શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બાજીપુરા ખાતે યોજાનાર સહકાર સંમેલન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ:
વ્યારા-તાપી: તા.૧૦- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૯/૦૨/૨૦૨૨ના રોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ‘સહકારથી સમૃધ્ધિ’ સહકારી સંમેલન યોજાનાર છે. જેના આયોજનના ભાગરૂપે કૃષિ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બાજીપુરા ખાતે તૈયારીઓ અંગે સુરત અને તાપી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ સુરત જિલ્લા દુધ ઉત્પાદક સંઘ (સુમુલ) દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર લોકોને લાવવા-લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, મંડપ, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, સેનિટાઈઝેશન, વિજ પાવરની સુચારુ વ્યવસ્થા અંગે સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. આ ઉપરાંત તેમણે કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ વેળાએ ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, તાપી જિલ્લા કલેક્ટરશ્રી એચ. કે. વઢવાણિયા, સુરત જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ, સુરત-તાપી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.