
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રવાસન સ્થળ માં વિશ્વ સ્થરે પોપ્યુલર એકતાનગરના આંગણે મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર -૨૦૨૩” યોજાશે:
પ્રવાસીઓની લાગણીને માન આપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૨ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન આયોજીત થશે મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર – ૨૦૨૩”
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા. ૨ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન પ્રવાસીઓની માંગણી અને લાગણીને માન આપીને મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર – ૨૦૨૩”નું ભવ્યાતીભવ્ય આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરીઝમના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યુ છે. આ દરમ્યાન અનેક કાર્યક્ર્મ યોજાશે જેમાં ભાગ લેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરીઝમ દ્વારા પ્રવાસીઓને એકતાનગરના આંગણે પધારવા આહવાન કરવામાં આવ્યુ છે.
“મેઘ મલ્હાર” નું ઉદ્ઘાટન ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા દ્વારા કરાશે, આ રંગારંગ કાર્ય્રક્મમાં ગુજરાતના અન્ન અને નાગરીક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જીલ્લાના પ્રભારી શ્રી ભિખુસિંહજી પરમાર, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખ, જીલ્લા પંચાયત નર્મદા પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા ખાસ ઉપસ્થિત રહેશે.
ઉદ્ઘાટન સત્રના પહેલા રંગારંગ ઉદ્ઘાટન પરેડ પણ યોજાશે તેમા ઉપસ્થિત મહાનુભાવો અને પ્રવાસીઓ પણ જોડાશે.તા. ૨ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, રેઇન રન મેરેથોન, તથા શુક્ર, શની અને રવિવાર અને જાહેર રજાઓના દિવસોમાં સવિષેશ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.આ સિવાય પ્રતિદિન સ્થાનિક કલાકારો દ્વારા અનેક કાર્યક્રમોની પ્રસ્તુતિની ઝાંખી કરવામાં આવનાર છે. આ સિવાય, ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલ, મોન્સૂન થીમ પર સુશોભન અને યુવાનોને આકર્ષતી અનેક પ્રકારની એડવેન્ચર એકટિવીટી, વિવિધ સ્પર્ધાઓ તથા પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવશે.
આયોજનને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટીના ચેરમેન શ્રી મુકેશ પુરી, રાજયના પ્રવાસન વિભાગના સચિવશ્રી હારીત શુક્લ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ અને ગુજરાત ટુરીઝમના વહીવટી સંચાલકશ્રી સૌરભ પારધીના માર્ગદર્શનમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ કે, પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરીઝમ દ્વારા પ્રવાસીના પ્રવાસને ફોટો સેલ્ફી અને સોશિયલ મિડીયાના માધ્યમ થકી યાદગાર બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર-૨૦૨૩”નું તા. ૨ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.આ અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને અમને વિશ્વાસ છે કે, આ સમય દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પધારનાર પ્રવાસીઓનો પ્રવાસ જરૂરથી યાદગાર બની રહેશે, અને આનંદમા વધુ એક આનંદનો ઉમેરો થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરીઝમ દ્વારા પ્રવાસીઓને આ સમય દરમ્યાન એકતાનગરની મુલાકાત લઇને અને મેઘ મલ્હારમાં ભાગ લેવા અપીલ કરૂ છુ અને અમે સૌને આવકારવા તૈયાર છીએ.
તો આવો, એકતાનગરના આંગણે મોન્સૂન ફેસ્ટીવલમાં એકતા અને ભાઇચારાની ભાવના મજબૂત કરીએ, સરદાર સાહેબના સાંનિધ્યમાં એકતાના સંદેશને મજબૂત કરીએ.
પત્રકાર: સર્જન વસાવા નર્મદા