શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
“આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગત આગામી તા.૧૩ થી ૧૫મી ઓગષ્ટ દરમિયાન તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાશે:
કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયાની ઉપસ્થિતિમાં “હર ઘર તિરંગા”કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી:
જિલ્લામાં અંદાજિત 332255 સ્થળોએ ધ્વજ વંદન કરાશે:
વધુમાં વધુ નાગરિકોને કાર્યક્રમમાં જોડાવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ:
વ્યારા : તાપી જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આગામી તા.૧૩ થી ૧૫મી ઓગષ્ટ,૨૦૨૨ દરમિયાન યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના સુચારૂં આયોજન માટે તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. “હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં તાપી જિલ્લામાં યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમના આયોજન અને તેના અમલીકરણ સંદર્ભે રૂપરેખા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયાએ “હર ઘર તિરંગા” ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના કાર્યક્રમનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેના ગર્વ સાથેની ભાવના વધુ જાગ્રત બને તેવા હેતુસર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો, દુકાનો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, બસ સ્ટેશન, ઉદ્યોગ અને વેપારી ગૃહો વગેરે જેવા તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવવામાં આવશે. જિલ્લાના તમામ શહેરીજનો-ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વ સહાય જૂથો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ સંગઠનો વગેરેને ઉક્ત કાર્યક્રમમાં સહભાગી થવાનો જાહેર અનુરોધ કરી તાપી જિલ્લાના સમગ્ર ગ્રામ્ય/નગરપાલિકા વિસ્તારમાં તિરંગા ફરકાવવાના ભાગરૂપે સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા “ટીમ તાપી” ને ખાસ અનુરોધ કર્યો હતો.
તાપી જિલ્લામા યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લામાં અંદાજે 298 ગ્રામ પંચાયતો, તાપી જિલ્લામા 327814 કુટુંબો, 1225 સહકારી મંડળીઓ, 930 સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, 120 સરકારી અને ખાનગી ઉચ્ચતર-માધ્યમિક શાળાઓ, 1049 આંગણવાડીઓ, 10 કોલેજો, 290 PHC/CHC/સબસેન્ટર/હોસ્પિટલ, 07 વેટરનીટી કલીનીક અને દવાખાના, 59 કચેરીઓ, 248 સસ્તા અનાજની દુકાનો, 85 પેટ્રોલ પંપ અને ગેસ એજન્સી, 13 પોલીસ સ્ટેશન અને જેલ, 107 ઉદ્યોગ વેપારીઓ મળી અંદાજિત 332255 સ્થળોએ ધ્વજ વંદન કરવામાં આવશે.
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમની બેઠકમાં તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી અશોક ચૌધરી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી પાઉલ વસાવા, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી જી.જી.વળવી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.