
૧૭૩-ડાંગ બેઠકની પેટા ચુંટણી ના માહોલમાં ડાંગ જિલ્લાની સરકારી કચેરીઓ ખાતે હડતાલ, ઉપવાસ કે ધરણા ઉપર કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે;
(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા; ૨૩; ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લામા આગામી તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી ડાંગ જિલ્લાની વિવિધ કચેરીઓના ૨૦૦ મીટરના ત્રિજ્યા વિસ્તારમા પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ, ધરણા, ભૂખ હડતાળ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસોએ એકત્રિત થવા કે સભા/સરઘસ જેવા કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવાયો છે.
સાંપ્રત સમયમા રાજ્યમા ઠેર ઠેર ગેરકાયદેસર મંડળીઓ રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ બનવા પામેલ છે. જે ધ્યાને લેતા ડાંગ જિલ્લામા જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે, લોકોમા સંવાદિતા યથાવત જળવાઈ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલા ભરી ડાંગ જિલ્લાની જુદી જુદી સરકારી કચેરીઓ જેવી કે કલેકટર-અને-જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સહીત તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેલી વિવિધ કચેરીઓ, પોલીસ સ્ટેશનો વિગેરેના ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમા પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ, ધરણા, ભૂખ હડતાળ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસોએ એકત્રિત થવા કે સભા/સરઘસ જેવા કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવાયો છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ આ જાહેરનામા ઉલ્લેખ કરી વધુમા જણાવાયુ છે.