શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવાનો અધિકાર કોને? અને પ્રક્રિયા શું ? ગુજરાતમાં ફરી જાતિનું રાજકારણ સરકાર માટે માથાનો દુઃખાવો સમાન.? કે પછી રાજનીતિનો દાવ? લોક પ્રતિનિધિઓની માંગ સરકાર કેમ સંભાળવા માંગતી નથી?
ગુજરાત રાજ્યમાં જાતિવાદ નું ભૂત ફરી ચર્ચામાં આવવા પામ્યું છે, લોક મુખે થી એવી ચર્ચાઓ થઇ રહી છે કે જાતિના નામે સાચા આદિવાસીઓની હેરાનગતીઓ વધી જવા પામી છે, કાયદો અને વ્યવસ્થા રક્ષણ માટે બનાવાય છે, તેમ નિયમ પણ વ્યવસ્થા અને સુવિધા માટે હોય છે, પણ અહી તો જાતિના દાખલાઓ માટે તંત્રએ ચેક લીસ્ટ બનાવ્યું છે તે અમારા આદિવાસી પ્રજા માટે માથાનો દુખાવો સમાન થઇ પડ્યું છે,
જાતિ અને ધર્મ રાજકારણની ડિક્ષનરીમાં પ્રથમ આવતાં શબ્દો છે, હવે લાગે છે કે ચુંટણી નજદીક આવી રહી છે,? તેમ છતા જાતિ ની સમસ્યાઓ જલ્દી દુર થઇ જાય જેથી કોઈ બીજો ખોટો લાભ ન ખાટી જાય ! તે સાંપ્રત સમય ની માંગ છે,
ગતદિવસોમાં ભાજપના આદિવાસી સાંસદોએ એક પત્ર લખી અનુસૂચિત જનજાતિ માટેની યાદીમાંથી રબારી, ભરવાડ અને ચારણ જાતિને દૂર કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ માગણી કરી હતી. ભાભોર અગાઉ વડાપ્રધાન મોદીની પ્રથમ સરકારમાં આદિવાસી વિભાગના મંત્રી પદે રહી ચૂક્યા છે.
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને પત્ર લખી જણાવ્યું છે કે, ‘ભારત સરકારના તા.૨૯-૧૦-૧૯૫૬ના જાહેરનામાથી ગીર, બરડા, અને આલેચના જંગલ વિસ્તારમાં આવેલા નેસોમાં વસવાટ કરતાં રબારી, ભરવાડ અને ચારણને અનુસૂચિત જાતિમાં સમાવવામાં આવ્યા હતા, સદર જાતિના ને રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાં દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી કરવા અમે અનુરોધ કરીએ છીએ.
ભરૂચ/નર્મદા લોકસભાના લોક લાડીલા સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા રાજ્યનાં મુખ્યમંત્રી મહોદયને પત્ર લખીને કર્યા અવગત અને તાત્કાલિક આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિભાગને પણ પત્ર મોકલી અપાયો હતો, ભરૂચ લોકસભા મતવિસ્તારના ભાજપના સંસદ સભ્યએ મુખ્યમંત્રી ને જણાવ્યું કે આપ સાહેબશ્રીની નેતૃત્વવાળી સરકારે વિધાનસભામાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બાબતે બિલ લાવી કાયદો બનાવ્યો, તે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજના લોકોએ લીધા છે, જે ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે એક સિનિયર નિવૃત જજના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ સમિતિએ સાચા ખોટા પ્રમાણપત્રો ચકાસણી માટેનો આરંભ પણ કર્યો છે, પરંતુ તપાસમાં ખુબ જ વિલંબ થઈ રહ્યો છે, આદિવાસી સમાજના વિવિધ સંગઠનોનું માનવું છું કે આ તપાસ ઝડપથી થાય અને જેને ખોટા પ્રમાણપત્રો મેળવ્યા છે, તેવા ઓબીસી સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને તે બાબતનો અહેવાલ તાત્કાલિક ધોરણે ભારત સરકારમાં મોકલવામાં આવે તે માટે મારી તથા ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજના લોકોની લાગણી અને માંગણી છે. એવું સાંસદે પત્ર દ્વારા સરકાર ને જણાવ્યું હતું.
આ બાબતે વધુમાં કોંગ્રેસના ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, વ્યારા મતવિસ્તાર ૧૭૧ ના પુનાભાઈ ગામીત અને નિઝર ૧૭૨ મતવિસ્તાર નાં ધારાસભ્ય સુનિલ ગામીતે પોતાના પત્ર માં જણાવ્યું કે સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ અને સરકારશ્રી સાથે તા. ૨૦-૨-૨૦૨૦ના રોજ સમાધાન થયેલ. તે પૈકીનો મુખ્ય મુદ્દો રબારી, ભરવાડ અને ચારણ જાતિને આદિવાસીની યાદીમાંથી રદ કરવા અનુસૂચિત જનજાતિ આયોગને દરખાસ્ત કરવાનો હતો. રબારી, ભરવાડ અને ચારણ જાતિમાં આદિવાસીના લક્ષણો નથી, બક્ષીપંચના લક્ષણો છે. એક જ કોમ્યુનિટી બે જાતિમાં ન હોઈ શકે. બે જાતિના પ્રમાણપત્રો મેળવી ડબલ લાભ ન લઈ શકે. આ કારણોસર આદિવાસી બચાવ સમિતી સાથે સરકાર સંમત થઈ હતી. તેઓએ વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે અમારી જાણ મુજબ આ અંગેની ફાઈલ પાછલા ૧૬ માસથી આપશ્રી સમક્ષ રજૂ થયેલ છે. જે નો કોઈપણ નિર્ણય થયા વિના પડતર રહેલ છે. સમાધાન થયા અનુસાર એક માસમાં દરખાસ્ત કરવાની હતી, જેને ૧૬ માસ જેટલો સમય પસાર થયો હોવા છતાં આજદિન સુધી અનુસુચિત જાતિ આયોગ ને દરખાસ્ત મોકલવામાં આવી નથી. સમગ્ર આદિવાસી સમાજ આ બાબતથી નારાજ છે, કારણ કે સાચા આદિવાસીને જરૂરી લાભો મળતા નથી.
આથી ઉક્ત વિગતો ધ્યાને લઈ, આદિજાતિઓના હિતમાં અનુસૂચિત જનજાતિ આયોગને દરખાસ્ત સત્વરે મોકલી આપવા સંબંધિતને આદેશ થવા મારી ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે. અગર અમારા લોક પ્રતિનિધિઓની વિનંતી નહિ સાંભળે સરકાર તો આદિવાસી સમાજ હવે જાગૃત અને શિક્ષિત થયો છે, અમારા હક નું અમે મેળવીને રહીશું અમારો બંધારણીય હક બીજાને લેવા નહિ દઈએ.