શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
વઘઇ તાલુકાના સુપદહાડ ગામેં બાઇક ચાલક ઇસમ તણાય જવાની ઘટના સામે આવી છે,
આહવા: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના સુપદહાડ ગામે આજે બપોરે ૧ વાગ્યાના સુમારે અંબિકા નદી પર આવેલા કોઝ વે ઉપર ફરી વળેલા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થતા, એક મોટર સાયકલ ચાલક ઇસમનુ તણાઈ જવાથી મોત નિપજવા પામ્યુ છે.
જિલ્લા ફ્લડ કન્ટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર મૃત્યુ પામનાર ઇસમ રાજકોટ જિલ્લાનો વતની હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
ડાંગ જિલ્લામા પડી રહેલા એકધારા વરસાદને કારણે જિલ્લાના વઘઇ તાલુકાની અંબિકા નદી ઉપરના બે જેટલા લો લેવલ કોઝવે આજે ચાર વાગ્યાની સ્થિતિએ પણ ઓવર ટોપિંગ થવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર વઘઇ તાલુકાના સુપદહાડ-સૂર્યા બરડા તથા નાનાપાડા-કુમારબંધ માર્ગ વરસાદી પાણીને કારણે અવરોધાયા છે. આ માર્ગેથી આવનજાવન કરતા વાહનચાલકો તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ પણ કરાયો છે.
અસરગ્રસ્ત માર્ગો પૈકી સુપદહાડ-સૂર્યાબરડા રોડ બંધ થતા આ માર્ગે આવતા સુપદહાડ, મોટાબરડા, લ્હાનબરડા, અને સૂર્યાબરડા ગામોના વાહન ચાલકો દગુનિયાના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકે છે. જ્યારે નનાપાડા-કુમારબંધ માર્ગ ઉપર આવતા કુમારબંધ, અને બોરદહાડ ગામના લોકો આહેરડી-બોરદહાડ રોડ નો ઉપયોગ કરી શકે છે.
ઉલ્લેખનિય છે કે, આજે સવારના ૬ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ડાંગ જિલ્લાના આહવા તાલુકામા ૨૭ મી.મી., વઘઇ ૨૮ મી.મી., સુબિર ૩૩ મી.મી., અને સાપુતારા ખાતે ૨૮ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા એકધારા વરસાદને કારણે જિલ્લાની નદીઓમા નવા નીર વહેતા થયા છે. સાથે અહીંના નાનામોટા જળધોધ પણ પુન:જીવિત થતા પર્યટકોની અવરજવર શરૂ થઈ ચૂકી છે. ત્યારે સાવચેતી એ જ સલામતી ના મૂળમંત્ર સાથે સૌને પ્રસાશનિક પ્રયાસોમા સહકારની અપીલ કરવામા આવી છે.