
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં તા.૨૩ જૂન, ૨૦૨૫ થી તા.૧ જુલાઇ, ૨૦૨૫ દરમિયાન ધો.૧૦ અને ધો.૧૨ પૂરક પરીક્ષા યોજાશે:
પરીક્ષા સંદર્ભે નિવાસી અધિક કલેક્ટર શ્રી વિ.કે.જોષીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : આગામી તા.૨૩ જૂન, ૨૦૨૫ થી તા.૧ જુલાઇ, ૨૦૨૫ દરમિયાન ડાંગ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ પૂરક પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાના સુચારૂ આયોજન સંદર્ભે તા.૧૩ જૂનના રોજ ડાંગ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી વિ.કે.જોષીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી વિ.કે.જોષીએ પરીક્ષા સાથે સંકળાયેલા તમામ વિભાગોને લાઈઝનીંગમાં રહી તમામ વ્યવસ્થાઓ સુનિચિત કરવા વિવિધ રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમજ પરીક્ષાની આનુષાંગિક ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી લેવા અનુરોધ તેમણે કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જિગ્નેશ ત્રીવેદીએ પૂરક પરીક્ષાલક્ષી વિગતો આપતા જણાવ્યું કે, તા.૨૩ જૂન થી તા.૧ જુલાઇ ૨૦૨૫ દરમિયાન, SSC પરીક્ષાના કેન્દ્ર દિપ દર્શન માધ્યમિક શાળા આહવા ખાતે કુલ ૪૫૦ વિદ્યાર્થીઓ ૧૫ બ્લોકમાં પરીક્ષા આપશે. તેમજ HSC સામાન્ય પ્રવાહ માટેનું કેન્દ્ર એકલવ્ય મોડેલ રે. સ્કુલ આહવા ખાતે નક્કી કરવામાં આવેલ છે. જ્યાં કુલ ૫૮ વિદ્યાર્થીઓ બે બ્લોકમાં પરીક્ષા આપશે અને HSC વિજ્ઞાન માટેનું કેન્દ્ર સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા ખાતે નક્કી કરવામાં આવેલ છે. જ્યાં કુલ ૬૦ વિદ્યાર્થીઓ બે બ્લોકમાં પરીક્ષા આપશે. આ ત્રણેય પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની સુવિધાઓ, પાણી, આરોગ્ય તેમજ વિદ્યાર્થીઓને આવવા જવા માટે બસની સુવિધાઓ સુનિચ્છિત કરવાં અંગે અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.