શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વંદે ગુજરાત વિકાસ યાત્રા તાપી જિલ્લાનાં ખુશાલપુરા ગામે પહોંચતા ગ્રામજનો બન્યા ખુશહાલ:
ખુશાલપુરા ક્લસ્ટરમાં ૭૬ લાખથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું:
વ્યારા: તાપી જિલ્લાના ખુશાલપુરા(પ્રાથમિક શાળા) ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો ખુશહાલ બન્યા હતા. છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન સરકારશ્રીની અનેકવિધ યોજના થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષ સ્થાને વંદે ગુજરાત અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ખુશાલપુરા ક્લસ્ટરમાં ૭૬ લાખથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું હતું.
જિલ્લા વહીવટી તંત્ર વતી સૌનુ સ્વાગત કરતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ૧૫ દિવસ સુધી વિકાસ યાત્રા ચાલુ રહેવાની છે. જિલ્લા પંચાયતની સીટ ઉપર કલ્સ્ટરના મોટા ગામોમાં વિકાસ રથ પહોંચશે.સમગ્ર યાત્રા દરમિયાન પ્રભાતફેરી,ગ્રામસફાઈ,વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. બે દાયકા દરમિયાન સરકારે શિક્ષણ,આરોગ્ય,કૃષિ-બાગાયત,મહિલા અને બાળ વિકાસ,શાળા,આંગણવાડી,નલ સે જલ,રસ્તા વિગેરે યોજનામાં કરેલા વિકાસ કાર્યોની સિધ્ધિઓ રજુ કરાશે. આરોગ્યની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગામના તમામ લોકો લે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો હતો.
ખુશાલપુરા વિસ્તારમાં રૂા.૩૨ લાખના ખર્ચે ૧૩ જેટલા કામો પૂર્ણ થયા છે. રૂા.૨૮ લાખના ૧૨ કામો મંજૂર કરવામાં આવ્યા છે. કુલ ૩૧ લાભાર્થીઓને આરોગ્યની યોજના,સખીમંડળને રીવોલ્વીંગ ફંડ વિગેરે જુદી જુદી યોજનાઓના લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આમ કુલ ૭૬ લાખથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું હતું.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એચ.રાઠવાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાં વિકાસનું વિહંગાવલોકન કરવામાં આવનાર છે. જેમાં પશુપાલન, આરોગ્ય, બાગાયત, મહિલાઓ માટેની યોજના સહિત વિકાસ કામોની સાથે સિધ્ધિઓનું ફિલ્મ નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
સરપંચ વિભૂતિબેન ચૌધરીએ સૌનું સ્વાગત કર્યું હતું.સેન્ટ ઝેવિયર્સ સ્કુલની બાલિકાઓએ સ્વાગત ગીત રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષરોપણ કર્યું હતું. દુધ ડેરીના પ્રાંગણમાં ગ્રામજનોએ સરકારની વિકાસગાથા રજુ કરતી ફિલ્મ નિહાળી હતી. તેમજ સાંજે ખુશાલપુરા ગામના યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.
આ પ્રસંગે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતી એચ.એલ.ગામીત, નાયબ પશુપાલન નિયામક ડો.બ્રીજેશ શાહ, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય, તલાટીઓ, આચાર્યશ્રી શાંતિલાલભાઈ, નાયબ બાગાયત નિયામક તુષાર ગામીત, આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર અલ્કેશ ચૌધરી, ડો.નિકુંજ ચૌધરી, આરોગ્ય વિભાગના સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, શિક્ષકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.