શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અંતર્ગત:
આગામી ૨૧ અને ૨૮ ઓગસ્ટ તેમજ ૪ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ:
જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે પત્રકાર પરિષદ યોજાઇ:
નાગરિકો મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરળતાથી પોતાના નામની નોંધણી, સુધારા કરાવી શકશે: ઓનલાઇન એપ્લિકેશન અને વેબસાઈટના માધ્યમથી પણ ફોર્મ ભરી શકાશે :- કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયા
વ્યારા-તાપી: સમગ્ર રાજ્યમાં આગામી તા.૨૧ અને ૨૮ ઓગસ્ટ તેમજ ૪ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં તમામ મતદાન મથકોએ તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં લાયકાત ધરાવનાર નાગરિકોનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય અથવા મતદારોના નામ-સરનામા, ફોટો વગેરે સુધારા-વધારા કરવા હોય તો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરળતાથી નાગરિકો કરી શકશે એમ જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ આજે સેવાસદનના સભાખંડમા યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, યુવા મતદારોને જોડવા માટે અને મતદાન અંગેની જાગૃતિ કેળવાય તે માટે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ઉપરાંત ઓનલાઇન એપ્લિકેશન અને વેબસાઈટના માધ્યમથી પણ ફોર્મ ભરી શકાશે.
ખાસ ઝુંબેશના દિવસોએ તાપી જિલ્લાના તમામ 605 મતદાન મથકો ઉપર સવારે ૧૦:૦૦ કલાક થી સાંજે ૫:૦૦ કલાક સુધી બૂથ લેવલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહી અરજીઓ સ્વીકારવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
તેમણે ખાસ જણાવ્યુ હતું કે, મતદાર તરીકેની નોંધણી માટેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવેલ છે. જે હવે પછી પહેલી જાન્યુઆરી, પહેલી એપ્રિલ, પહેલી જુલાઈ, પહેલી ઓક્ટોબર નક્કી કરવામાં આવેલ છે.
મતદાર નોંધણી ફોર્મ્સ 6, 7, 8, 6-B નવા ફોર્મ્સ તરીકે આવેલ છે. જે નવા ફોર્મ્સનો અમલ ૧ લી, ઓગસ્ટ ૨૦૨૨ થી કરવામાં આવેલ છે. જેમાં ફોર્મ-૬ નવા મતદારોની નોંધણી માટેનું ફોર્મ છે.
ફોર્મ-૭ નામ કમી કરવા માટેનું ફોર્મ છે. જેમાં કાયમી સ્થળાંતર માટે તેમજ અવસાન થયેલ હોય તેના નામો કમી કરવા માટે છે.
ફોર્મ-૮ મતદારયાદીમાં વિગતોનો સુધારો કરવા માટેનું ફોર્મ છે. જેમાં જરૂરી આધાર પુરાવા સાથે ચાર પ્રકારના સુધારા-વધારા થઇ શકશે. જેમ કે, રહેઠાણના સ્થળમાં ફેરફાર,
મતદારયાદીની વિગતમાં સુધારો,
સુધારા વગર જુના ને બદલે નવું મતદાર ફોટો ઓળખપત્ર (EPIC),
દિવ્યાંગજન તરીકે નોંધણી કરવા માટે રહેશે.
ફોર્મ-૬ B જુના મતદારોના આધારની વિગતો મેળવવા માટેનું ફોર્મ છે. જેમાં મતદાર આધાર કાર્ડ સ્વૈચ્છિક રીતે પોતાના મતદાર ઓળખપત્ર(EPIC) સાથે લીંક કરી શકે છે.
જો કોઈ મતદાર ઓનલાઈન ફોર્મ ભરવા માંગે તો Voter Helpline Application મોબાઈલમાં ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. આ ઉપરાંત https://voterportal.eci.gov.in/ અને https://www.nvsp.in/ વેબસાઈટ પર જઈ સરળતાથી ફોર્મ ભરી શકે છે.
આ પત્રકાર પરિષદમાં તાપી જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના તંત્રીશ્રી/પ્રતિનિધિશ્રીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સાગર મોવાલીયા, ચૂંટણી મામલતદારશ્રી રંજન પટેલ, નાયબ મામલતદારશ્રી જાગૃતિ ગામીત સહિત સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર જોડાયા હતા.