
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદાનું પાણી મોંઘુ થતા ઉદ્યોગો- પ્રજા પર ભારણ વધશે, માર્ચથી 10%નો ભાવ વધારો લાગુ કરાશે;
ગુજરાતની જીવાદોરી નર્મદા નીર પણ ઉનાળાના આરંભ સાથે માર્ચ મહિનાથી મોંઘા થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2022 થી પીવા અને ઉદ્યોગો માટે અપાતા નર્મદા નદીના પાણીના ભાવોમાં 10 % નો વધારો કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત રાજ્યમાં નર્મદાનું પાણી પીવા માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવતું હોય છે. માર્ચ 2022 પછી પાણીના દરમાં 10 ટકાનો વધારો કરવામાં આવશે. જે નવો પાણી દર આગામી માર્ચ 2023 સુધી લાગુ રહેશે.
રાજ્યમાં માર્ચ 2022 પછી પીવાના પાણી માટે પ્રતિ 1000 લીટરે ₹4.56 તેમજ ઔદ્યોગિક વપરાશના પાણીના દર ₹37.64 રૂપિયા લાગુ થશે. હાલ પીવાના પાણી માટે પ્રતિ 1000 લીટરે 4.18 રૂપિયા જ્યારે ઔદ્યોગિક વપરાશના પાણીના ₹ 34.51 ચૂકવાય છે. બન્ને હેતુ માટે પાણીના વપરાશના દરમાં નવા નાણાંકીય વર્ષમાં વધારો કરવામાં આવનાર છે.
ગુજરાતમાં 2006-07ના વર્ષમા પ્રથમ વખત જ્યારે નર્મદા નીરના ભાવો નિયત કરવામાં આવ્યા હતા, ત્યારે પીવાના પાણી માટે એક રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રાખવામાં આવ્યા હતા. વર્ષ 2014-15 માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયાં હતા.
નર્મદા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે.
ગુજરાતમાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ કેનાલો જ્યાં આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણી પુરવઠા વિભાગ અને તેને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે. ખુદ નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતું નથી. નર્મદા નિગમ પાણીના દરો સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે એક પરિપત્ર ઇસ્યુ કરે છે જેનું તમામ એજન્સીઓએ પાલન કરવાનું રહે છે. પીવા અને ઉધોગોના વપરાશના પાણીના ભાવો વધતા રાજ્યની પાલિકાઓ, મહાપાલિકાઓ તેમજ ઉધોગો ઉપર મોંઘવારીમાં મોંઘા પાણીનું વધુ એક ભારણ આવશે.