જતન સંવર્ધન માટે અનુરોધ કર્યો હતો. પર્યાવરણ જતન એ દરેક નાગરિકની ફરજ છે તેમ જણાવતા શ્રી રાજાએ એક એક વૃક્ષ આજે એક એક વેન્ટીલેટરની ગરજ સારી રહ્યું છે તેમ ઉમેર્યું હતું.
ડાંગ જીલ્લાની સહભાગી વન વ્યવસ્થા સાથે સંકળાયેલી વન મંડળીઓમાં સભાસદોની નિયમિત બેઠકો, કાર્યક્રમો ઉપર ભાર મુક્ત ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે તેમના પ્રાસંગિક ઉદ્ભોધનમાં વન વિસ્તાની ખાલી જમીનમાં મોટાપાયે વૃક્ષ વાવેતર થાય તેવા પ્રયાસોની હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લાના ૭૧માં વન મહોત્સવ કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત કરતા ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જયારે કાર્યક્રમને અંતે દક્ષીણ ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ આભાર વિધિ આટોપી હતી. ઉદ્ઘોષક તરીકે આહવા (પુ)ના રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી રાહુલ પટેલ તથા વઘઈના બી.આર.સી. શ્રી શૈલેશભાઈ માહલાએ સેવા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન વન વિભાગની માલિકી યોજનાના લાભાર્થીઓને રૂ.૫૧ લાખ, ૬૩ હજાર, ૬૬૩ ના ચેકો પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. તો “વૃક્ષ રથ”ને પણ મહાનુભવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સનસેટ પોઈન્ટ ખાતે વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સહીતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ નિગમના ડીરેક્ટર શ્રી બાબુરાવ ચૌર્યા સહીત, માજી ધારાસભ્યો સર્વશ્રી વિજયભાઈ પટેલ અને મંગળભાઈ ગાવિત, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશ ગવળી, આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત, જીલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જિ.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીત, જીલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.પોલ વસાવા, સામાજિક કાર્યકરો સર્વશ્રી રમેશભાઈ ચૌધરી, રાજેશભાઈ ગામીત, દશરથભાઈ પવાર, સુરેશભાઈ ચૌધરી, રમેશભાઈ ગાંગુર્ડે, ગીરીશભાઈ મોદી, સંકેતભાઈ બંગાળ સહિતના કાર્યકરો, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહીત સંબંધિત વિભાગના અધિકારી, કર્મયોગીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.