
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
બોરખલની ગ્રામસભામા પાણી પુરવઠા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ :
‘જલ જીવન મિશન’ વિષયક ગ્રામ સભામા મંત્રીશ્રી એ ‘જળ’નુ માહાત્મ્ય સ્પષ્ટ કર્યુ :
ડાંગ, આહવા: “નલ સે જલ” વિષયક વિશેષ ગ્રામસભાઓનુ દેશવ્યાપી આયોજન કરીને, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘પાણી’ નું મૂલ્ય જનજન સુધી પહોંચાડવાનુ ભગિરથ કાર્ય હાથ ધર્યુ છે, તેમ નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના બોરખલ ગામે આયોજિત ‘ગ્રામ સભા’ મા પ્રેરક હાજરી આપતા પાણી પુરવઠા મંત્રીશ્રીએ ‘જલ જીવન મિશન’ની વિભાવના સ્પષ્ટ કરી, દક્ષિણ ગુજરાતની સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુપેરે વાકેફ છે. તેમ જણાવી ડાંગના પ્રજાજનોને ‘જળ’ નુ માહાત્મ્ય સમજી તેનો કરકસરપૂર્વક્નો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.
સ્થાનિક પ્રશ્નોની, સમસ્યાઓની તલસ્પર્શી જાણકારી મેળવવાની વડાપ્રધાનશ્રીની કુનેહ અને તેના કાયમી નિરાકરણ માટેની પ્રતિબદ્ધત્તાને કારણે, આજે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજયમા છેવાડાના માનવીઓના મનમા સંતોષની લાગણી પ્રવર્તી રહી છે, તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી નિહાળી, મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ડાંગના દુર્ગમ વિસ્તારના ગામોમા ‘જન આશીર્વાદ યાત્રા’ માટે પ્રસ્થાન કર્યુ હતું.
બોરખલની ગ્રામસભામા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી દશરથભાઈ પવાર, પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક, અને પ્રફુલભાઇ પાનસુરીયા સહિતના પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી.
ગ્રામસભાની કાર્ય વ્યવસ્થા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, વાસ્મોના યુનિટ મેનેજર શ્રી હેમંત ઢીમ્મર, દ.ગુ.વીજ કંપનીના નાયબ ઇજનેર શ્રી વી. ડી. પટેલ, આહવાના તાલુકા સહ આયોજન અધિકારી શ્રી રતિલાલ ચૌધરી તથા તેમની ટીમે સંભાળી હતી.