
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાની સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા અભ્યમ-૧૮૧ ની ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ: ભૂલા પડેલ ૭૫ વર્ષિય વૃદ્ધાને પરિવારજનો સુધી પહોંચાડ્યા:
વ્યારા: તાપીની ૧૮૧ અભયમ ટીમ અને સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી હંમેશા સરાહનીય રહી છે. મહિલા અને બાળ વિભાગ તાપી સંલગ્ન સખી વન સ્ટોપ સેન્ટર અને અભયમ દ્વારા ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરતા ભૂલા પડેલ ૭૫ વર્ષિય વૃદ્ધ મહિલાને પોતાના પરિવારજનો સુધી સલામત રીતે પહોંચાડ્યા છે. તાપી જિલ્લાની ૧૮૧ મહિલા અભયમની ટીમે ભૂલા પડેલ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કાઉન્સલિંગ કરતા મહિલાનું માત્ર નામ જ જાણવા મળ્યું હતું. પરંતુ સખી વન સ્ટોપ સેન્ટરે હાર ન માનતા તેના પરિવારજનો, સગાસબંધી તથા ગામને શોધવા ઝુંબેશ હાથ ધરી હતી. જેના માટે મહિલા જે ગામથી મળી આવી હતી તે ગામના આસપાસના ગામોના સરપંચ, આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનો સાથે સંપર્ક કરી અને વોટ્સએપ દ્વારા વૃદ્ધ મહિલાના ફોટા મોકલાવી જુદા-જુદા ગામોમાં તપાસ કરાવી હતી. અંતે મહિલાના પરિવારજનો અંગે માહિતી મળતા વૃદ્ધ મહિલાને પરિવાર સાથે સુખદ મુલન કરાવ્યું હતું.
ભુલા પડેલા મહિલાને સલામત રીતે ઘરે પહોંચાડવા બદલ પરિવારે સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. સખી વન સ્ટોપ દ્વારા જે રીતે ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડીને મહિલાને પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા છે તે ખુબ જ પ્રસંશનીય છે. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાને આશ્રય આપવાની સાથે સારવાર, કાઉન્સલિંગ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.