શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સો દિવસ : સાથ, સહકાર અને સેવાના:
મહિલા અને બાળકલ્યાણ વિભાગની ‘ટેક હોમ રાશન’ અને ‘ગરમ નાસ્તો’ પૂરો પાડવાની યોજનામાં ડાંગ જિલ્લાએ ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી :
આઈ.સી.ડી.એસના અધિકારી, કર્મચારીઓના રાતદિવસના પરિશ્રમને કારણે ડાંગમાં અમલી ૧૫ યોજનાઓ પૈકી ૧૪ યોજનાઓમાં સો ટકા લક્ષ્ય સિદ્ધિ :
ડાંગ/આહવા: ગુજરાતની ૨૦ વર્ષોની અવિરત વિકાસયાત્રાની સફળતાના પાયામાં રહેલા સુશાસનનો અનુભવ પ્રત્યેક નાગરિકને થાય તે માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકારના, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા છેક છેવાડાના માનવીઓ સુધી વિવિધ લાભો પહોંચાડીને સુશાસનનો પરચો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
વાત છે રાજ્યના છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાની. અહી રાજ્ય સરકારના *સો દિવસના લક્ષ્યાંક* અને તેને સિદ્ધ કરવાની પ્રબળ ઈચ્છાશક્તિને કારણે, રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હસ્તકના આઈ.સી.ડી.એસ. દ્વારા છેક નીચેથી લઈને ઉપર સુધીના અધિકારી, કર્મચારીઓના રાતદિવસના પરિશ્રમને કારણે, અત્રે અમલી લગભગ તમામે તમામ યોજનાઓમાં સો ટકા લક્ષ્ય સિદ્ધિ હાંસલ કરી દેવામાં આવી છે.
જુદી જુદી યોજનાઓ પૈકી છ માસથી છ વર્ષ સુધીના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને આરોગ્ય સ્તરમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી *‘ટેક હોમ રાશન’* યોજના અંતર્ગત, ડાંગ જિલ્લાના સો દિવસના નિયત કરાયેલા ૧૦,૬૬૭ લાભાર્થીઓના લક્ષ્યાંક સામે, જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તમામે તમામ લાભાર્થીઓને “ટેક હોમ રાશન’ અને ‘ગરમ નાસ્તો’ પૂરો પાડી ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી દેવામાં આવી છે.
યોજનાની વિગતો આપતા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સના પટેલે જણાવ્યુ હતું કે, આ યોજના તળે છ માસથી ત્રણ વર્ષના સામાન્ય વજનવાળા બાળકોને દર માસે THR તરીકે બાલશક્તિના ૫૦૦ ગ્રામના એક એવા સાત પેકેટ આપવામાં આવે છે. જ્યારે આ વયગ્રૂપના ઓછા વજનવાળા બાળકોને દર માસે બાલશક્તિના દસ પેકેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત ૩ થી ૬ વર્ષના તમામ બાળકોને અઠવાડિયામાં છ દિવસ પ્રત્યેક આંગણવાડી કેન્દ્રોમાં સવારનો ગરમ નાસ્તો, બપોરનો ગરમ નાસ્તો, તેમજ અઠવાડિયામાં બે દિવસ ફળ પણ આપવામાં આવે છે. સાથે સાથે સગર્ભા અને ધાત્રી માતાઓને દર માસે THR તરીકે માતૃશક્તિના એક કિલોગ્રામના એવા ચાર પેકેટ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આહવા સ્થિત શ્રમ કામદાર આંગણવાડી કેન્દ્રના કાર્યકર પ્રેમિલા પવારે એક મૂલાકાતમાં તેમના આંગણવાડી કેન્દ્ર દ્વારા તેમના કાર્યક્ષેત્રના વિસ્તારના તમામ લાભાર્થી બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને રાજ્ય સરકારની તમામે તમામ સેવાઓ સમયસર પહોંચાડવામાં આવી રહી છે તેમ જણાવ્યુ હતું.
ધાત્રી માતા એવા શ્રીમતી કિરણબેને આંગણવાડી કેન્દ્રની તમામ સેવાઓથી તેમના અને તેમના બાળકના સ્વાસ્થ્યમાં સુધારો નોંધાયો છે તેમ જણાવ્યુ હતું. અન્ય એક લાભાર્થી દીપકભાઈ પવારે પણ માતા અને બાળકો માટેની યોજનાઓનો તેમના પરિવારને સુપેરે લાભ મળી રહ્યો હોવાનું કહ્યું હતું. યુવા લાભાર્થી અને ધાત્રી માતા એવા પ્રિયંકા પવારે પણ તેમનો પ્રતિભાવ આપતા રાજય સરકારની માતા અને બાળકો માટેની યોજનાઓથી તેમના પરિવારને ખૂબ લાભ મળી રહ્યો છે તેમ જણાવ્યુ હતું.
આહવાના જવાહર કોલોની વિસ્તારની અન્ય એક આંગણવાડીના ઊર્વશી દુશાણેએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો તેમને લાભ મળી રહ્યો છે, તેમ જણાવી આ યોજનાને બિરદાવી હતી. જ્યારે દેવાલપાડાની આંગણવાડીના સગર્ભા લાભાર્થી શ્રીમતી જ્યોતિ પટેલે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત મળતી સહાય બદલ ખુશી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત જિલ્લાના ખૂણે ખૂણે કાર્યરત આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓ જેવા કે ‘પા પા પગલી યોજના’ અને ‘પૂર્વ પ્રાથમિક શિક્ષણ યોજના’ ના ઝરણ (સુબીર)ના લાભાર્થી હેત્વી ખુરકુટિયા, હનુમાન ફળિયા (વઘઇ)ના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી રાજેશ્રી મિસ્ત્રી, શ્રમ કામદાર (આહવા)ના THR ના લાભાર્થી દિવ્યા રાઠોડ વિગેરેએ પણ તેમને મળી રહેલા વિવિધ લાભો અંગે ખુશી વ્યક્ત કરી હતી.
આમ, રાજ્ય સરકારના “સાથ, સેવા અને સહકારના સો દિવસ” દરમિયાન ડાંગ જિલ્લાએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને, ગુજરાતનું માન વધાર્યું છે.
પત્રકાર: રામુભાઇ માહલા ડાંગ