શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યા છીએ, ચૂંટણી તો લોકોના આશીર્વાદથી જીતીએ છીએઃ- PM નરેન્દ્ર મોદી.
નવસારી જિલ્લાનાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ગુજરાતની યાત્રાઓ વધવા લાગી છે. આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધી હતી અને અહીંથી જ નવસારી જિલ્લાનાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી આવી એટલે કામ થાય એવું નથી, આ ચુનૌતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઇ કામ ન કર્યું હોય. અમારા માટે સત્તામાં બેસવું એ સેવાનો અવસર છે. વડાપ્રધાનનું સંબોધન
ગુજરાત ગૌરવ અભિયાનનો હિસ્સો બનવું મારા માટે ગૌરવની પળ: – વડાપ્રધાન
આટલી વિશાળ સંખ્યામાં જનમેદીની તો મારા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પણ ન હતી.. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની જોડીએ આ સફળ બનાવ્યું:
આજે 5 લાખ લોકો એકત્ર થયા એ ગૌરવની વાત છે,
અગાઉના આદિવાસી સીએમને વડાપ્રધાને આડે હાથે લીધા:
વડાપ્રધાને અગાઉના તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાનનો કિસ્સો ટાંકતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ જ વિસ્તારના એક એવા મુખ્યમંત્રી હતા, જેમના પોતાના ગામમાં પાણીની ટાંકી ન હતી. હેન્ડપંપ લગાવે તો બાર મહિને બગડી જાય. હું આવ્યો અને તેમના ગામમાં મેં ટાંકી બનાવી. એક જમાનામાં ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની ટાંકીનું ઉદઘાટન કર્યુ હતું, અને ગુજરાતના છાપામાં પહેલા પાના પર મોટા સમાચાર છપાયા હતા. એ દિવસો ગુજરાતે જોયા છે. આજે મને ગર્વ થાય છે કે હુ આદિવાસી વિસ્તારમાં 3000 કરોડના કામનું ઉદઘાટન કરુ છું. મને સરકારમાં 22 થી વધુ વર્ષ થયા, પણ એક અઠવાડિયુ બતાવો કે મેં વિકાસનુ કોઈ કામ ન કર્યુ હોય. 2018 માં હુ આવ્યો હતો ત્યારે લોકોએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી માટે આંબા આંબલી બતાવે છે. આજે તેઓ ખોટા પડ્યા છે.
ભૂતકાળની યાદોમાં પહોંચી ગયા પીએમ મોદી:
પોતાની જૂની યાદો વાગોળતા તેમણે કહ્યુ કે, લાંબા સમય બાદ ચીખલી આવ્યો છું. જૂની યાદો તાજી થઈ છે. એ દિવસે મારી પાસે અહી આવવા કોઈ સાધન ન હતું. બસમાંથી ઉતરીને ખભે થેલો લટકાવીને આવતો હતો. અહી અનેક વર્ષો રહ્યો, પણ મને ક્યારેય ભૂખ્યા રહેવાની નોબત નથી આવી. તમારા આર્શીવાદ એ મારી શક્તિ છે. આદિવાસી બહેનો વચ્ચે કામ કરવાના અવસર મળ્યા. તેના કરતા વધુ તેમની પાસેથી હુ શીખ્યો. સુઘળતા, સ્વચ્છતા, અનુશાસન… અહી આદિવાસીઓ એક લાઈનમાં એકબીજાની પાછળ ચાલતા હોય છે. આ તેમની જીવન રચના છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે. આદિવાસીઓનુ જીવન પાણીદાર બનાવવુ છે:- નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગૌરવ સભા સંબોધતા જણાવ્યું હતું કે, અહીંના લોકોનુ જીવન પાણીદાર બનાવવું છે. આપણા બાપ-દાદાએ પાણી વગર મુસીબતમાં જીવન પસાર કર્યુ છે. હવે મારે નવી પેઢીને આવી રીતે જીવવા નથી દેવા. તેમની જિંદગી સુખેથી નીકળવી જોઈએ. ઉમરગામથી આગળમાં આદિવાસી, ઓબીસી સમાજ રહે. ત્યા એક પણ વિજ્ઞાનની શાળા ન હતી. આજે આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન શાળાથી મેં શરૂ કરેલુ કામ મેડિકલ કોલેજો સુધી પહોંચ્યુ છે. પ્રગતિ કરવી હોય તો જંગલમાં પણ જવુ પડ્યુ છે. લાખો લોકોનુ જીવન બદલવાનો અમારો નેમ છે. ડાંગ જિલ્લાએ કુદરતી ખેતી માટે જે બીડુ ઉપાડ્યું છે તેના માટે અભિનંદન આપુ છું. આદિવાસી-પછાત-હળપતિના દીકરાએ હવે ડોક્ટર થવુ હોય તો, હવે અંગ્રેજી ભણવાની જરૂર નથી. હવે અમે માતૃભાષામાં તેમને ડોક્ટર બનાવીએ છીએ. અબ્દુલ કલામે પણ આદિવાસીઓના વાડી પ્રોજેક્ટના ભરપેટ વખાણ કર્યા હતા. વિકાસ સર્વસ્પર્શી હોય એ દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. આજનુ દ્રશ્ય જ તમારી માટે કામ કરવાની તાકાત આપે છે. આ તાકાતથી ગુજરાત અને ભારત ને આગળ લઈ જવાનું છે.
ડાંગ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યોઃ સીએમ ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે સરકારે આપ્યું છે, દર વર્ષે અંદાજે 16 લાખ આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રિક પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બેંક ખાતામાં આપવામાં આવે છે. ઇન્વેન્ટરી યોજનામાં 2000થી વધુ પ્રાથમિક શાળાના 18 જેટલા ક્લાસરૂમ પ્રોજેક્ટ છે અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે અને તેને મુશ્કેલી ન પડે એ પણ સુનિશ્ચિત કર્યું છે. વડાપ્રધાન ગુજરાત ગૌરવ ઉદ્યાનમાં આપનું માર્ગદર્શન કરવા પધાર્યા છે ત્યારે ગુજરાતને પ્રાકૃતિક ખેતીમાં વધુ ઊંચાઈએ લઈ જવા આપણે તેમને ખાતરી આપીએ છીએ. ડાંગ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે, એમાંથી પ્રેરણા લઇ સમગ્ર રાજ્યના લોકોનો વિશ્વાસ અને ધરતીમાતાની ગુણવત્તા સુધારવા અન્ય વિસ્તારો પણ આ પ્રાકૃતિક ખેતી અપનાવે એવો સંકલ્પ આપણે કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે શિક્ષણ સ્વાસ્થ્ય અને સુખાકારીનાં કામોના વિકાસ ગુજરાતની આત્મનિર્ભર અને નવી દિશા આપણને આપશે.
ખુડવેલ ખાતે સીઆર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાનને દરેક વ્યક્તિની ચિંતા કરી છે. કોરોનાકાળમાં એકપણ વ્યક્તિ ભૂખે સૂતી નથી. વડાપ્રધાને દરેકને મફતમાં કોરોના વેક્સિન આપી છે. વડાપ્રધાને જનતાને ઘણી યોજનાઓ લોકોને આપી છે.
મોદીએ 3 હજાર કરોડથી વધુનાં કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું છે. નારાજ આદિવાસી સમાજને રીઝવવા માટે આજે મોદી નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. અંબાજીથી ઉંમરગામ સુધી વિધાનસભાની મહત્વની આદિવાસી સીટના મતોનું ધ્રુવીકરણ ન થયા એ માટે ગુજરાત ભાજપે PMને મેદાનમાં ઊતરીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે.
કઈ કઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું:
આજે ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ 2151 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડ, આરોગ્ય વિભાગની 542 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યુ. લોકાર્પણની વાત કરવામાં આવે તો 901 કરોડના કામોનું લોકાર્પણ કર્યુ હતું. જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડ ઉર્જા 46 કરોડ માર્ગ મકાન, અને 20 કરોડના શહેરી વિકાસનાં કામોનું લોકાર્પણ કર્યું છે.