શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
“પાણીના ટીપે ટીપેથી બને છે મહાસાગર, પાણીથી જ જીવન થાય છે ઉજાગર”
સુજલામ સુફલામ જળ અભિયાન–૨૦૨૩નો વ્યારાના કાટકુઇ ખાતેથી શુભારંભ કરાવતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
તાપી જિલ્લામાં સુજલામ સુફલામ જળઅભિયાન હેઠળ 306 જેટલા પ્રાથમિક માસ્ટર પ્લાન હેઠળના કામો 18.76 કરોડના ખર્ચે પરિપુર્ણ કરવામાં આવશે.
ગુજરાત સરકાર પાણીદાર સરકાર છે.આ સરકાર છેવાડાના માનવીને વિકાસની ધારામાંથી બાકાત ન રહે તે માટે કટીબધ્ધ છે.: રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
“એક કાટકુઇ શ્રેષ્ઠ કાટકુઇ” બનાવવા તમામ અધિકારી, પદાધિકારી અને જાહેર જનતાને અપીલ કરતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ
વ્યારા-તાપી તા.૧૭: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત તળાવો, ચેકડેમો ઉંડા કરવાનું કાર્ય ઝંબેશરૂપે હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં આજે સુજલામ સુફલામ જળ અભિયાન –૨૦૨૩નો શુભારંભ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારશ્રી કુંવરજીભાઈ હળપતિએ સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાણીદાર સરકાર છે.આ સરકાર છેવાડાના માનવીને વિકાસની ધારામાંથી બાકાત ન રહે તે માટે કટીબધ્ધ છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે મુજબ “એક ભારત શ્રેષ્ઠ ભારત” નો નારો આપ્યો તેમ “એક કાટકુઇ શ્રેષ્ઠ કાટકુઇ” બનાવવા તમામ અધિકારી, પદાધિકારી અને જાહેર જનતાને અપીલ કરી હતી.
મંત્રીશ્રીએ નાગરિકોને પાણીનુ મહત્વ સમજાવતા કહ્યુ હતું કે, આ યોજના હેઠળ વિવિધ ગામોમાં જળસંચઇના કામો કરવામાં આવનાર છે. પરંતું જળના મહત્વને ન સમજો તો કોઇ અર્થ ન રહે. સરકાર જ્યારે તમારા ઘરઆંગણે સહાય આપવા આવી છે. ત્યારે કાળજી પુર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ કરવાની સાથે તળાવમાંથી નીકળતી માટીનો ઉપયોગ ખેતરમાં અને રોડ રસ્તામાં કરવા ખાસ અનુરોધ કર્યો હતો. અંતે તેમણે ઇ-ગ્રામ પંચાયત, નળ સે જળ યોજના જેવી વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી કાટકુઇ ગામને વધુ સમૃધ્ધ બને તે માટે સુચારૂ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કેલક્ટરસુશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં અગાઉના વર્ષમાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ દરમ્યાન વિભાગ તથા લોકભાગીદારી થકી જળસંચયના કુલ ૩૬૮ કામો રૂ.૧૯૭૯.૬૮ લાખના ખર્ચે હાથ ધરી પુર્ણ કરવામાં આવેલ હતા. આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ હેઠળ લોકભાગીદારી થકી હાથ ધરવામાં આવશે. જેમાં 306 જેટલા કામો અંદાજિત 19 કરોડની માતબાદ રકમ હેઠળ કરવામાં આવશે.
વધુમાં તેમણ “જળ એ જ જીવન છે” એમ કહી જળ સંચયના કામો કરવાની સાથે સાથે જળ બચાવવા નાગરિકોને જળના મહત્વ અંગે જાગૃત કરવા અને આપણા જિલ્લાને વધુ હરીયાળું અને જળથી સમૃધ્ધ બનાવવા સૌને અપીલ કરી હતી.
કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, પંચાયત સિંચાઈ વિભાગ, તાપી-વ્યારા હેઠળ “આવો, આપણે સૌ જળ બચાવીએ, જળનું જતન કરીએ” સુત્રને ચેરિતાર્થ કરવા તાપી જીલ્લાના વ્યારા તાલુકાના કાટકુઈ ગામ ખાતે તળાવ ઉંડુ કરવાનું કામ હેઠળ માટી કામનો અંદાજિત જથ્થો ૯,૫૦૦ ઘનમીટર છે. જેમાં સ્વૈચ્છિક સંસ્થા પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારાના સહયોગથી તા. ૧૭/૦૨/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ સમયગાળા દરમિયાન આ કામગીરી ઝુંબેરૂપે પુર્ણ કરવામાં આવશે.
કાર્યકમમાં ખાતમુહુર્ત બાદ મહાનુભાવોના હસ્તે બલુન સીડ આકાશમાં છોડવામાં આવ્યા હતા. આ સાથે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી. કાટકુઇ ગામની પ્રાથમિક શાળાની બાળઓ દ્વારા મનમોહક સ્વાગતનૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. જેને મંત્રીશ્રીએ બીરદાવી બાળાઓને રૂપિયા બે હજાર ભેટ રૂપે આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે સિંચાઇ વિભાગના કા.પા.ઇશ્રી ડી.બી.પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં સુજલામ સુફલામ જળઅભિયાન હેઠળ 306 જેટલા પ્રાથમિક માસ્ટર પ્લાન હેઠળના કામો પંસદ કરવામાં આવ્યા છે. જે કામો અંદાજીત 18.76 કરોડના ખર્ચે પરિપુર્ણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઇંચા.ડી.ડી.ઓ અને આર.એ.સી આર.જે.વલવી, પ્રાયોજના વહિવટદારસુશ્રી અંકિતા પરમાર, વ્યારા પ્રાંત અધિકારીશ્રી હિમાંશુ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ જસુબેન ગામીત સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સુચારૂ રીતે પાર પાડવા કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.