શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે “વિશ્વ દૂધ દિવસ” નિમિત્તે ગુણવત્તા સભર દૂધ ઉત્પાદન વિષય ઉપર ઓનલાઈન વેબીનાર યોજાયો:
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ દૂધ દિવસ નિમિત્તે તા. ૦૧, જૂન ૨૦૨૧ના રોજ દૂધ અને દૂધની બનાવતોનું ગુણવત્તા સભર ઉત્પાદન” વિષય ઉપર ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર વેબીનારમાં તાપી જીલ્લાના કુલ ૫૧ જેટલા પશુપાલકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.
સદર વેબીનારમાં અદયક્ષ સ્થાને ઉપસ્થિત માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી કૃ.યુ. નવસારીના ડો. સી. કે. ટીંબડીયાએ કોરોના મહામારીમાં કેવિકે-વ્યારા દ્વારા આજના વેબિનારની સરાહનીય કામગીરી બિરદાવી હતી અને તાપી જીલ્લા સાથેના પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતાં. ડો. ટીંબડીયાએ તાપી જીલ્લાના પશુપાલકોને સ્વચ્છ દૂધનું મહત્વ • સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે લેવાતી વિવિધ કાળજીઓ, દોહનની વિવિધ પધ્ધતિઓ તેમજ તેના માટે ઉપયોગમાં લેવાતા વાસણોની માવજત વિષે સમજ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દૂધ બગડવાની પ્રક્રિયા સૌથી ઝડપી હોઈ તેની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન જાળવણી કરવી બહુજ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે દૂધ દોહન માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનની મનુષ્યમાં આડઅસર ખાસ કરીને વંધ્યત્વ વિશે માહિતી આપી હતી. સમડી અને ગીધ જેવા પક્ષીઓની ઘટતી જતી સંખ્યા માટે પણ આ ઈન્જેક્શન જવાબદાર છે. દૂધ ઉત્પાદન મેળવવા માટે કેમિકલનો ઉપયોગ ટાળી સમગ્ર માનવજાત અને પશુપક્ષીઓના સ્વચ્છ જીવન માટે આહવાન કર્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડયાએ બધાંને આવકારી સદર કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૦૧થી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈજેશન દ્વારા સમગ્ર વિશ્વમાં ૧લી જૂનના દિવસને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ લોકોમાં સ્વચ્છ દૂધની અગત્યતા વિષે જાગૃત્તિ કેળવાય તે માટેનો છે. હાલના સમયમાં શહેરીજનોમાં ભેળસેળયુક્ત દૂધનો વપરાશ વધતાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓનો વ્યાપ ખુબજ વધ્યો છે. વધુમાં તેમણે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે લેવામાં આવતા જરૂરી પગલાઓ વિષે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.
સંશોધન વૈજ્ઞાનિક, પશુ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., નવસારીના ડૉ. એન. ડી. પટેલએ પશુપાલન વ્યવસાયમાં સ્વચ્છ દૂધ ઉત્પાદનનું મહત્વ વિષય ઉપર પ્રેઝન્ટેશન દ્વારા પશુપાલકોને વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું. કેવિકેના પશુપાલન વિભાગના વૈજ્ઞાનિક ડો. જે. બી. બુટાણીએ પશુપાલકોને સ્વચ્છ દૂધ અને દૂધની બનાવતોનું ગુણવત્તા સભર ઉત્પાદન વિષે વિગતવાર સમજ આપી હતી.
તાલીમના અંતે પશુપાલકો દ્વારા પૂછાવામાં આવેલ પ્રશ્નોનું વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા સંતોષકારક નિવારણ કરાવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડો. એ. જે. ઢોડિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા સામખ્ય તાપીના અધિકારી શ્રીમતી કનકલતાબેન અને ડો. આંબેડકર ટ્રસ્ટના શ્રી કિશોરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.