રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નરશ્રીએ સ્વરાજ આશ્રમ વેડછી,ગાંધી વિદ્યાપીઠની મુલાકાત લીધી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નરશ્રી સંજય પ્રસાદે સ્વરાજ આશ્રમ વેડછી,ગાંધી વિદ્યાપીઠની શુભેચ્છા મુલાકાત લીધી હતી, 

સ્વરાજ આશ્રમમાં મળેલા ગાંધી મૂલ્યના સંસ્કારો જીવનભર સાથે રહે છે.:- રાજ્ય ચૂંટણી કમિશ્નરશ્રી સંજયપ્રસાદ

 વ્યારા-તાપી:  સેવા,શિક્ષણ અને સાહિત્ય એવા ત્રણ ક્ષેત્રોને જેણે પોતાના પરસેવાથી ખેડ્યા છે એવા જુગતરામકાકાએ ૧૯૨૪માં સ્વરાજ આશ્રમ વેડછીની સ્થાપના કરી હતી. પૂજ્ય મહાત્મા ગાંધીના વિચારોને સમર્પિત એવા “વેડછીનો વડલો” તરીકે પ્રખ્યાત જુગતરામકાકાએ વેડછીનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતુ કર્યું છે. વર્ષો પહેલા રાષ્ટ્રપતિ,વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવોએ વેડછીની મુલાકાત લીધી હતી.  

         આજરોજ રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નરશ્રી સંજય પ્રસાદ, તાપી કલેકટરશ્રી એચ.કે. વઢવાણિયા, પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, મામલતદારશ્રી જયેશભાઈ પટેલે સ્વરાજ આશ્રમ વેડછી તેમજ ગાંધી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

             ગાંધી મૂલ્યના વિચારોને જીવનભર અપનાવી, ઉચ્ચ શિક્ષણ મેળવીને સમાજમાં યોગદાન આપવા ચૂંટણી કમિશ્નરશ્રી સંજય પ્રસાદે સ્વરાજ આશ્રમના વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. તેમજ ભણતરની સાથે જીવનનું સાચુ ઘડતર પણ અહીં થાય છે. એમ જણાવી ગાંધી મૂલ્યોના આદર્શો સાથેનું શિક્ષણ મેળવવા બદલ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં ડોકટર,એન્જીનીયર જે કંઈ પણ બનો ત્યારે રાષ્ટ્રવાદી મૂલ્યો હંમેશા જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો હતો.

              કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ રાજ્ય સરકાર ઉજવી રહી છે ત્યારે પ્રકૃતિના સાંનિધ્યમાં રહીને શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. સાંસ્કૃતિક વારસો જાળવવો તેમજ સાદગીભર્યું જીવન અપનાવીને મળેલા સંસ્કારો વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે. વધુમાં આશ્રમશાળાના શિક્ષકોને અનુરોધ કરતા કલેકટરશ્રી વઢવાણિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણની હરિફાઈમાં ટકી રહેવા માટે શહેરોના બાળકોને મળે છે તેવુ જ શિક્ષણ આપીને શિક્ષણની જ્યોત હંમેશા પ્રજ્વલિત રાખવાની રહેશે. વહીવટીતંત્ર તરફથી જે પણ મદદની જરૂર હશે તે મળી રહેશે તેવી ખાતરી પણ કલેકટરશ્રીએ આપી હતી.

               સામાજીક કાર્યકર અશોકભાઈ ચૌધરીએ સંસ્થાના કાર્યો તથા ઐતિહાસિક પ્રદર્શન અંગે મહાનુભાવોને માહિતગાર કર્યા હતા. સ્વરાજ આશ્રમના વિદ્યાર્થીઓએ નારાયણ દેસાઈ રચિત ‘રૂડો રૂપાળો મારો વેડછીનો વડલો’ સમૂહગાન કરી મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે ગાંધી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સમગ્ર વૃક્ષ ઉપર ગીત રજુ કરીને સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટીઓ,ડો.સુરેશભાઈ ચૌધરી, નિતીનભાઈ ચૌધરી, ઉત્પલભાઈ, નઈ તાલીમ અદ્યાપન મંદિર આચાર્ય જ્વલંતભાઈ ઈંટવાલા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી વિદ્યાપીઠના સેક્રેટરી ડો.અંજનાબેન ચૌધરીએ તમામ મહાનુભાવોને આવકારી આભારદર્શન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है