આરોગ્ય

મંત્રીશ્રીના હસ્તે ગોધરા ખાતે ગુજરાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું: 

ગોધરાને મેડિકલ હબ બનાવવાની દિશામાં પહેલું પગલું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ગોધરાને મેડિકલ હબ બનાવવાની દિશામાં પહેલું પગલું:આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું: 

૧૦૦ બેડની ક્ષમતા સહિત ગોધરાની સૌ પ્રથમ કૅથ લેબ હોસ્પિટલમાં તમામ તબીબી સેવાઓ તથા આયુષ્માન કાર્ડ અંતર્ગત નિ:શુલ્ક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે:

આદિવાસી બંધુઓ માટે ડૉ.ભરપોડા પરિવારની તબીબી સેવાઓ અમૂલ્ય: – આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ

           મધ્ય ગુજરાતનું ગોધરા હવે મેડિકલ હબ બનવાની દિશામાં આગવું સ્થાન ધરાવે તો નવાઈની વાત નહિ, કારણ કે જિલ્લામાં મેડિકલ કોલેજની સાથે તમામ પ્રકારની તબીબી અને સર્જરીની સુવિધાઓ ધરાવતી ગુજરાત સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ,ગોધરા ખાતે બનીને તૈયાર થઈ છે.આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું હતું. આ વેળાએ વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ, શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર,સાંસદ સભ્યશ્રી સહિત ધારાસભ્યશ્રીઓની હાજરીમાં આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું હતું.

            હોસ્પિટલ તરફથી આયોજીત કાર્યક્રમમાં આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે,હવે પછી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓની સારવાર માટે વડોદરા-અમદાવાદ કે અન્ય ક્યાંય જવું પડશે નહીં અને golden hourમાં ઘરઆંગણે જ ઝડપી સારવાર મળવાથી કટોકટીના સંજોગોમાં દર્દીની અમૂલ્ય જીંદગી બચવાની સાથે તેમને નવજીવન પ્રાપ્ત થશે.આ હોસ્પિટલ થકી તમામ વિભાગોની સારવાર ઘર આંગણે જ મળી રહેશે. તેમણે આદિવાસી બાંધવો માટે અમૂલ્ય તબીબી સેવાઓ આપનાર ડૉ.વાય.એમ ભરપોડા તથા પ્રજ્ઞેશ ભરપોડા અને તેમના પરીવારને શુભેચ્છાઓ પાઠવીને જાહેરમંચ પરથી સન્માન કરીને બિરદાવ્યા હતા. 

                આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડ થકી આ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ૧૦ લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે.સરકારશ્રીએ ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષોમાં વિવિધ વિકાસના કાર્યો કર્યા છે જેમાં શિક્ષણ,આરોગ્ય,પાણી,રસ્તા, સૌચાલય વગેરેનો સમાવેશ થાય છે.માતા અને બહેનોને આજે સ્વમાન મળ્યું છે.આરોગ્ય વિભાગના હેલ્થ વેલનેસ સેન્ટર, સબ સેન્ટર, chc, phc વગેરેને અપગ્રેડ કરીને પૂરતો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. ગુજરાત સરકારશ્રીએ ૨૦૨૭ સુધીમાં વર્ગ ૧ તબીબોની સંખ્યામાં ડબલ વધારાનું લક્ષ્ય રાખ્યું છે. આપણે સૌકોઈએ સાથે મળીને કુપોષણની નાબૂદી તથા માતા અને બાળ મૃત્યુ ઘટાડવા તરફ સહિયારા પ્રયાસો હાથ ધરવા તરફ આગળ વધવું જોઈએ. 

                મંત્રીશ્રીએ આ હોસ્પિટલના મેનેજમેન્ટને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઈકો સિસ્ટમ ઊભી કરવામાં આવે તથા અહીં જ આયુષ્યમાન કાર્ડ નીકળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. 

             આ તકે પૂર્વ મંત્રી અને દાહોદના સાંસદશ્રી જશવંત ભાભોરે જણાવ્યું હતું કે, ગોધરામાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનવાથી મધ્યપ્રદેશ,પંચમહાલ સહિત દાહોદ અને મહીસાગરના જિલ્લાના લોકોને પણ તબીબી સેવાઓનો સીધો લાભ મળશે. 

               ગોધરા ખાતેની ગુજરાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની આ શાખામાં કાર્ડિયોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ જેમ કે,હ્રદયરોગ- કિડનીના રોગોનો વિભાગ, અદ્યતન આઈ.સી.યુ. ગેસ્ટ્રો એન્ટરોલોજિસ્ટ (પેટ અને આંતરડાને લગતી તકલીફોનો સારવાર વિભાગ), ડાયાલિસીસ, કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ, પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, દાઝેલા દર્દીઓની સારવાર માટેનો અલગ બર્ન્સ વિભાગ, ચોવીસે કલાક અને સાતેય દિવસ ઈમરજન્સી સારવાર વિભાગ, ઈમરજન્સી માટેના ડોક્ટર્સ જેમણે ઇન્ટેન્સિવિસ્ટ કહેવાય તેવા ડોક્ટર્સ ખડે પગે સતત 24 કલાક કાર્યરત રહેશે. બ્રેઈન સ્પાઈનલ – મગજ અને કરોડરજ્જુના વિશેષ ખ્યાતનામ અને નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તદ્દઉપરાંત, કેસરના રોગોની સારવાર માટે અહીં અલાયદો વિભાગ પણ ઊભો કરવામાં આવ્યો છે, જેનો લાભ આ વિસ્તારની પ્રજાને ઘરઆંગણે સરળતાથી મળી રહેશે.

               ગોધરામાં આ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરુ થવાથી પંચમહાલ- ગોધરા, સંતરામપુર, દેવગઢબારીયા,લીમખેડા, મોરવાહડફ, કાલોલ, બાલાશિનોર ઉપરાંત દાહોદ જીલ્લાના લોકોને હવે ઉપરોક્ત સારવાર માટે વડોદરા-અમદાવાદ કે અન્ય ક્યાંય જવાની જરૂર પડશે નહીં. તદ્ઉપરાંત અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને પણ ઘનિષ્ટ સારવાર માટે વડોદરા કે અમદાવાદ સુધી લંબાવવુ નહીં પડે અને ગોધરામાં જ ઘરઆંગણે તાત્કાલિક સારવાર ઝડપથી ઉપલબ્ધ બનશે, જેથી જીવ સટોસટના સમયે દર્દીઓને સમયસર અને ઝડપી સારવાર મળી રહેવાથી અકસ્માતના કિસ્સાઓમાં મૃત્યુનું પ્રમાણ પણ ઘટશે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીઓની મહામૂલી જીંદગી બચવાની સાથે તેમને નવજીવન પ્રાપ્ત થશે.

               ગોધરાની આ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે 24*7 આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સની સુવિધા પણ હવે ઉપલબ્ધ રહેશે.હોસ્પિટલમાં દર્દીઓ માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા, દર્દીના સગા વ્હાલાઓ માટે રાહતદરે કેન્ટીનની સુવિધા ઉપરાંત આવાસ- રહેઠાણની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં જ વિશાળ પાર્કિંગની સુવિધા પણ રાખવામાં આવી છે.

             આજના આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ ભરવાડ (આહીર),જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, દાહોદના સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર,સર્વશ્રી ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી,શ્રીમતી નિમિષાબેન સુથાર,શ્રી કનૈયાલાલ કિશોરી,શ્રી મહેન્દ્રભાઈ ભાભોર,શ્રી શૈલેષભાઇ ભાભોર,ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એમ.આર.ચૌધરી,જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો,જિલ્લાના તબીબી આલમના નિષ્ણાંતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है