શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રામુ માહલા
ડાંગ જિલ્લાના ધવલીદોડ ગામે પહોંચી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ :
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશે યાત્રાની મુલાકાત લીધી :
ડાંગના પ્રજાજનોને ‘વિકસિત ભારત’ નો સંકલ્પ લેવાનું કર્યું આહવાન :
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો હાર્દ સ્પષ્ટ કરતા કેન્દ્રીય મંત્રીશ્રી સોમ પ્રકાશ :
ડાંગ: સને ૨૦૪૭ માં જ્યારે દેશ આઝાદીની શતાબ્દી મનાવી રહ્યુ હશે ત્યારે, વિશ્વભરમાં ભારતની ગણના એક વિકસિત રાષ્ટ્ર તરીકે થશે તેમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશે તેમની ડાંગ જિલ્લાની VBSY ની મુલાકાત વેળા જણાવ્યું હતું.
પરિશ્રમી અને પરાક્રમી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ, દેશને સબળ નેતૃત્વ પૂરું પાડી રહેલા પ્રધાનમંત્રીશ્રીનું વિશ્વના નેતાઓ અનુકરણ કરી રહ્યા છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે ભારતના વધતા ગૌરવનું ગાન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી સોમ પ્રકાશે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના સથવારે ગામે ગામ અને ઘરે ઘર સુધી, એક એક લાભાર્થી સુધી યોજનાકિય લાભો પહોંચાડવાનો આયામ સરકારે શરૂ કર્યો છે તેમ કહ્યું હતું.
મેઇક ઇન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો ઉપરાંત દેશમાં રેલ, જળ, માર્ગ પરિવહન અને હવાઈ ક્ષેત્રે થઈ રહેલા વિકાસની રૂપરેખા આપતા મંત્રી શ્રી સોમ પ્રકાશે વંચિતોના કલ્યાણની ક્ષેણીબદ્ધ યોજનાઓનો લાભ, જરૂરિયાતમંદો સુધી પહોચે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે તેમ ઉમેર્યું હતું.
વિશ્વના દેશો માટે પથદર્શક બનેલા ભારતના વૈશ્વિક પગલાઓનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ G20 અને ચન્દ્રયાન જેવા આયામોએ દુનિયા સમક્ષ ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે તેમ કહ્યું હતું.
દેશના પ્રત્યેક જરૂરિયાતમંદોનો ઉત્કર્ષ કરતી શ્રેણીબદ્ધ યોજનાઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ, દેશના પ્રધાનમંત્રીશ્રીએ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓ માટે હંમેશા સંવેદનાપૂર્વક નિર્ણય લીધા છે તેમ કહ્યું હતું. ગરીબ, વંચિત, યુવાન, મહિલાઓ અને ખેડુતો માટે હંમેશા ચિંતિત ભારત સરકારે સૌના કલ્યાણનો સંકલ્પ વ્યકત કર્યો છે તેમ જણાવી, સૌને વિકસિત ભારતનો સંકલ્પ વ્યકત કરવા આહ્વાન કર્યું હતુ.
વડાપ્રધાનશ્રીના સુશાસનનો ઉલ્લેખ કરતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, દેશના પ્રજાજનોની સતત ચિંતા કરતા પ્રધાનમંત્રીશ્રીની લોકકલ્યાણની વિવિધ યોજનાઓનો લાભ લઇ, સૌનો સાથ- સૌનો વિકાસ સાધવાની હિમાયત કરી હતી.
પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી યોજનાકિય લાભોથી વંચિત ન રહે, તે જોવાની આપણી સહિયારી જવાબદારી છે તેમ જણાવતા શ્રી પટેલે, સૌને વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવાનું પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં આહવાન કર્યું હતુ.
દંડકારણ્યની પાવન ભૂમિનું માહાત્મ્ય સ્પષ્ટ કરતા સાંસદશ્રી ડોક્ટર કે.સી.પટેલે, ડાંગને ચોવીસ કલાક વીજળી આપવાનું કામ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે તેમ જણાવી, સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાના લાભાર્થીઓના ઘર સુધી પહોંચી, તેમને લાભાન્વિત કરવાનું અભિયાન કેન્દ્ર સરકારે હાથ ધર્યું છે તેમ જણાવ્યું હતું.
ધવલીદોડ ગામે કેન્દ્રીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ડાંગના પરંપરાગત નૃત્ય અને વાદ્યના તાલે મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું અદકેરૂ સ્વાગત કરાયું હતું. ડાંગ પોલીસ બેન્ડની સુરાવલીએ પણ વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું.
IEC વાન સાથેના મોટા LED સ્ક્રીન ઉપર ‘ધરતી કરે પુકાર’ ફિલ્મનું નિદર્શન પણ સૌએ નિહાળ્યું હતુ.
શાળા પરિસરમાં જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગો/કચેરીઓએ યોજનાકિય પ્રચાર સાથે સેવાકિય સ્ટોલ્સનું આયોજન કર્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત ગ્રામજનોએ તેમને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી. આરોગ્ય વિભાગે તબીબી સારવાર કેમ્પ, જ્યારે પશુપાલન વિભાગે પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન હાથ ધર્યું હતું. સ્થાનિક પંચાયતે સ્વચ્છતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા, આખા ગામની સ્વચ્છતા હાથ ધરી હતી.
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સાધન/સહાય અર્પણ કરવા સાથે, ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રતિભાશાળી વ્યક્તિઓનું જાહેર અભિવાદન પણ કરાયું હતું. કાર્યક્રમ સ્થળે ‘ડ્રોન નિદર્શન’ સાથે ‘ભવાઈ’ ના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ પ્રસ્તુત કરાયો હતો.
દરમિયાન મંત્રી શ્રી સોમ પ્રકાશ સહિતના મહાનુભાવોએ સંકલ્પ યાત્રાના રથનું કુમકુમ તિલકથી પૂજન અર્ચન કરી, કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી શુભારંભ કર્યો હતો. શાળાની બાળાઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરી વાતાવરણને ભાવસભર બનાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે કલેકટર શ્રી મહેશ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યાંન્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે આભારવિધિ આટોપી હતી.
જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ એવા કલેક્ટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, તથા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ મંત્રીશ્રીનું શ્રીઅન્ન બાસ્કેટ તથા ડાંગની ઓળખ એવા ‘વારલી’ ચિત્રકલાના પેઇન્ટિંગ્સથી અભિવાદન કર્યું હતું.
ધવલીદોડના આંગણે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી સોમ પ્રકાશ સહિત વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભરત ભોયે, ભાજપા સંગઠન પ્રભારી અને સામાજિક કાર્યકર એવા શ્રી રાજેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ, કાર્યકરો, સ્વયંસેવકો સહિત ધવલીદોડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હર્ષિદાબેન ગાંગુર્ડે, સામાજિક અગ્રણી શ્રી રમેશભાઈ ગાંગુર્ડે, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, યાત્રાના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર શ્રી હિરલ પટેલ, તાલુકા કક્ષાના નોડલ ઓફિસર કલ્પના નાયર, મદદનીશ વન સંરક્ષકો સુશ્રી આરતી ભાભોર અને કેયુર પટેલ સહિત જુદા જુદા વિભાગ/કચેરીઓના ઉચ્ચાધિકારીઓ/ફરજ પરના કર્મચારીઓ, ગ્રામજનો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો હતો.