વિશેષ મુલાકાત

ખોપી ગામની બહેનો દૂધ ઉત્પાદક સહકારી મંડળીની રચના થકી બની આત્મનિર્ભર : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જન વસાવા

મિશન મંગલમ માધ્યમથી સખી મંડળની રચના કરી ગ્રામીણ મહિલાઓ એક જૂથ થઈ આર્થિક રીતે બની રહી છે પગભર :

એક સમયે માત્ર ગૃહિણી તરીકે કામ કરતા કોકીલાબેન આજે પશુપાલનના વ્યવસાય થકી મહિને અંદાજે ૩૦૦૦ લીટર દૂધ ડેરીમાં ભરીને મહિને અંદાજે રૂા.૧.૨૦ લાખની આવક મેળવી બન્યા આત્મનિર્ભર :

પશુપાલનની કામગીરી જોઈ ગુજરાત સરકારશ્રી દ્વારા કોકીલાબેન વસાવાને નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું સન્માન પણ અપાયું ; 

રાજપીપલા :- દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં ગામડાંની મહિલાઓને મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસના ભાગરૂપે મિશન મંગલમ યોજનાની શરૂઆત કરી હતી. જેના થકી આજે ગામડાની મહિલાઓ સખી મંડળની રચના કરી આત્મનિર્ભર બની રહી છે. અહીં વાત કરવી છે સાગબારા તાલુકાના ખોપી ગામની “આસ્થા સખી સંઘ” થકી “ધી ખોપી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.”ની રચના કરી પશુપાલનના વ્યવસાય થકી આર્થિક રીતે પગભર બની રહેલી મહિલાઓ.

સાગરાબાર તાલુકાના ખોપી ગામના વતની વસાવા કોકીલાબેન સુરેશભાઈએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૧ માં મિશન મંગલમ યોજનાની ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદેશ ગ્રામીણ મહિલાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામમાં દસ-બાર બહેનોના એક જૂથના કરી આ યોજના થકી કામગીરી આપી મહિલાઓને પગભર બનાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત અમે ગામમાં “પ્રગતિ સ્વસહાય જૂથ” ની રચના કરી તેના નામે નજીકની બેંકમાં ખાતુ ખોલાવી માસિક બચતની શરૂઆત કરી હતી. બચત પ્રવૃત્તિ બાદ અમારા મંડળને સરકારશ્રી દ્વારા રિવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું હતું. જેનાથી અમારા મંડળના બહેનોને લાગ્યું કે માસિક બચત તો થવાની જ છે, પરંતુ ક્યાં સુધી આવી બચત કરતા રહીશું? તેવો સવાલ મંડળના બહેનોને થયો.

વધુમાં તેમની વાત આગળ ધપાવતા કહે છે કે, આ પ્રશ્નના ઉકેલ માટે અમે તાલુકા મથકે મિશન મંગલમ યોજનાની ઓફિસની મુલાકાત કરી. મંડળના બહેનોની આજીવિકામાં સુધારો થાય અને બચત સિવાય બીજુ કંઈક આવકનું સાધન અથવા સહાય મળે કે કેમ તે દિશામાં ચર્ચા કરી. ત્યારબાદ ગામમાં અમારા જૂથને જોઈને બીજી બહેનોએ પણ સખી મંડળો બનાવવાનું શરૂ કર્યું હતું. અમારા ગામમાં હાલમાં ૧૦ થી ૧૨ જૂથો સક્રિય રીતે કામ કરી રહ્યાં છે. આ ૧૦ જૂથોના એક ગ્રામ સંગઠનની રચના કરવામાં આવી. ગ્રામ સંગઠનને “આસ્થા સખી સંઘ-ખોપી” નામ આપવામાં આવ્યું હતું. આ ગ્રામ સંગઠનને સરકારશ્રી તરફથી સી.આઈ.એફ.ની લોન પેટે એક જૂથ દીઠ રૂા. ૫૦,૦૦૦ (પચાસ હજાર) લેખે ૧૦ જૂથોને રૂા. ૫ (પાંચ) લાખની રકમ આપવામાં આવી હતી.

આગળ તેમણે જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી આ રકમનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ સંગઠનને આપવામાં આવી હતી. અમારા ગ્રામ સંગઠન પર મોટી રકમ આવવાથી અમે સ્વચ્છ ભારત મીશન (SBM) યોજના હેઠળ ગામમાં શૌચાલયો બનાવવાની કામગીરી માટે ગ્રામ પંચાયત પાસે માંગણી કરી હતી. જેની સંગઠનને મંજુરી મળતા સંગઠનના તમામ બહેનોએ ગામમાં ૨૫૦ જેટલાં શૌચાલયો બનાવ્યાં હતાં. આ કામગીરી બદલ નર્મદા જિલ્લાને ૧૦ મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ ODF જિલ્લો જાહેર કરાતા સફળ કામગીરી માટે અમારા સંગઠનને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રમાણપત્ર પણ અપાયું હતું.

પોતાની વાત આગળ ધપાવતા કોકીલાબેને વધુમાં જણાવ્યું કે, અમારા મંડળને વર્ષ -૨૦૧૭ માં RSETI દ્વારા પશુપાલનની કુલ-૧૦ દિવસની તાલીમ આપવામાં આવી હતી. જેનાથી મેં પશુ સખી તરીકેની ઓળખ બનાવી બેંકમાંથી રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ) ની લોન મળતા ૧-ગાય અને ૧-ભેંસની ખરીદી કરીને પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. ધીરે ધીરે દૂધમાંથી થયેલી આવકથી વર્ષ-૨૦૧૮ માં વધુ ૧-ગાય અને ૧-ભેંસની ખરીદી કરી હતી. ત્યારબાદ મેં સંગઠનની અન્ય સભ્યો સાથે ચર્ચા કરી પશુપાલન વિશે સમજાવતા આખરે “ધી ખોપી દુધ ઉત્પાદક સહકારી મંડળી લિ.”ની રચના કરી અને દુધ મંડળી મારફતે દૂધધારા ડેરી-ભરૂચ ખાતે દૂધ ભરવાનુ શરૂ કર્યું. જેના થકી આજે હું દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.નું સંચાલન પણ કરું છું. દર વર્ષે પશુઓની સંખ્યા પણ વધતી ગઇ તેથી દુધનો જથ્થો વધતા આવકમાં પણ વધારો થયો. પશુપાલન કરવાનો અનુભવ પણ વધતો ગયો જેથી પશુપાલનને મેં મુખ્ય વ્યવસાય બનાવી લીધો છે અને સંગઠનની બહેનો આત્મનિર્ભર બની રહી છે.

પોતાની વાત કરતા કોકીલાબેને જણાવ્યું કે, વર્ષ-૨૦૨૦ સુધીમાં મારી પાસે કુલ ૧૦-ગાય અને ૫-ભેંસ મળી કુલ ૧૫ દુધાળાં પશુઓ હતાં. જેનાથી દૈનિક દુધની આવક ૮૦ લીટર જેટલી અને માસિક દૂધની આવક ૨૪૦૦ લીટર જેટલી થાય છે. જેનાથી મહિને મને કુલ અંદાજે રૂ.૯૬,૦૦૦/- જેટલી આવક થાય છે. પશુઓના ખાણ-દાણ અને ઘાસચારાનો ખર્ચ બાદ કરતા મને મહિને કુલ રૂ.૨૪,૦૦૦/- જેટલી રકમ મળતા મારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો છે. પશુપાલનની કામગીરી તેમજ દુધની આવક જોતા ગુજરાત સરકાર દ્વારા મને જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકેનુ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યુ હતું. પશુપાલન મારો ગમતો વ્યવસાય બની જતાં આજની તારીખે મારી પાસે કુલ ૧૫-ગાયો અને ૧૦-ભેંસો છે. આ પશુઓમાંથી દૈનિક દૂધની આવક અંદાજે ૧૦૦ લીટર જેટલી અને માસિક દૂધની આવક ૩૦૦૦ લીટર જેટલી થાય છે અને તેનાથી અંદાજે કુલ આવક રૂ.૧.૨૦ લાખ જેટલી થાય છે.

કોકીલાબેન જણાવે છે કે, હું સામાન્ય પરિવારમાંથી આવું છું. જુથમાં જોડાયા પહેલાં હું માત્ર એક ગૃહિણી તરીકેની જ ભૂમિકામાં હતી. આજે હુ મંડળના પ્રમુખ તરીકે કામગીરી કરું છુ. અમારા ગામના ગ્રામ સંગઠનમાં પણ હુ મંત્રી તરીકેની ફરજ અદા કરું છું. ધી ખોપી દુધ ઉત્પાદક સહકારી મંડળ લિ., માં પણ હુ મંત્રી તરીકે છુ. સાથે સાગબારા તાલુકા યાહામોગી ક્લ્સ્ટર ફેડરેશનમાં પણ મારી પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આમ ખરેખર સરકારશ્રીની મિશન મંગલમ યોજના ગામડાંની મહિલાઓ માટે અને તેમના પરિવારને આર્થિક રીતે પગભર બનાવવામાં અને સાચા અર્થમાં વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહત્વની ભૂમિકા અદા કરવાની સાથોસાથ ગામડાની મહિલાઓને સમૃદ્ધિના દ્વાર દેખાડી ગર્વ સાથે જીવન જીવવા માટે દિશા આપી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है