મારું ગામ મારાં ન્યુઝ

નર્મદા જિલ્લા સહીત રાજપીપળામાં 1980 માં ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની થઈ હતી શરૂઆત:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  

નર્મદા જિલ્લા સહીત રાજપીપળામાં 1980 માં ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની થઈ શરૂઆત….

આદિવાસીઓમાં આ દિવસે એક અનોખી પરંપરા: ભાઈ બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરાય છે.!!!

નર્મદા: ઉતરાયણ એટલે સૂર્યનો રાશિમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરવાનો દિવસ. આ દિવસને સમગ્ર ભારતમાં પતંગ અને તલ સાંકડીની ચીકી સાથે ઉજવવામાં આવે છે.આકાશમાં રંગબેરંગી પતંગો સાથે કાઈપો છે અને લપેટની બુમો સંભળાય છે. પરંતુ આદિવાસી પંથક એવા નર્મદા જીલ્લામાં આદિવાસીઓમાં આ દિવસે એક અનોખી પરંપરા છે. ભાઈ બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરાય છે. ઉતરાયણના દિવસે તલ અન ગોળના દાનનો અનેરો મહિમા છે, મહાદેવને પણ ચીકી ચઢાવવામાં આવે છે.

એક માન્યતા પ્રમાણે ઉતરાયણના દિવસે બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરવાથી 100 બ્રાહ્મણોને આપેલા દાન બરાબર માનવામાં આવે છે. તલ અને ગોળ આર્થિક રીતે ના ખરીદી શકતા આદિવાસીઓ શેરડીનું દાન કરી આ દિવસને સાર્થક કરે છે.વળી એક માન્યતા પ્રમાણે શેરડીમાં રહેલી મીઠાસની જેમ જ બહેન અને ભાણેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાશ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે અને તેને કારણેજ રાજપીપળાના બજારોમાં આજે આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડી ખરીદતા નજરે પડે છે.

તો રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં ઉત્તરાયણને દિવસે નહિ પણ ચોમાસા દરમીયાન પતંગ ઉડાડવાની પ્રથા હતી.રાજપીપળાના દરબાર રોડ વિસ્તારમાં રહેતા પતંગ રસિક સુરેશભાઈ ઝવેરી જણાવે છે કે આજથી 30-35 વર્ષ પહેલાં રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પતંગ ઉડાડવાની પ્રથા હતી.ચોમાસા દરમિયાન આકાશમાં છૂટી છવાયી પ્લાસ્ટિકની પતંગ લોકો અવાર નવાર ઉડાડવ્યા જ કરતા હતા.ચોમાસામા નહિ પણ ઉત્તરાયણને દિવસે જ લોકો પતંગ ચગાવે એ માટે 1980 દરમિયાન જાયન્ટસ ગ્રુપ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા શરૂઆત કરવામાં આવી.જાયન્ટસ ગ્રુપ લોકોને ઉત્તરાયણના અગાઉના દિવસોમાં મફતમાં અમુક માત્રામાં પતંગ અને દોરાઓનું વિતરણ કરતા હતા.

સુરેશભાઈ ઝવેરી જણાવે છે રાજપીપળાના અખાડા વિસ્તારમાં પતંગ રસિકોની રીતસરની એક હરિફાઈનું આયોજન પણ કરાતું હતું.કોણ કેટલી વધુ પતંગો કાપે છે કેટલા ઓછા સમયમાં કાપે છે એ મુજબ પતંગની હરીફાઈમાં જે કોઈનો પણ 1 થી 3 માં નંબર આવે એમને ઈનામ આપી પ્રોત્સાહિત પણ કરાતા હતા.આમ ધીમે ધીમે જાયન્ટસ ગ્રુપના પ્રયાસોથી રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં ઉત્તરાયણને દિવસે લોકો પતંગ ઉડાવતા થયા હતા.

તો બીજી એક લોકવાયકા એવી પણ છે કે રાજપીપળામાં સૌ પ્રથમ નગીનભાઈ પટેલે (પેટકો કેમિકલ્સ) કરી હતી.તો બીજી બાજુ રાજપીપળા નજીક કરજણ કોલોનીમાં રહેતા કરજણ યોજનાના કર્મીઓએ ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની શરૂઆત કરી હતી.1980ના વર્ષમાં કરજણ ડેમનું નિર્માણ પુર જોશમાં શરૂ થતાં એ ડેમના બાંધકામ અને અન્ય કામગીરી માટે વડોદરા, સુરત, અમદાવાદ, મુંબઈ સહીત અન્ય શહેરો માંથી લોકો રાજપીપળામાં આવીને વસ્યા હતા, તેઓ જ્યાં રહેતા એ વિસ્તારને કરજણ કોલોની તરીકે લોકો ઓળખતા થયા. મોટા શહેરોમાં ઉત્તરાયણને દિવસે જ પતંગ ઉડાડવાની પ્રથા હતી એટલે કરજણ કોલોનીના લોકો ઉતરાયણના દિવસે પતંગ ઉડાડતા હતા જેથી રાજપીપળા વાસીઓએ એમનું અનુકરણ કર્યું અને ઉતરાયણને દિવસે પતંગ ઉડાડવાની શરૂઆત કરી હતી.હવે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ચોમાસામાં જ કેમ લોકો પતંગ ઉડાડતા હતા, તો એની લોકવાયકા એવી છે કે વિદેશના અમુક દેશોમાં લોકો ચોમાસામાં જ પતંગ ઉડાવતા હતા, એનું જ અનુકરણ રાજપીપળા અને નર્મદા જિલ્લા વાસીઓ કરતા હતા.

તો બીજી એક લોકવાયકા એવી છે કે નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે, આજથી વર્ષો પહેલા આ જિલ્લામાં ઘણી ગરીબી હતી, જેથી લોકો ચોમાસા પેહલા અન્ય શહેરો માંથી કપાયેલી પતંગો એકઠી કરતા અને એને ચોમાસા દરમિયાન ઉડાવતા હતા.આ 50 વર્ષ પહેલાંની બધી વાતો છે, સમય જતાં એ સમયના વૃધ્ધો પણ મૃત્યુ પામ્યા એટલે ચોમાસા દરમિયાન પતંગ કેમ ઉડાવાતી હતી એ મામલે અનેક મત મતાંતર છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है