મારું ગામ મારાં ન્યુઝ

રાજ્યપાલશ્રીનાં અધ્યક્ષપણે નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે ૧૬-મો પદવીદાન સમારોહ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત

દેશમા હરિત ક્રાંતિ બાદ કૃષિ ક્ષેત્રના આમુલ પરિવર્તનનો સમય પાકી ગયો છે; – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

પદવી સાથે પદક મેળવતા વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવાની હિમાયત કરતા રાજ્યપાલશ્રી:

નવસારીઃ  ગુજરાત રાજયના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તનની આવશ્યકતા ઉપર ભાર મુકતા કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સિદ્ધિ મેળવનારા ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓને આ પદવી અને પદકની સાર્થકતા સિદ્ધ કરવા માટેનુ આહ્વાન કર્યું હતુ.
દીક્ષાંતના માધ્યમથી દીક્ષિત થઈને વૈશ્વિક કર્મભૂમિમાં પદાર્પણ કરનારા વિદ્યાર્થીઓને પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાનો ખ્યાલ આપતા રાજ્યપાલશ્રીએ શિક્ષણનો ઉદે્શ્યર ફક્ત અક્ષરજ્ઞાન જ નથી તેમ જણાવી વિદ્યાનુ ઉચ્ચત્તમ મહત્વ ભારતીય ઉપનિષદોમા પણ આલેખાયેલુ છે તેમ જણાવ્યુ હતું. રાજ્યપાલશ્રીએ ઋષિ પરંપરા અને ગુરુ-શિષ્ય માટે દીક્ષાંત સમારોહ એ ખુબ જ મહત્વનો દિવસ છે તેમ ઉમેર્યું હતું.
જીવન સંઘર્ષના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની આશા સાથે વાલીઓ તેમના બાળકોને ગુરુજનોમા અખૂટ વિશ્વાસ દાખવીને ગુરુકુળમા પ્રવેશ અપાવે છે, ત્યારે અપ્રિતમ વિશ્વાસ અને પરંપરાના આ ઉચ્ચત્તમ મુલ્યો વૈશ્વિક સ્તરે દ્રષ્ટાંત પૂરું પાડી રહયાં છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ પદવીદાન સમારોહ એ ગુરુ-શિષ્યના આદર્શ મુલ્યોને પ્રસ્થાપિત કરવાનો અવસર છે તેમ જણાવ્યુ હતું.
રાજ્યપાલશ્રીએ સત્યના પથ પર કર્તવ્ય ધર્મના પાલન દ્વારા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા વિદ્યા-કૌશલ્યના લાભ બહુજન હિતાય અને બહુજન સુખાયની ભાવના સાથે સર્વજનોને મળે તે માટે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત થવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ધર્મ અને આડંબર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધર્માચરણ અને કર્તવ્યપાલન માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. દિક્ષાંત એ શિક્ષાંત નથી એવું દ્ઢપણે જણાવતા રાજપાલશ્રીએ યુવા પદવી ધારકોને આજીવન વિદ્યાર્થી બની ઇનોવેટીવ આઇડીયા અને નવા આવીષ્કારો દ્વારા સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે કાર્યરત થવા અનુરોધ કર્યો હતો.
મરુસ્થળની ભૂમિ જેમ વર્ષાની એક એક બુંદ માટે તરસી રહી હોય છે તેમ, સમાજના જરૂરિયાતમંદોને પોતાના મેળવેલા જ્ઞાનની વર્ષાથી તરબતર કરી દેવાની અપીલ કરતા રાજ્યપાલશ્રીએ ઉચ્ચત્તમ ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં માતૃ દેવો ભવ અને પિતૃ દેવો ભવ અને અતિથી દેવો ભવ ની પવિત્ર ભાવનાને આત્મસાત કરવાની પણ હિમાયત કરી હતી.
ભારતીય સંસ્કૃતિના આદર્શ મૂલ્યોનુ જતન અને સંવર્ધન કરવાની અપીલ કરતા રાજ્યપાલશ્રીએ પ્રાશ્રાત્ય સંસ્કૃતિના કુપ્રભાવને લઈને બેવડું જીવન જીવવાની આપણી સંસ્કૃતિ નથી તેમ જણાવ્યું હતુ. આદર્શ વિચારધારા સાથે ચિંતન અને મનન કરીને પોતાના કાર્યક્ષેત્રમા પદાર્પણ કરનારા વિદ્યાર્થીઓને સુખ, સમૃદ્ધિ, અને પ્રતિષ્ઠા માટે ખુદી કો કર ઇતના બુલંદ, કી હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે, કી બતા તેરી રઝા ક્યાં હે તેવો આત્મવિશ્વાસ જગાવવાની અપીલ કરી હતી.
દેશમા ભૂતકાળમા થયેલી હરિત ક્રાંતિ માટેની ચળવળનો ખ્યાલ આપી કૃષિ ક્ષેત્રે આમુલ પરિવર્તન માટેનો સમય પાકી ગયો છે તેમ જણાવતા રાજ્યપાલશ્રીએ રાસાયણિક કૃષિના દુષ્પ પરિણામોથી બચવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી દેશની દિશા અને દશા બદલવામા અગ્રીમ ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવ્યુ હતુ.
ભારતીય દેશી બીજ ઉપર વિસ્તૃત અભ્યાસની આવશ્યકતા ઉપર ભાર મુક્તા રાજ્યપાલશ્રીએ દેશી બીજ બેંક ઉપર લક્ષ કેન્દ્રિત કરવાની પણ કૃષિ તજજ્ઞોને અપીલ કરી હતી. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારી ગ્લોબલ વોર્મિગની સમસ્યા સામે પણ અમૂલ્ય યોગદાન આપી શકાય છે તેમ જણાંવતા રાજ્યપાલશ્રીએ ઝેરયુકત ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રજાજનોને સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદનો પુરા પાડવાની આપણી સહિયારી જવાબદારી છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતની પાવનધરાએ દેશને મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્મા, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, અને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા વૈશ્વિક મહામાનવોની ભેટ આપી છે ત્યારે સંસ્કારી નગરી નવસારીના આંગણે કાર્યરત કૃષિ મહાવિદ્યાલય ભારતીય બીજના જતન, સંવર્ધન અને સંશોધનોના ક્ષેત્રે દેશનું માર્ગદર્શક બને તે સમયનો તકાજો છે તેમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું.
નવસારી કૃષિ મહાવિદ્યાલયના સેન્ટ્રલ એકઝામીનેશન હોલ ખાતે આયોજિત ૧૬માં પદવીદાન સમારોહમા કૃષિ ક્ષેત્રના સ્નાતક-અનુસ્નાતક કક્ષાના ૩૭ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને રાજ્યપાલશ્રીએ પદવી તથા સ્વર્ણપદક એનાયત કરી ચાર જેટલા પુસ્તકોનુ વિમોચન પણ કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભે કુલપતિશ્રી ડો.ઝેડ.એમ.પટેલે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતે રજીસ્ટ્રારશ્રી ડો.એચ.વી.પંડયાએ આભારવિધિ આટોપી હતી. કાર્યક્રમમાં મહાવિદ્યાલયના પ્રાધ્યાપકો, કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો, અભ્યાસુઓ સહીત નવસારી કલેકટર શ્રીમતી આદ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીક સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહયાં હતાં. #રાજ્યપાલ ગુજરાત #graminTODAY #todaygramin (The voice of gramin Bharat) #ડિજિટલઇન્ડિયા #ગોગ્રીનઇન્ડિયા #પેપેરલેસઇન્ડિયા #Digitalindia #gogreenindia #paperlessindia #social media #online media #social media news

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है