શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા, કમલેશ ગાંવિત
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે પહોંચી “દાંડી યાત્રા” : માર્ગમા ઠેર ઠેર કરાયુ યાત્રિકોનુ ભાવભીનુ સ્વાગત :
રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, રાજ્યસભાના સાંસદ શ્રી જુગલસિંહ ઠાકોર, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ સહિતના મહાનુભાવો યાત્રામા જોડાયા :
“દાંડી યાત્રા” સમાપન સમારોહની પૂર્વસંધ્યાએ દાંડીના દરિયા કિનારે જામ્યો પદયાત્રીઓ, પદાધિકારીઓ, અને અધિકારીઓનો મેળાવડો :
નવસારી: તા: ૫: “આઝાદી નો અમૃત મહોત્સવ” ઉજવી રહેલા ભારત દેશના પ્રજાજનોમા નવો જોશ અને ઉમંગ ભરતી “દાંડી યાત્રા” ના સમાપન સાથે દેશભરમા આગામી ૭૫ સપ્તાહ સુધી આઝાદીના ઉત્સવને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે તેમ જણાવતા, રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોરે પદયાત્રીઓનુ હાર્દિક અભિવાદન કર્યું હતુ.
“એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની વિભાવનાને ચરિતાર્થ કરતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના માધ્યમથી દેશના પ્રત્યેક જન જનના મન સુધી આઝાદીનો અમૃત મહોત્સવ પહોંચશે તેમ જણાવતા શ્રી ઠાકોરે “આત્મનિર્ભર ભારત” ની આઝાદીનુ ગૌરવગાન કરી સ્વાતંત્ર્ય વિરોના સપનાના ભારતના નિર્માણ કરવાનુ આહવાન કર્યુ હતુ. દેશની આઝાદી માટે આહુતિ આપનાર સેનાનીઓને પ્રણામ કરી, ભવ્ય ભારતના નિર્માણ માટે યુવાનોને પ્રેરણા પુરી પાડવાની અપીલ પણ આ વેળા શ્રી ઠાકોરે કરી હતી.
દેશવ્યાપી કાર્યક્રમની શરૂઆત આઝાદીના પ્રવેશદ્વાર એવા નવસારી ખાતેથી થઈ રહી છે, જે સંસ્કારી નગરીનુ ગૌરવ છે તેમ જણાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઇ અહિરે પદયાત્રીઓ, પદાધિકારીઓ, અને અધિકારીઓનુ અભિવાદન કર્યું હતુ.
“દાંડી યાત્રા” સમાપન કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કલેકટર સુશ્રી આદ્રા અગ્રવાલે પદયાત્રીઓ, પદાધિકારીઓ, અને અધિકારીઓનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ.
ઉલ્લેખનિય છે કે, ગત તારીખ ૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભાયેલી “દાંડી યાત્રા” આજે ઐતિહાસિક દાંડીની પુણ્યભૂમીએ આવી પહોંચી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચને ૧૯૩૦ના રોજ યોજેલી “દાંડી યાત્રા”ની સ્મૃતિને વર્તમાન સમયમા ઊજાગર કરતા ૮૧ પદયાત્રીઓની, સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિલોમીટરની દાંડીયાત્રા શરૂ થઇ છે.
ગાંધીજીના પ્રિય ભજન “રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ…” ની કર્ણપ્રિય ધૂન સાથે છેલ્લા દિવસે મટવાડ સ્થિત પોલિટેક્નિક કોલેજ ખાતેથી પ્રારંભાયેલી આ યાત્રા તા.૫મી એપ્રિલની આથમતી સંધ્યાએ દાંડીના દરિયાતટે આવી પહોંચી હતી. તે અગાઉ માર્ગમા સામાપોર ખાતે પદયાત્રીઓ તથા મહાનુભાવોએ પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યુ હતુ. જ્યારે દાંડી ખાતે પદયાત્રીઓ સહિતના મહાનુભાવોએ અહીંના વિવિધ ઐતિહાસિક સ્થળો જેવા કે પ્રાર્થના મંદિર, સૈફીવિલા, નમક સત્યાગ્રહ સ્મારક વિગેરેની જાતમુલાકાત લીધી હતી.
આ યાત્રા સાથે રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ સહિત રાજ્યસભાના સાંસદ શ્રી જુગલસિંહ ઠાકોર, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની, સી.વી.સોમ, જેનુ દેવન, મમતા વર્મા, જ્વલંત ત્રિવેદી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન પટેલ, દાંડીના સરપંચશ્રી, નવસારી નગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ સહિતના પદાધિકારીઓ વિગેરે જોડાયા હતા.
નવસારી કલેકટર સુશ્રી આદ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશસ્તિ પરીખ, પોલીસ અધિક્ષકશ્રી ડો.ઋષિકેશ ઉપાધ્યાય સહિતના ઉચ્ચાધિકારીઓ તથા તેમની ટીમે સમગ્ર વિગેરે કાર્યક્રમોમા ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.