શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી:
કેન્દ્રીય સંચાર બ્યૂરો, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સ દ્વારા રેલીનું આયોજન:
સચિન : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે. જેમાં 1.25 લાખથી વધુ લોકોને જોડવાનો નિર્ધાર હોય, એ માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, સુરત તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને (આર સી સી) રોટરી કોમ્યુનિટી કોર્પ્સ, સચિન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કનકપુર હિંદી/ઉડિયા પ્રાથમિક શાળામાં યોજવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોકો બહોળી સંખ્યામાં ભાગ લે એ માટે આજે અહીં જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
સચિન ખાતેના કનકપૂર વોર્ડ ૩૦ નાં બી ઝોન ખાતે આવેલ એસ એમ સી ગાર્ડનથી રેલીનો પ્રારંભ થયો હતો. જે શહેરનાં મુખ્ય માર્ગ પર ફરીને એસ એમ સી ગાર્ડન ખાતે જ સમાપન કરવામાં આવી હતી. આ જનજાગૃતિ રેલીમાં છેલ્લા એક માસથી આર સી સી દ્વારા ચાલતા યોગ વર્ગમાં યોગાભ્યાસ કરતા સ્થાનિક અને આજુબાજુના લોકો તેમજ કનકપુર હિંદી/ઉડિયા પ્રાથમિક શાળા, ગુજરાતી પ્રાથમિક શાળાનાં 400થી વધુ વિધાર્થીઓ જોડાયા હતા. જે લોકોને સ્વસ્થ રહેવા માટે યોગનું મહત્વ સમજાવતા “કરો યોગ, રહો નીરોગ” જેવા સૂત્રોચ્ચાર સાથે શહેરમાં ઘૂમ્યા હતા. રેલી દરમિયાન લોકોને વધુમાં વધુ સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં પહોંચવા અપીલ કરવામાં આવી હતી.
રેલીના પ્રારંભ પહેલા આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષક શ્રી તુષારભાઈ કુંભાણી, ગુજરાત યોગ બોર્ડના શ્રીમતી સંધ્યાબેન પટેલ, પતંજલિના શ્રી જંગ બહાદુર યાદવે ઉપસ્થિત બાળકો અને મહેમાનોને યોગ પ્રોટોકોલ મુજબ યોગનો અભ્યાસ પણ કરાવ્યો હતો. જ્યારે સમાપન બાદ બાળકોને બિસ્કીટનાં પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમનું સંચાલન આરસીસીનાં પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ભાવસારે કર્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર બ્યૂરોનાં ક્ષેત્રીય પ્રચાર અઘિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, તત્કાલિન ટી પી ઈ ઓ જગદીશભાઈ સોલંકી, ઇલેકટેડ આરસીસી પ્રેસિડેન્ટ પવનભાઈ જૈન, ટ્રેજરાર મોહનલાલ સોની, નરેશભાઈ ભટ્ટ તેમજ વિવિધ શાળાઓના પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.