શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
મત્સ્યોદ્યોગ કચેરી ઉકાઈ ખાતે મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે તાલીમ યોજાઈ:
માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે બે દિવસીય તાલીમનો પ્રારંભ:
સોનગઢ, ઉચ્છલ તાલુકાના ૩૦ તાલીમાર્થીઓએ ભાગ લીધો:
વ્યારા : તાપી જિલ્લાના ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એકસેલન્સ ઈન એકવાકલ્ચર,કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે માછલીઓમાંથી મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી રમીલાબેન ગામીતના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સોનગઢ, ઉચ્છલ અને વ્યારા તાલુકાના ૩૦ તાલીમાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.
ઉકાઈ વિસ્તારમાં મત્સ્યોદ્યોગને ઉત્તેજન આપવા માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામા આવી રહી છે. અહીં તાપી નદી સહિત ઉકાઈ ડેમ વિસ્તાર અને ગામડાઓમાં મત્સ્યોદ્યોગનો વ્યાપ વધારવામાં આવે તો મત્સ્યપાલકો આર્થિક રીતે સધ્ધર બની શકે છે. આમ આ વિસ્તારમાં અનેક લોકોને લાભ થાય તેવા ઉમદા હેતુથી મત્સ્યોદ્યોગને ઉત્તેજન આપવામા આવી રહ્યું છે. આ વિસ્તારના યુવક-યુવતિઓને હોટેલ વ્યવસાયમા વધુ આવક મળી શકે તે માટે માછલીઓ માંથી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટોમાંથી વધુ આવક કઈ રીતે મેળવી શકાય તેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
પદ્મશ્રી રમીલાબેન ગામીતે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ લઈને કઈ રીતે આગળ વધી શકાય તે માટે તાલીમ લેવી જ જોઈએ. સરકારની બધી જ યોજના કલ્યાણકારી હોય છે. સમાજ માટે કાંઈક કરવાની ભાવના સાથે આગળ વધવુ જોઈએ. આજે વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર બનવા માટે હાકલ કરી છે. ત્યારે આ તાલીમ આપના માટે ખૂબ જ મહત્વની બની રહેશે.
ફિશરીઝ કોલેજ, વેરાવળના તજજ્ઞ ડો.બી.જી. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપના વિસ્તારમાં થતી માછલીઓમાંથી વિવિધ પ્રકારની બનાવટો બનાવી શકાય છે. જેમાંથી આપને વધુ આવક મળી રહેશે. માછલીનું અથાણુ, ફીશબેઈઝ કુરકુરે, ન્યુટ્રીશન બેલેન્સ થાય તે મુજબની બનાવટો તૈયાર કરવામાં આવે તો આવનારા દિવસોમાં વધુ આવક મળી રહેશે.
સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા ડો.સ્મીત લેન્ડેએ જણાવ્યું હતું કે, માછલીઓમાંથી ૨૦ થી વધુ પ્રોડક્ટ બનાવી શકાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ૬૦ ટકા સબસીડી સાથે મોબાઈલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાય છે. આ વિસ્તારના સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ અપેક્ષા વ્યક્ત કરી છે કે મેટ્રોસીટીમાં ચાલતા રેસ્ટોરન્ટ જેવી બનાવટો આપણા આદિવાસી યુવક-યુવતિઓ બનાવે તો ચોક્કસ આપણે આર્થિક સધ્ધરતા મેળવી શકીએ છીએ. આ વિસ્તારની માછલીની પાત્રફીશ પ્રખ્યાત છે. લોકો એ માણવા માટે આવે છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓને વિવિધ વેરાઈટી વાળી વાનગીઓ પીરસવામાં આવે તો સહેલાણીઓને પણ મજા પડે અને સ્થાનિક લોકોની રોજગારીમાં પણ વધારો થાય.
સેલુડના હેમલત્તાબેન વસાવાએ જણાવ્યું હતું કે, અમે તાલીમ લેવા માટે આવ્યા છે. માછલીઓમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે તેની તાલીમ લેવા આવ્યા છે. શીખ્યા પછી પ્રોજેકટ આગળ વધારવાની ઈચ્છા છે.
સોનગઢના સોનવણે કેતનકુમાર કૈલાશભાઈએ જણાવ્યું હતું કે, ફિશરીઝની તાલીમ લેવા આવ્યો છું. માછલીની વિવિધ બનાવટની તાલીમ લઈ આગળ વધવા માંગુ છું.
આ પ્રસંગે ડો ડી.વી.ભોડા, ધર્મેશભાઈ, મોહનભાઈ સહિત તાલીમાર્થીઓએ તાલીમને સફળ બનાવી હતી. આભારવિધિ ડો.રાજેશ વસાવાએ કરી હતી.