
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ
માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઈ મોદીએ સુરત(પશ્ચિમ) વિધાનસભાના વડીલો માટે તીર્થયાત્રાનું આયોજન કર્યું :
શ્રવણ તીર્થ દર્શન યોજના થકી ૭૫ બસોમાં ૪૦૦૦થી વધુ સિનિયર સિટીઝનો ૧૫મી ઓગસ્ટે ભગવાન સોમનાથ દાદાના દર્શનનો લ્હાવો લેશે :
માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ :
સુરત : આઝાદીના અમૃત મહોત્સવના અવસરે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઈ મોદીએ ૧૬૭- સુરત (પશ્ચિમ) વિધાનસભાના સિનિયર સિટીઝનો માટે તીર્થયાત્રાનું આયોજન કર્યું છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) ગુજરાતમાં આવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે માટે રાજ્ય સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે તા.૧૫ ઓગસ્ટના રોજ સુરતથી ૭૫ બસમાં ૪૦૦૦થી વધુ સિનિયર સિટીઝન્સ ભગવાન સોમનાથ દાદાના દર્શને જશે. આ સંદર્ભે માર્ગ અને મકાન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી અને ૧૬૭- સુરત (પશ્ચિમ) વિધાનસભાના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીએ સુરત સરકીટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આ પહેલ અંગે જાણકારી આપી હતી.
મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭થી રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકોને રાજ્યના તીર્થધામોના દર્શનનો લ્હાવો મળે એ હેતુથી શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં મૂકી છે. ૧૬૭-સુરત(પશ્ચિમ)વિધાનસભા મતવિસ્તારમાં રહેતા વડીલોને તીર્થયાત્રાનો લાભ શકે તે માટે સ્લીપિંગ કોચ બસો મારફતે સુરતથી શ્રી સોમનાથ મંદિરની યાત્રાનું આયોજન કર્યું છે.
આ યાત્રા દરમિયાન વડીલોને ચોટીલાના ચામુંડા માતા મંદિર, ગોંડલના શ્રીસ્વામિનારાયણ મંદિર, ખોડલધામ, સોમનાથ મહાદેવ મંદિર, ભાલકાતીર્થ, વડતાલના શ્રી સ્વામિનારાયણ મંદિર, અને નર્મદા નદીના તટે ભરૂચના નિલકંઠ મહાદેવ મંદિરે પણ દર્શનાર્થે લઇ જવામાં આવશે. આ ત્રિદિવસીય યાત્રામાં રાત્રિરોકાણ અને વડીલો માટે સુપાચ્ય પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં મંત્રીશ્રી કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે હર ઘર તિરંગા અભિયાનથી પ્રત્યેક નાગરિકો પોતાના ઘર ઉપર ભારતની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને લહેરાવી રહ્યા છે, ત્યારે સોમનાથ યાત્રાએ જનાર ૪૦૦૦ વડીલોના પરિવાર સહિત ૧૬૭ સુરત(પશ્ચિમ) વિધાનસભા મત વિસ્તારમાં પ્રત્યેક ઘરો ઉપર ૫૦,૦૦૦થી વધુ તિરંગા લહેરાવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રવણ તીર્થદર્શન યોજનામાં નવા ફેરફારો સાથે રાજ્યના વધુમાં વધુ સિનિયર સિટીઝન્સ લાભ લઈ રહ્યા છે. શ્રવણે પોતાના માતા-પિતાને જે પિતૃવત્સલ ભાવે તીર્થસ્થાનોની યાત્રા કરાવી છે, એવા જ ઉમદા ભાવ સાથે રાજ્ય સરકારે આ યોજનાનું નામ શ્રવણતીર્થ દર્શન યોજના રાખ્યું હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.