
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં તા.21મી માર્ચે યોજાનાર વર્ગ 1-2ની વિવિધ પરીક્ષાઓ સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું:
વ્યારા: આગામી તા.21.03.2021ના રોજ તાપી જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે જીપીએસસી દ્વારા લેવાતી ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા દરમિયાન ઉમેદવારોની પસંદગીમાં પ્રામાણિકતા અને ગુપ્તતા જળવાય અને પરીક્ષા ન્યાયયુકત યોજાય તથા પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ, તટસ્થ અને ભેદભાવરહિત થાય તે અને પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જે મુજબ તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં 100 મીટરના ઘેરાવ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા, હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ કે લાઉડ સ્પીકર વગાડવા, ૫રીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં અનઅઘિકૃત વ્યકિતઓના પ્રવેશ ૫ર તથા પરીક્ષા કેન્દ્રની 100 મીટરના અંતર સુઘીમાં ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર મનાઈ ફરમાવી છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનારા ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 અનુસાર સજાને પાત્ર થશે.
વધુમાં પરીક્ષાર્થીઓએ ધ્યાન રાખવા બાબત છે કે, પરીક્ષા કેન્દ્રો ખાતે કેક્યુલેટર, સેલ્યુલર/મોબાઈલ/ ઈલેકટ્રોનિકસ ગેઝેટસ જેવી વસ્તુઓ લઈ જવાની મનાઈ છે. પરીક્ષામાં ઉપસ્થિત થનાર પરીક્ષાર્થીઓએ ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર/હાજરી પત્રક અવશ્ય સાથે લાવવાના રહેશે. જો પ્રવેશપત્ર/હાજરી પત્રક ન હોય તેવા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહી.