શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કોરોના મહામારીને ધ્યાને લઈને રાજય સરકારે લીધો પેન્શનરો માટે મહત્વનો નિર્ણય:
રાજય સરકારના પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદત વધુ એક માસ સુધી લંબાવવામાં આવી છે,… નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની મુદત વધુ એક માસ માટે લંબાવવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ કે, નાણાં વિભાગની સ્થાયી જોગવાઇઓ મુજબ રાજ્ય સરકારના તમામ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઇ મે મહિનાથી શરૂ કરી જુલાઈ મહિના સુધી કરાવવાની હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇને રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે હયાતીની ખરાઇ વધુ એક માસ એટલે કે ઓગસ્ટ -૨૦૨૧ સુધી લંબાવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે એટલે હવે પેન્શનરો તેમના હયાતીના ખરાઈ અંગેની પ્રક્રિયા મે -૨૦૨૧ થી ઓગસ્ટ -૨૦૨૧ સુધી કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યુ છે.
નોંધનીય છે કે લાઇફ સર્ટિફિકેટ – જીવન પ્રમાણ એટલે પેન્શનર્સ દ્વારા દર વર્ષે નવેમ્બરમાં જમા કરાવવા પડતા હયાતીના પુરાવા. હયાતીનો પુરાવો આપ્યા બાદ જ નવા વર્ષથી પેન્શન બેંક ખાતામાં જમા થાય છે. જો આ પુરાવો આપવામાં ચૂક થાય તો પેન્શન આવતું બંધ થઇ જાય છે.